Abtak Media Google News

ત્રાસ આપી કેસમાં ફીટ કરવાની ધમકીથી કંટાળી કડિયા યુવકે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધાના બનાવમાં પત્ની સહિત છ શખ્સો સામે ગુનો નોંધાયો’તો

ગોંડલ રામજી મંદિર નજીક રહેતા કડિયા યુવકને મરવા મજબુર કરવાના ગુનામાં સંડોવાયેલા સાળા-સાસુની રેગ્યુલર અને સાળા તેમજ એડવોકેટની આગોતરા જામીન અરજી અદાલતે મંજુર કરી છે.

વધુ વિગત મુજબ ગોંડલ શહેરના રામજી મંદિર ચોક નજીક રહેતા કુલદિપ વિનોદભાઈ પોરીયા નામના યુવકે ગત તા.૧૫/૧૦ના રોજ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાના બનાવમાં મૃતકના માતા રમાબેન વિનોદભાઈ પોરીયાએ સીટી પોલીસ મથકમાં રાજકોટ એફ.એસ.એલ.માં નોકરી કરતી પત્ની અક્ષીતા, શિક્ષિકા સાસુ નિશાબેન, એ.જી. ઓફિસના કર્મચારી સસરા વિરેન્દ્રભાઈ, સચિવાલયમાં ડીવાયએસઓ તરીકે ફરજ બજાવતા મૃદિત, એડવોકેટ કૌશિક ટાંક અને કમલ નયન સોલંકીના ત્રાસથી આ પગલું ભરી લીધાનું ફરિયાદમાં જણાવતા પોલીસે તમામ સામે આપઘાતની ફરજ પાડયાની કલમ હેઠળ ગુનો નોંધી સસરા અને સાસુની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.  સસરા વિરેન્દ્ર અને સાસુ નિશાબેને રેગ્યુલર અને સાળા મૃદિત ચોટલીયા અને એડવોકેટ કૌશિકભાઈ ટાંકે પોલીસ ધરપકડની દહેશતથી આગોતરા જામીન અરજી કરી હતી.

આ ચારેય આરોપીઓની જામીન અરજી એડી.સેશન્સ કોર્ટમાં સુનાવણીમાં બચાવપક્ષના એડવોકેટ રૂપરાજસિંહ વિગતવારની રજુઆતો તથા આરોપી તરફે રજુ થયેલ ઉચ્ચ અદાલતના ચુકાદાઓ તથા મુળ ફરિયાદી તરફેની લેખિત રજુઆતો તેમજ સરકાર તરફેની રજુઆતો એમ તમામ પક્ષોની રજુઆતો ધ્યાને લઈ ગોંડલના એડી. સેશન્સ જજ એચ.પી.મહેતાએ ઉપરોકત બે આરોપીઓના આગોતરા તથા બે આરોપીઓના રેગ્યુલર જામીન મંજુર કરતો હુકમ કર્યો હતો. બચાવ પક્ષે એડવોકેટ તરીકે રાજકોટના રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર તથા ભરત સોમાણી, ગોંડલના એડવોકેટ શૈલેષ એન.ભટ્ટી અને નેહાબેન નાગરીયા રોકાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.