Abtak Media Google News

જૂનાગઢમાં અઢી ઇંચ, વાંકાનેરમાં બે ઇંચ, જેસરમાં બે ઇંચ, ઉનામાં પોણા બે ઇંચ, જાફરાબાદ અને મેંદરડામાં દોઢ ઇંચ વરસાદ

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની સટાસટી યથાવત રહી છે. જેમાં સોરઠમાં સારો વરસાદ નોંધાયો છે. બાકીના વિસ્તારો કોરા ધાકડ રહ્યા છે. વંથલીમાં અને ગીર ગઢડામાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. વધુમાં છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૯૧ તાલુકાઓમાં વરસાદ પડ્યો હોવાનું જાહેર થયું છે.

તાજેતરમાં થોડા દિવસ પૂર્વે મેઘરાજા મન મુકીને સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસ્યા હતા. ત્યારબાદ હવે આવતીકાલથી બે દિવસ પણ આવી જ રીતે વરસવાના હોવાનું હવામાન વિભાગે જાહેર કર્યું છે. સાયકલોનીક સર્ક્યુલેશનના પગલે હવામાન વિભાગે બુધવાર અને ગુરુવાર એમ બે દિવસ માટે ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. જેની અત્યારથી જ અસર વર્તવાની શરૂ થઈ ચૂકી છે.

છેલ્લા ૨૪ કલાકમાં સોરઠમાં સારો વરસાદ નોંધાયો છે.જેમાં જૂનાગઢના વંથલીમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. આ વરસાદથી નદી- નાળા છલકાઈ ગયા હતા. સાથે બજારમાં પાણી ભરાયા હોવાના પણ દ્રશ્યો સર્જાયા હતા.

આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડામાં પણ ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. સુરતમાં સાડા ત્રણ ઇંચ, વલસાડમાં અઢી ઇંચ, જૂનાગઢમાં અઢી ઇંચ, કામરેજમાં સવા બે ઇંચ, વાંકાનેરમાં બે ઇંચ, જેસરમાં બે ઇંચ, નવસારીમાં બે ઇંચ, ઉનામાં પોણા બે ઇંચ, સાતલાસણામાં દોઢ ઇંચ, જાફરાબાદમાં દોઢ ઇંચ, ડાંગમાં દોઢ ઇંચ, બરવાળામાં દોઢ ઇંચ, મેંદરડામાં સવા ઇંચ, ખાંભામાં સવા ઇંચ, દસાડા, અમરેલી, લીલીયા, ધંધુકા, પાલસણા, વાલોદ, જલાલપોર, ચોર્યાસી અને ચીખલીમાં એક- એક ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે રાજકોટ શહેર, ઉપલેટા, જામકંડોરણામાં પણ ઝાપટું નોંધાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.