Abtak Media Google News

કમિંગ ઈવેન્ટ્સ કાસ્ટ ધેઅર શેડોઝ બીફોર, એ વાત ભૂલવા જેવી નથી અને એમાંથી બોધપાઠ લીધા વિના પતન અટકે તેમ નથી! વાસ્તવિકતાની ભૂમિ પર પગલાં પાડયે જ છૂટકો છે: લાલબત્તી !

આપણા દેશના રાજકીય ક્ષેત્રે તાજેતરમાં બનેલી ઘટનાઓ રાજપુરૂષો માટે લાલબત્તી સમી છે: ‘હે અમથા, હવે તો મટી પર પગ મૈલ !’ પાણીના પરપોટાજેવા અજબ ગજબના ખેલ, કાગળની હોડીના ઠેકે કયાં સુધી કરીશ, ગેસ હે અમથા, હવે તો માટી પર પગ મેં’લ ! એક જુગજુની કહેવત છે: ‘સમય સમય બલવાન હૈ, નહી પૂરૂષ બલવાન, કાબે અર્જુન લૂંટિયો, વહી ધનૂષ વહી બાણ!’

આપણા દેશના રાજનેતાઓને બરાબર લાગૂ પડતૂં આ સનાતન સત્ય ઝારખંડની ચૂંટણીનાં પરિણામે પૂરવાર કરી આપ્યું છે. હમણા હમણાની રાજકીય ક્ષેત્રની અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ક્ષેત્રની ઘટનાઓનો એ સારાંશ છે!

આ બધી ઘટનાઓએ બીજી એક કહેવતને સિધ્ધ કરી બતાવી છે કે, ‘કલીંગ ઈવેન્ટસ કાસ્ટ ધેઅર શેડોઝ બીફોર’ (આગામી બનાવોના ઓછાયા અગાઉથી દ્રષ્ટિસ્થ થયા વગર રહેતા નથી.)

રાજકીય ક્ષેત્રનું એક બીજું સનાતન સત્ય એ પણ છે કે, ‘જગત નિયંતાનું નિયતિચક્ર નીચેથી ઉપર ચઢતું, ને ચઢે તે અથી બમણે વેગે પૃથ્વી પર પટકાતું !’

આ બધું આપણા રાજકીય ક્ષેત્રનાં ચમ્મરબંધી માંધાતાઓને બેશક સ્પર્શે છે, અને ઘણા બધા લોકોને તેનો અનુભવ થઈ ચૂકયો છે ?

આપણા રાજકીય પદધારકો, પ્રધાનો અને છૂપા કે ખૂલ્લા રૂસ્તમો માટે એ મહત્વપૂર્ણ સત્ય એ પણ છે કે, એક સરખા દિવસ કોઈના જાતા નથી. પ્રજા આજે જેમને ફૂલના હાર પહેરાવે છે. એને જ ખાસડાના હાર પણ પહેરાવે છે. કુદરત જેને ધનપતિ બનાવે છે તેમને અકિંચન અને ગરીબ પણ બનાવે છે. રાવણ જેવા અનેક વરદાન ધરાવનાર રાજાને, જયારે તે ગર્વ અને અભિમાન કરે ત્યારે તેને ચપટીમાં હતા-નહતા કરી દે છે.

ગરીબ પ્રજાને અને તેને માટે મળેલા દાનને નિરંકુશ અને પોતાના હલકટ મનોરંજન માટે કોઈને કોઈ બહાના હેઠળ લૂંટે કે લૂંટાવે છે એનું પતન નોતરે છે. અને તેની સાથે જોડાતા કૂટુંબીજનોને પણ કુદરત દુ:ખી દુ:ખી કરે છે.

સદ્ગૂરૂદેવે તો એટલે સુધી અભિશાપ રૂપે કહ્યું કે, દાનમાં મળેલી સંપત્તિનો પોતાના મળતિયાઓ માટે સ્વચ્છંદી રીતે ગેરઉપયોગ કરે છે. તેને કોઢના રોગ જેવી શિક્ષા કરે છે; ગુલાબના ફૂલોના કિંમતી હાર પહેરતા અને પહેરાવવા, ખર્ચાળ વિમાનોમાં મુસાફરીઓ કરવી અને તસ્વીરો પડાવીને પોતાની વાહવાહ કરાવવી એ હળાહળ નર્કમાં ધકેલાવા જેની નપાવટતાછે.. આ વાત રાજકીય ક્ષેત્રે માનવ ધર્મના નામે ઠગાઈના ક્ષેત્રે, સામાજિક દુરાચારોના ક્ષેત્રે એક સરખી લાગુ પડે છે. જે વ્યકિત કે સંસ્થાના મોભી-દંપતી સત્કાર્ય માટેના આયોજનને લીલીઝંડી આપવા સુધીની મોટાઈ આચરે એને ભદ્ર સમાજ શોભાસ્પદ કેમ ગણે? કેટલાક રાજપુરૂષો, પદધારકો અને સામાજીક સંસ્થાના સૂત્રધારો આવી બધી પાપલીલાઓ કરે છે, આવા દુષણ જેટલા વહેલી તકે અટકાવાશે એટલુ વધુ સારૂ થશે ? આની સામે કશા જ લાભ કે સ્વાર્થ વિના માનવ સેવા, સમાજ સેવા અને ગરીબો-દરિદ્રોની સેવા કરતા ભદ્રજનો અને ભદ્ર તથા ઉમદા સંસ્થાઓ-શુભકર્તાઓને વધુમાં વધુ ઈજજત અપાય અને બહુમાનિત કરવામાં આવે એ શુભશુકન લેખાશે!

સમાજના સજજન અને ભદ્રપૂરૂષોએ હવે આગળ આવવું જોઈએ અને રાષ્ટ્રધર્મ બજાવવો જોઈએ એવો અભ્યાસી ચિંતકોનો મત છે.

બાકી તો સમય સમય બળવાન છે અને જો શ્રી કૃષ્ણને સારથી નહિ બનાવવાની ભૂલ ખાધી હોય તો અર્જુન જેવા શકિતશાળીએ સામાન્ય માણસની સામે પરાજિત અને અપમાનિત થવું પડે છે.

ઝારખંડની ચૂંટણીએ એની પ્રતીતિ કરાવી છે.

મહાભારતના યુધ્ધના સર્વશ્રેષ્ઠ યોધ્ધાસમા મહારથીઓ ઝારખંડના ચૂંટણી-યુધ્ધમાં જોડાયા જ હતા, પણ સમય જ બળવાન છે. એ સિધ્ધ થયું !

‘કમિંગ ઈવેન્ટસ કાસ્ટ ધઅર શેડોઝ બીફોર’એ સનાતન સત્યને ભૂલવા જેવું નથી. ઝારખંડની અને અન્ય ઘટનાઓ લાલબત્તી રૂપ છે. એનો બોધપાઠ લીધા વિના પતન અટકે તેમ નથી. હવે ચમ્મરબંધી રાજકર્તાઓએ પણ વાસ્તવિકતાની ભૂમિ પર આવ્યા વિના નહિ ચાલે ? એનો સૂર આવો છે. હે અમથા, હવે તો સાચું સમજ, ને માટી પર પગ મે’લ ! અહીં પાણીના પરપોટા જેવા અજબગજબના ખેલ, કાગળની હોડીના ટેકે કયાં સુધી કરીશ ગેલ, હે અમથા, હવે તો કાંઈક સમજ, ને માટી પર પગ મેલ !

આમ, આપણા રાજકીય ક્ષેત્રે અને સામાજિક-ધાર્મિક ક્ષેત્રે વાસ્તવિકતાની ભૂમિ પર અને હુંકાર તથા અહંભાવ છોડીને સાચી દિશામાં પગલાં માંડયે જ છૂટકો છે !

ગુલાબી અને ઠગારાં વચનોથી હમણા સુધી ભરમાતી રહેલી પ્રજા હવે નહિ ભરમાય અને શામ, દામ, દંડ અને ભેદની કરામતો કામિયાબ નહિ નીવડે, એ સ્વીકાર્યા વિના છૂટકો નથી !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.