પૂર્વ કેબીનેટ મંત્રી જશા બારડના પૂત્ર પાસે ૩૦ કરોડની ખંડણીની માંગણી

સરકારી ખરાબામાં ખનિજ ચોરી અંગે ખોટી અરજી પાછી ખેચવા ખંડણી માગી: ભેટાળીના નામચીન શખ્સ સામે નોંધાતો ગુનો

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને માકેર્ટીંગ યાર્ડના ચેરમેન સામે ખનિજ ચોરી અંગે ભેટાળીના શખ્સે કરેલી ખોટી અરજી પાછી ખેચવાના બદલામાં રૂા.૩૦ કરોડની ખંડણી માગી ધમકી દીધા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાતા રાજકીય ખળભળાટ મચી ગયો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગુજરાત રાજયના પૂર્વ કેબીનેટ મંત્રી જશાભાઇ બારડના પુત્ર અને સુત્રાપાડા માકેર્ટીંગ યાર્ડના ચેરમેન દિલીપભાઇ બારડે ભેટાળી ગામના મુળુ બાલુ મોરી અને તેના સાગરીતો દ્વારા રૂા.૩૦ કરોડની ખંડણી પડાવવા બ્લેક મેઇલીંગ કરી ધમકી દીધા અંગેની ગીર સોમનાથ એલસીબીમાં ફરિયાદ નોંધાવી છે.

સુત્રાપાડાના ભેટાળી ગામના સર્વે નંબર ૬૧-અ પૈકી૧-૧ની ૩૦૦ વિઘા જમીનમાં દિલીપભાઇ બારડે કરોડોની ખનિજ ચોરી કર્યા અંગેની ખોટી અરજી ભેટાળીના મુળુ મોરીએ કરી હતી.

મુળુ મોરીએ કરેલી અરજી ખોટી હોવાની અરજી દિલીપભાઇ બારડે પોલીસમાં કરી હતી. મુળુ મોરીએ અરજી પાછી ખેચવાના બદલા એક વિઘાના રૂા.૧૦ લાખ મુજબ ૩૦૦ વિઘા જમીનમાં ખનિજ ચોરી થઇ હોવાથી રૂા.૩૦ કરોડની માગણી કરી હતી.

મુળુ મોરીએ બ્લેક મેઇલીંગ કરી રૂા.૩૦ કરોડની માગણી કરી તે અંગેનું મોબાઇલ રેકોર્ડીંગ પણ પોલીસમાં રજુ કર્યુ હતુ.

અને તેમના સંબંધી શરીફભાઇ દ્વારા મુળુ મોરીએ રૂા.૩૦ કરોડની મગાણી કરી હોવા અંગેનું વીડિયો રેકોર્ડીંગ પણ રજુ કરવામાં આવ્યું છે.

ગીર સોમનાથ એલસીબી પી.આઇ. વી.આર.રાઠોડ સહિતના સ્ટાફે ભેટાળીના મુળુ મોરી અને તેના સાગરીતો સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

ગીર સોમનાથ જિલ્લામાં ચાલતી ખનિજ ચોરીને ઢાલ બનાવી રાજકીય ખેલ ચાલતા હોવાનું અને એક બીજા સામે આક્ષેપ અને પ્રતિઆક્ષેપ કરવામાં આવતા રાજકીય ખળભળાટ મચી ગયો છે.

આ પહેલાં પણ ખનિજ ચોરીના મુદે અમિત જેઠવા નામના યુવાનની હત્યા થયાનું સામે આવ્યું છે.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા અને કોડીનાર પંથકમાં ચાલતી ખનિજ ચોરી અંગે અવાર નવાર ફરિયાદો ઉઠી છે. ત્યારે ખનિજ ચોરીમાં ખોટી રીતે સંડોવી બદનામ કરવાની ધમકી દઇ બ્લેક મેઇલીંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગીર સોમનાથ એલસીબી સ્ટાફે ભેટાળીના મુળુ મોરી સહિતના શખ્સોની શોધખોળ હાથધરી છે.ખનીજચોરીના મુદ્ે ગીર-સોમનાથ જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.

Loading...