Abtak Media Google News

ચૈત્ર સુદ પૂર્ણિમા એટલે હનુમાનજી મહારાજ નો પ્રાગટ્ય દિન. આ પરમ પવિત્ર દિવસે નાના નાના ગામથી લઈ મહાનગરોમાં દાદાનું ભાવથી પૂજન અર્ચન થાય છે. તો એ સાથે આપણે સૌ કોઇ દાદાના કાર્યો માંથી ગુણ ગ્રહણ કરી જીવનમાં કંઈક નવું ઉમેરીએ..

અતૂલીત બલધામમ્ હેમશૈલાભદેહં

દનૂજવન કૃશાનં જ્ઞાનીનામગ્રગણ્યમ્ ,

સકલ ગુણનિધાનં, વાનરાણામધીશમ્

રઘુપતિપ્રિયભક્તં વાતજાતં નમામિ….

અહીં પ્રસ્તુત શ્લોકમાં દાદાના ગુણોથી પરિચિત થઇએ.

હનુમાનજી મહારાજ અતુલિત બલધામ છે. કેહતા એમનામાં એક જ શક્તિ નહીં શક્તિ નો સમૂહ છે. અતુલિત એટલે તોલી કે માપી ન શકાય. સીતાજીના શોધ સમયે સમુદ્ર તટે અમાપ શક્તિ હોવા છતાં ચૂપ બેઠા છે. શક્તિ હોય અને ચૂપ રહેવું એ દુષ્કર છે. પણ માનવ આટલું સાધી લ્યે તો એના જેવો કોઇ ઉત્તમ નહીં. શક્તિ કોઇ પણ પ્રકારની હોય – શારીરિક હોય, બૌદ્ધિક હોઇ, આર્થિક હોય કે સત્તાની હોય પરંતુ અમાપ શક્તિ હોવા છતાં જે બડાઈ ન કરે એ હનુમાનજીની જેમ પૂજનીય ગણાય.

દાદાની શક્તિ અમાપ છે. તેમ છતાં જાણવાની મનમાં આકાંક્ષા હોય તો એમ કહી શકાય કે એક હજાર ઘોડા ઓનું જેટલું બળ હોય એટલું બળ એક મદઝરતા હાથીમાં હોય એવા દસ હજાર મદઝરતા હાથીનું બળ ઈન્દ્રના ઐરાવત હાથીમાં છે. એવા એક લાખ ઐરાવત હાથીનું બળ ભેગું કરો એટલું બળ દધિચી ઋષિ ના હાડકામાંથી બનેલા વજ્રમાં છે. એવા એક કરોડ વજ્ર એટલે દસ હજાર કરોડ હાથી થયા, એમાં જેટલી તાકાત છે એટલી તાકાત હનુમાનજીની ટચલી આંગળી માં છે! એટલે દાદાને અતુલિત બલધામ કહ્યા છે.

આટલી તાકાત હોવા છતાંય હનુમાનજી ચૂપ બેઠા છે અને જ્યારે જાંબવંતજીએ કહ્યું કે ’બાપ તું કેમ ચૂપ છો ? તારાથી રામકાજ થવાનું છે’. ત્યારે હનુમાનજીએ ભયંકર ગર્જના કરી અને વિશાળ સ્વરૂપ ધારણ કર્યું. પણ અહીં સમજવાની વાત એ છે કે આટલી શક્તિ હોવા છતાં..

” જાંબવંત મૈ પૂછી હો તોહી, ઉચિત શિખામન દીજીહું મોહી”

“હે જાંબવંતજી ! મને ઉચિત શિખામણ આપો, સલાહ આપો…” આ મુદ્દો યુવાનોએ ધ્યાનમાં રાખવા જેવો છે. એ મુદ્દો એ છે કે શક્તિ હોય, યુવાની હોય, તો પણ વડીલોની સલાહ માનવી, સલાહ લેવી. હનુમાનજી

શક્તિમાન છે, સક્ષમ છે. એને જાંબવંતજી ની સલાહ લેવાની શું જરૂર છે? પરંતુ વિવેક કર્યો છે કે મને ઉચિત શિખામણ આપો ! અને જાંબવંતજી એ સલાહ આપી કે, ” જો ભાઈ , તારે અહીંથી ત્યાં જવાનું, સીતાજી મળે તો એમને રામની યાદી આપવાની. રામની મુદ્રિકા આપવાની, આશ્વાસન આપવાનું. સીતાજી કંઈ નિશાની આપે તો એ લઈ આવવાની અને રામનો સંદેશો આપવાનો. સમય બગાડવાનો નહીં. જલ્દી જવાનું, જલ્દી પાછું આવવાનું, કારણકે અહીં અમે પળેપળ પ્રતિક્ષા કરતા હોઈશું. આટલું કરજે.

પછી હનુમાનજી એ કહ્યું કે ” હોઈ કાજુ મોહે હરખ વિશેષી ” મને અંદર થી ખૂબ જ આંનદ થાય છે. કોઈ કાર્ય આરંભ કરીએ અને અંદરથી આનંદ આવે તો સમજવાનું કે કાર્ય સફળ થશે જ.

આ સંપૂર્ણ પ્રસંગ માં મૂળ વાત, પહેલું તો એ કે શક્તિ હોવા છતાં બડાઈ ન કરવી, ચૂપ રહેવું, કાર્ય કરી બતાવવું. બીજી વસ્તુ એ કે વડીલોની સલાહ લેવી. જરૂરી નથી કે આપણને બધી વાત માં ખ્યાલ આવી જ જાય એટલે ચર્ચા કરવાથી ઝીણી ઝીણી ઊપયોગી બાબત એમાંથી મળી જતી હોય છે. કારણ કે વડીલોને જીંદગી નો અનુભવ હોય છે. ” યુવાનીના છોડને અનુભવના ફૂલ બહુ મોડા આવતાં હોય છે.

હનુમાનજી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ એમની કૃપાથી આપણા જીવનમાં સદગુણના દિવાઓ ઝળહળતા રહે…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.