Abtak Media Google News

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં કાલે વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કરશે અશોક ડાંગર: ખાદી ગ્રામોધોગના ડિરેકટર પદેથી પણ રાજીનામું ધરી દીધું

કદ મુજબ માન મરતબો ન મળતો હોવાના કારણે નારાજ પૂર્વ મેયર અશોકભાઈ ડાંગરે આજે ભાજપમાંથી રાજીનામું આપી દેતા ભાજપમાં ભુકંપ સર્જાઈ ગયો છે. આવતીકાલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં અશોકભાઈ ડાંગર વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કરશે. અશોકભાઈએ ભાજપ ઉપરાંત રાજય સરકારના ખાદી ગ્રામોધોગના ડિરેકટર પદેથી પણ રાજીનામું આપી દીધું છે.

વર્ષ ૨૦૧૨ની વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસે રાજકોટ પૂર્વ બેઠક માટે પોતાને બદલે ઈન્દ્રનીલ રાજયગુરુને ટીકીટ આપતા પૂર્વ મેયર અશોકભાઈ ડાંગરે કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. દરમિયાન ૨૦૧૫માં યોજાયેલી કોર્પોરેશનની સામાન્ય ચુંટણીમાં ભાજપે અશોકભાઈ ડાંગરને વોર્ડ નં.૧૬માંથી ટીકીટ આપી હતી જોકે તેઓ આ ચુંટણીમાં હારી ગયા હતા. રાજય સરકાર દ્વારા પૂર્વ મેયર અશોકભાઈ ડાંગરને રાજય સરકારના ખાદી ગ્રામોધોગમાં ડિરેકટરપદે પણ વરણી કરી હતી.

છેલ્લા કેટલાક સમયથી અશોકભાઈને ભાજપ પુરતુ માન-સન્માન મળતું ન હોવાના તેઓ નારાજ હતા અને ગમે ત્યારે ભાજપ છોડે તેવી શકયતા જણાઈ રહી હતી.

દરમિયાન આજે પૂર્વ મેયર અશોકભાઈ ડાંગરે શહેર ભાજપ કાર્યાલયે લઈ ભાજપના કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષીને ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપતો પત્ર સુપ્રત કર્યો હતો. આ ઉપરાંત તેઓએ રાજય સરકારના ખાદી ગ્રામોધોગના ડિરેકટર પદેથી રાજીનામું આપી દીધું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૫ થી ૨૦૦૭ સુધી અશોકભાઈ ડાંગર રાજકોટ મહાપાલિકાના મેયરપદે રહી ચુકયા છે. શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુતના જણાવ્યા અનુસાર રાજકોટના પૂર્વ મેયર અશોકભાઈ ડાંગરે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે.

આવતીકાલે તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિતભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.