કાલથી ચાર દિવસ દિવાળી કાર્નિવલ: ધનતેરસે આતશબાજી

83

રંગબેરંગી રોશની, રંગોળી સ્પર્ધા, લાઈવ એન્ડ મ્યુઝીકલ શો, મ્યુઝીક સાથેનું લાઈટીંગ, આકર્ષક સેલ્ફી પોઈન્ટ શહેરીજનોને મોજ કરાવશે: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી શનિવારે કાર્નિવલની મુલાકાત લેશે

રાજકોટ શહેરની ઓળખ રંગીલા રાજકોટ તરીકે વિશ્વભરમાં જાણીતી છે. હિન્દુ પંચાગનાં સૌથી મોટા પર્વ દિવાળીનાં તહેવારનુ અનુલક્ષીને કોર્પોરેશન દ્વારા આવતીકાલથી ૪ દિવસ સુધી દિવાળી કાર્નિવલનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. રેસકોર્સ સંકુલ અને રેસકોર્સ રીંગ ખાતે શાનદાર રંગબેરંગી રોશની, ભવ્ય આતશબાજી, રંગોળી સ્પર્ધા, લાઈવ બેન્ડ મ્યુઝીકલ શો, મ્યુઝીકલ સાથેનું લાઈટીંગ, આકર્ષક સેલ્ફી પોઈન્ટ શહેરીજનોને મોજ કરાવશે. ધનતેરસે માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આતશબાજીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી શનિવારે દિવાળી કાર્નિવલની મુલાકાત લેશે તેવી જાહેરાત આજે મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષનાં નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, સમાજ કલ્યાણ સમિતિનાં ચેરમેન આશીષભાઈ વાગડીયા, રોશની સમિતિનાં ચેરમેન મુકેશભાઈ રાદડીયા અને આરોગ્ય સમિતિનાં ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા કરવામાં આવી હતી.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આવતીકાલે સાંજે ૬:૩૦ કલાકે બાલભવન પાસે તથા કિશાનપરા ચોક ખાતે શહેર ભાજપ મહિલા મોરચાનાં પ્રભારી અંજલીબેન રૂપાણીનાં હસ્તે દિવાળી કાર્નિવલનો શુભારંભ કરવામાં આવશે. ૨૫મીનાં રોજ સાંજે ૭ કલાકે મેયર બીનાબેન આચાર્યનાં અધ્યક્ષસ્થાને માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભવ્યાતીભવ્ય આતશબાજી યોજાશે જેનો શુભારંભ સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્વારા કરવામાં આવશે.ચાર દિવસ સુધી ચાલનારા દિવાળી કાર્નિવલમાં ૩ થી ૪ લાખ લોકો ઉમટી પડે તેવી સંભાવના છે. કાર્નિવલ દરમિયાન પ્લાસ્ટીક પર પ્રતિબંધ ઉપર વધારે ધ્યાન આપવામાં આવશે અને કાપડની થેલીઓનો ઉપયોગ કરવામાં આવશે. ઉદઘાટનનાં દિવસે ગરીબ બાળકોને બગીમાં બેસાડી રેસકોર્સ રીંગ રોડ ફરતે વિનામુલ્યે ફેરવવામાં આવશે. દિવાળીનાં આગલા દિવસે શનિવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દિવાળી કાર્નિવલની મુલાકાત લેશે અને શહેરીજનોને દિવાળીની શુભકામના પાઠવશે. રેસકોર્સ રીંગ રોડ પર કિશાનપરા ચોક તથા બહુમાળી ચોક ખાતે સુપ્રસિઘ્ધ કલાકારોનો મ્યુઝીકલ શો દિવાળી કાર્નિવલ દરમિયાન યોજાશે. આવતીકાલે રેસકોર્સ રીંગ રોડ ફરતે નેકલેસ આકારમાં વન-વે રોડમાં ચિત્રનગરી અને મિશન સ્માર્ટ સિટીનાં સહયોગથી રંગોળી સ્પર્ધા પણ યોજવામાં આવશે. આ ઉપરાંત રેસકોર્સ રીંગ રોડ પર અને રેસકોર્સ મેદાનની અંદર જવા-આવવા માટેનાં તમામ દરવાજા પાસે ફુડ સ્ટોલ, બાળકો માટે રાઈડ, સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલા રંગોળીનાં કલર, દિવડાનું વેચાણ કરવા માટે ખાસ ગ્રામ આર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકો માટે છોટા ભીમ, મીકી માઉસ, સ્પાઈડરમેન સહિતનાં કાર્ટુન કેલેકટરો ઉભા કરવામાં આવશે જે દિવાળી કાર્નિવલનું મુખ્ય આકર્ષણ બની રહેશે. દિવાળી કાર્નિવલ સાંજે ૭ વાગ્યાથી લઈ રાત્રીનાં ૧૧ વાગ્યા સુધી ચાલુ રહેશે જેમાં કલાકારો દ્વારા રોજ ૩ કલાક અવનવા કાર્યક્રમો રજુ કરવામાં આવશે. ધનતેરસનાં દિવસે આતશબાજીનું આ વર્ષે યુદ્ધ વિમાન રાફેલની થીમ આધારીત આતશબાજી યોજવામાં આવશે જેમાં અવનવી વેરાયટીઓ શહેરીજનોનાં મન મોહી લેશે.  દિવાળી કાર્નિવલમાં શહેરીજનોને ઉમટી પડવા કોર્પોરેશનનાં પદાધિકારીઓ તથા અધિકારીઓ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Loading...