Abtak Media Google News

બપોરે 2 થી 4 પાર્થિવદેહ જૂનાગઢમાં પટેલ કેળવણી મંડળ સંકુલમાં રાખશે: સાંજે અંતિમવિધિ

જુનાગઢ કડવા પટેલ સમાજના ધરોહર આધારસ્થંભ જ્ઞાતીની કરોડરજજુ ગણાતા, પૂર્વ સાંસદ, માજી સિંચાઇ મંત્રી અને પટેલ કેળવણી મંડળના પ્રણેતા એવા  મોહનભાઈ લાલજીભાઈ પટેલનું આજે અવસાન થતાં પટેલ સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી છે, તેમના પાર્થિવ દેહને બપોરના 2 થી 4 દરમિયાન પટેલ કેળવણી મંડળ સંકુલમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે અને બાદમાં અંતિમ વિધિ થશે.

મો.લા. પટેલ તરીકે ઓળખાતા મોહનભાઈ લાલજી ભાઈ પટેલ નાનપણથી જ સમાજ સેવાને વરેલા હતા, મુળ કોલકી (ઉપલેટા) ના રહીશ એવા મો.લા. પટેલ જુનાગઢ આવી કંઈક કરી છુટવાની ભાવના સાથે પટેલ સમાજનું સંગઠન કરી, જ્ઞાતી પ્રત્યે ગામડાઓના અભણ માતા પિતાના બાળકોને શિક્ષણ આપવા હામ ભીડી અને  પટેલ કેળવણી મંડળની સ્થાપના કરી હતી. આજે આ સંસ્થા વટ વૃક્ષ બની છે, અને કેજીથી લઈ તમામ પ્રકારની કોલેજ સુધી દિકરીઓ માટે આશીર્વાદરૂપ કામગીરી કરી લાખો દીકરીઓના શિક્ષણના અજવાળા પાથર્યા  છે.આ ઉપરાંત મોહનભાઈ ની રાજકીય કારકિર્દી પણ ઉજવળ હતી અને તેઓ જ્યારે સાંસદ હતા ત્યારે સોરઠના અનેક પ્રશ્નોને વાચા અપાવી હતી, બાદમાં તેઓ જૂનાગઢમાંથી ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયા હતા અને સિંચાઇ મંત્રી બન્યા બાદ, ખેડૂતો માટે સિંચાઇ યોજના ફળીભૂત કરવા અને લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે અનેક કાર્યો કર્યા હતા. મો.લા. પટેલ ક્ધયા કેળવણીના હિમાયતી હતા અને 90 વર્ષે યુવાનને પણ શરમાવે તેવી સ્ફુર્તિ હતી.  જુનાગઢ કડવા પટેલ સમાજના ધરોહર આધારસ્થંભ જ્ઞાતીની કરોડરજજુ ગણાતા મોહન ભાઈની આજે જોગાનુજોગ જન્મદિવસ હતો અને એ જ દિવસે તેમણે અંતિમ શ્વાસ લેતા સમગ્ર પટેલ સમાજ ઘેરા શોકમાં ડૂબ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.