Abtak Media Google News

દાદી સાથે સત્સંગમાં ગયા બાદ ભેદી રીતે લાપતા બનેલા બાળકની રીબડાના ગુંદાસરા પાસેથી લાશ મળી

શાપર-વેરાવળના શાંતિધામ સોસાયટીના ચાર વર્ષના માસુમ બાળક ગઇકાલે સાંજે ભેદી રીતે લાપતા બન્યા બાદ રીબડાના ગુંદાસરા ગામ પાસેથી ગળુ દાબી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શાપરની શાંતિધામ સોસાયટીમાં રહેતા અને કલર કામની મજુરી કામ કરતા હરેશભાઇ જબુલભાઇ વાઢેરના એકના એક ચાર વર્ષનો પુત્ર હેત ગઇકાલે દાદી જીવીબેન સાથે સત્સંગમાં ગયા બાદ ભેદી રીતે ગુમ થતા ગઇકાલે શાપર પોલીસે અજાણ્યા શખ્સો સામે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથધરી હતી.

દરમિયાન સવારે રીબડા નજીક ગુંદાસર ગામ પાસેથી હેતની લાશ મળી આવતા પોલીસે હરેશભાઇ વાઢેર અને તેના પરિવારને બતાવતા તેઓએ મૃતક પોતાનો પુત્ર હેત હોવાનું ઓળખી બતાવ્યું હતું. હેતના ગળાના ભાગે ઇજાના નિશાન જણાતા ગોંડલ ડીવાય.એસ.પી. દિનેશસિંહ ચૌહાણ, સીપીઆઇ એલ.એલ.ભટ્ટ અને શાપર પી.એસ.આઇ. આર.જી.સિંધુ સહિતના સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ડોગ સ્કવોડ, એફએસએલની મદદ લઇ તપાસ હાથધરી છે. હેતના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે રાજકોટ મેડિકલ કોલેજના ફોરેન્સિક નિષ્ણાંત પાસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.

હેતની હત્યા પાછળ પારિવારીક ઝઘડો કે અન્ય કોઇ સાથે અદાવત ચાલતી હતી તે દિશામાં પરિવારજનોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. દરમિયાન હેત ગુમ થયા બાદ હરેશ વાઢેરના મિત્ર જયેશ કોળીના મોબાઇલમાં અજાણી વ્યક્તિએ ફોન કરી હરેશ વાઢેરનું કામ હોવા અંગે ત્રણ વખત વાત કર્યા બાદ હાલ તેનો મોબાઇલ સ્વીચ ઓફ હોવાથી જયેશ કોળીને કોણે અને શા માટે ફોન કર્યો હતો તે દિશામાં તપાસ હાથધરવામાં આવી છે.

હેતના કાકા મહેન્દ્રભાઇ વાઢેરને વાહન અકસ્માતના પ્રશ્ને આહિર શખ્સ સાથે માથાકૂટ થઇ હોવાથી પોલીસે તેઓની પણ શોધખોળ હાથધરી પૂછપરછ કરવામાં આવનાર હોવાનું પોલીસસુત્રોએ જણાવ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.