Abtak Media Google News

વચનામૃત દ્વિશતાબ્દી નિમિત્તે ઉજવાયો આત્મીય યુવા મહોત્સવ: ૨૬ દેશોના બે લાખથી વધારે યુવાનોએ ભાગ લીધો: હરિપ્રસાદ સ્વામીજી, નિખિલેશ્ર્વરાનંદજી, અવધેશાનંદગિરિજી, દ્વારકેશલાલજી, વ્રજરાજકુમારજી વગેરે સંતોએ આશિષ આપ્યા: મુખ્યમંત્રી સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતી

આત્મીય સ્વચ્છતા અભિયાન અને અંગદાન અભિયાન માટે વિશ્ર્વવિક્રમ

ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત મહાગ્રંથ વચનામૃત દ્વિશતાબ્દી નિમિત્તે હરિધામ  સોખડા દ્વારા વડોદરામાં તા. ૨ થી ૫ જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય આત્મીય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજની પ્રેરણાથી યોજાયેલા આ મહોત્સવમાં ભારત ઉપરાંત વિશ્ર્વના છવીસ દેશોમાંથી બે લાખથી વધુ યુવાનો  યુવતીઓએ ભાગ લીધો હતો.  વડોદરા પાંજરાપોળ મેદાન ઉપર ત્રણસો એકર વિસ્તારમાં યોજાયેલા આ મહોત્સવ માટે વિશાળ પરિસર ઉભું કરવામાં આવ્યું હતું.

Audiance 1

આ મહોત્સવના પ્રારંભે ભારતીય સંસ્કૃતિના આદર્શો, સ્વામિનારાયણ પરંપરાના વિવિધ પ્રસંગો તેમજ યુવાનોના ઉત્કર્ષ માટે થયેલાં કાર્યોને તાદૃશ્ય કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ  સંત પરમ હિતકારી રજૂ કરવામાં આવ્યો હતો.  આ દ્રશ્ય-શ્રાવ્ય કાર્યક્રમમાં જીવનમાં આધ્યાત્મિકતા અને સંતો સાથેની મૈત્રીની અનિવાર્યતા પર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો.  આત્મીય યુવા મહોત્સવના ઉદઘાટન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ સુરેશભૈયાજી જોશીએ યુવાનોને જીવનમાં નિર્ભયતા કેળવવા, દેશ વિશેના અજ્ઞાન દૂર કરવા અને અધિકારની પહેલાં કર્તવ્યને સ્થાન આપવા આહવાન કર્યું હતું.  ભારતની ભૂમિ વંદન અને અભિનંદનની ભૂમિ છે.  હરિપ્રસાદ સ્વામીજી જેવા મહાન સંતોની તપશ્ચર્યાથી આ ભૂમિ પાવનકારી બની છે.  મહોત્સવના પ્રથમ સત્રમાં આશીર્વાદ આપતાં પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીએ કહ્યું હતું કે, આત્માની યાત્રાને પ્રભુતરફ નિર્વિઘ્ને ચલાવવા માટે જીવનમાં પ્રભુના ધારક સંત સાથે મૈત્રી અનિવાર્ય છે.  આંખને યોગ્ય જોતી કરવા માટે, કાનને યોગ્ય સાંભળતા કરવા માટે, જીભને યોગ્ય બોલતી-ખાતી કરવા માટે, મગજને યોગ્ય વિચારતું કરવા માટે સંતની અમૃતવાણી પીવી જ પડે. તો જીવનમાં સાચી હળવાશ પ્રગટે.  એ હળવાશથી આત્માની યાત્રા પ્રભુ તરફ ચાલે.  પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીએ એમ પણ કહ્યું હતું કે, આયુર્વેદનાં મતે શરીરમાં કોઈપણ રોગ માટે વાત, પિત્ત અથવા તો કફ જવાબદાર હોય છે તેમ જીવનમાં વિવિધ સમસ્યાઓના મૂળમાં આ હઠ,માન અને ઈર્ષ્યા જ હોય છે. આ ભાવોથી મુક્ત થવા માટે જીવનમાં સત્પુરુષ સાથેની મૈત્રી અનિવાર્ય છે.  હઠ, માન અને ઈર્ષ્યાનો સ્વભાવ ઘટે ત્યારે પ્રભુનો પ્રભાવ વધે. એ પ્રભાવ વધારવા માટે  સંતો સહુના હૃદયમાં પ્રભુની પ્રતિષ્ઠાનો યજ્ઞ કરી રહ્યા છે. ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડાએ મુખ્ય અતિથિપદેથી સંબોધિત કરતાં કહ્યું હતું કે, આજના યુવાનોમાં સકારાત્મક વિચારધારા પ્રગટાવવામાં સંતોની ભૂમિકા મહત્વની રહે છે.  સામાજિક અને સાંસ્કૃતિક સૌહાર્દનો વિસ્તાર કરવાનું કામ યુવાનોનું છે.  યુવાનોને આ માટે સક્ષમ કરવાનું કામ સંતો કરે છે. યુવાનો ઉર્જાનો સ્ત્રોત હોય છે.  સંતોના સહવાસમાં આ ઉર્જા વૈશ્વિક ઉત્કર્ષનું માધ્યમ બને છે.  આ ઉર્જા આત્માને આત્મા સાથે જોડીને આત્મીયતા પ્રગટાવવામાં નિમિત્ત બને છે.

રામકૃષ્ણ આશ્રમ –  રાજકોટના અધ્યક્ષ પરમ પૂજ્ય નિખિલેશ્વરાનંદજીએ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, સત્સંગથી સુખ, શાંતિ અને સરળતા પ્રાપ્ત થાય છે.  જેને કારણે સ્વાર્થને બદલે પરમાર્થના વિચાર આવે. વિશ્વના સુખમાં નિમિત્ત બનવાની પ્રેરણા મળે છે.  વ્યક્તિ માત્ર પોતાને માટે જીવીને સુખ મેળવે છે શાશ્વત નથી રહેતું.  સમાજનો, દેશનો તેમજ વિશ્વનો વિચાર કરીશું ત્યારે જે આનંદ મળશે તે શાશ્વત હશે.  જીવનમાં આધ્યાત્મિકતા હશે તો આપણું દરેક કર્મ પ્રભુની ભક્તિ બની રહેશે. આ મહોત્સવમાં આશીર્વચન આપતાં યુવાવૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી દ્વારકેશલાલજી મહારાજે કહ્યું હતું.  માણસના જીવનમાં ત્રણ પડકાર છે  સર્વાઈવલ- સ્ટેબિલિટી  સક્સેસ. ટકવું, સ્થિર થવું અને સફળ થવું.  સફળતા મળ્યા પછી તેને ટકાવી રાખવા માટે ત્રણ ભાવના  સાથે પ્રભુભક્તિ કરવી જોઈએ  સેલ્ફલેસનેસ- ઇગોલેસનેસ-સરેન્ડરનેસ.  સ્વને ભૂલી, અહમ શૂન્ય થઈને પ્રભુચરણે સમર્પણ.  આ ગુણોથી જીવનમાં સંતુલન સધાય છે.  જેનું માધ્યમ પ્રભુમાન્ય અને પ્રભુમય જીવનની પ્રેરણા આપતા સંતો બને છે.  સદવિદ્યા, કરુણા અને શાંતિ પ્રદાન કરીને કાળના વિપરીત પ્રવાહમાં પ્રવાહિત થતાં બચાવે છે.આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા મહામંડલેશ્વર અવધેશાનંદગિરિજી મહારાજે કહ્યું હતું કે, વિશ્વમાં સનાતન ભારતીય સંસ્કૃતિ પ્રત્યે આકર્ષણ વધી રહ્યું છે.  કારણ કે તેનું જતન, પોષણ અને સંવર્ધન અવતારો અને પ્રભુમય જીવન જીવતા સંતોએ કર્યું છે. પરમ પૂજ્ય અવધેશાનંદગિરિજી મહારાજે આત્મીય યુવા મહોત્સવને આશાવાદી અને આનંદમય સંસારની રચનાનો પાયો ગણાવ્યો હતો.  આ મહોત્સવમાં આશીર્વચન આપતાં યુવા વૈષ્ણવાચાર્ય ગોસ્વામી પરમ પૂજ્ય વ્રજરાજકુમાર મહોદયજી કહ્યું હતું કે, આત્મીય યુવા મહોત્સવ અનુપમ અવસર છે.  હરિની પ્રસન્નતા અને હરિની કૃપા પ્રાપ્ત કરવા આ પ્રકારના મહોત્સવ ખુબ મોટો ભાગ ભજવે છે.  આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધનમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, ગુરૂની છત્રછાયામાં શિષ્યને શીતળતા પ્રાપ્ત થતી હોય છે.  ભારતીય સંસ્કૃતિમાં ગુરૂને ઈશ્વરથી પણ ઊંચું સ્થાન પ્રાપ્ત અપાયું છે. ગુજરાતની યુવા શક્તિને નવી દિશાનો નિર્દેશ કરવા માટે આપણે સહુ સ્વામીજીનાં ઋણી છીએં.  આત્મીયતાના દિવ્ય સંદેશના પ્રસાર માટે આત્મીયધામો અને સંસ્કાર કેન્દ્રોના નિર્માણ કરીને સ્વામીજીએ ભવિષ્યને ઉજ્જવળ કરવાનો મજબુત પાયો નાંખ્યો છે.  આ પ્રકારના મહોત્સવોએ પથ્થરને ઘડીને શાલિગ્રામ બનાવવાનું કાર્ય કર્યું છે. અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિતભાઈ ચાવડાએ આત્મીય યુવા મહોત્સવને સેવા, સંસ્કૃતિ અને સમર્પણનો સંગમ ગણાવ્યો હતો.આત્મીય યુવા મહોત્સવ નિમિત્તે વિવિધ સેવાકીય અભિયાનો હાથ ધરવામાં આવ્યાં હતાં. જેમાં આત્મીય સ્વચ્છતા અભિયાન અને અંગદાન સંકલ્પ અભિયાન બાબતે વિશ્ર્વવિક્રમ થયો છે.

આ મહોત્સવના વિવિધ સત્રોમાં રૂસ્તમ બાગ ગુરૂકુળના  પૂજ્ય વિશ્ર્વવલ્લભસ્વામી, સ્વામિનારાયણગાદી સંસ્થાનના પૂજ્ય જીતેન્દ્રપ્રિય સ્વામી, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ, રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરિયા, પ્રદેશ ભાજપા અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, સંગઠન મંત્રી ભીખુભાઈ દલસાણીયા, સાંસદ મિતેશભાઈ પટેલ, સાંસદ દેવુસિંહ ચૌહાણ, રાજ્યના મંત્રી યોગેશભાઈ પટેલ, વિધાનસભાના દંડક પંકજ દેસાઇ, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, ભાર્ગવ ભટ્ટ, કેનેડાના બોબી પટેલ, આત્મીય યુનિ.ના પ્રોવોસ્ટ ડો. સંથાનકૃષ્ણન, ભારતસિંહ પરમાર, પરિન્દુ ભગત (કાકુભાઈ), ધારાસભ્ય મધુભાઈ વાસ્તવ, અક્ષયભાઈ પટેલ, જશપાલજી સહિતના વિવિધ વિસ્તારના ધારાસભ્યો,  વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંતભાઈ પટેલ, વડોદરા મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા ચંદ્રકાંતભાઈ વાસ્તવ, આયુર્વેદાચાર્ય પંકજ નરમ, ડો. શૈલેષભાઈ ત્રિવેદી, વૈદ્ય જયેશ પરમાર સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.