ફ્લેટ વિથ ફર્નિચરવાળી આવાસ યોજનાના કાલથી ફોર્મ વિતરણ

કોર્પોરેશનના તમામ છ સિટી સિવિક સેન્ટર અને આઈસીઆઈસીઆઈ બેન્કની શાખાઓમાં ૨૨મી સુધીમાં ફોર્મ મેળવી-પરત કરવાના રહશે: મ્યુનિ. કમિશનર

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા સ્માર્ટ સિટી એરિયામાં રૈયાધાર એસ.ટી.પી.ની સામે, પરશુરામ મંદિર પાસે, રૈયા રોડ ખાતે  પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાઈટ હાઉસ પ્રોજેક્ટના ૧૧૪૪ આવાસો બનાવવામાં આવી રહ્યા છે. આ માટે આવતીકાલથી  ૨૨ જાન્યુઆરી  સુધી ફોર્મ વિતરણ કરવામાં આવશે.  મહાપાલિકાના છ સિટી સિવિક સેન્ટર અને આઈસીઆઈસીઆઈ બેન્કની શાખાઓ પરથી ફોર્મ મેળવી-પરત કરવાની સુવિધા લોકોને પ્રાપ્ત થશે તેમ મ્યુનિ. કમિશન ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

તેઓએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જેનું ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું. તે લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત નવીનતમ ટેકનોલોજી દ્વારા આર્થિક રીતે નબળા ઇડબ્લ્યુએસ-૨ કેટેગરીના લોકો માટે ૧૧૪૪ આવાસ બનાવવામાં આવશે. જે કુટુંબની વાર્ષિક આવક ૩ લાખ સુધીની હોય તેવા લોકો આ આવાસનો લાભ લઇ શકશે. આ આવાસ માટેના ફોર્મની કિમત રૂ. ૧૦૦ રહેશે. ફોર્મની સાથે આવાસની માહિતી પુસ્તિકા પણ મળશે. શહેરની આઈ.સી.આઈ.સી.આઈ. બેન્કની વિવિધ શાખા ઉપરાંત છ સિટી સિવિક સેન્ટર પરથી આવતીકાલથી ૨૨ જાન્યુઆરી  સુધીમાં આ યોજના માટેના અરજીપત્રકો મેળવી પરત કરી શકાશે.

આ આવાસ યોજનામાં એક આવાસનો લધુતમ કારપેટ એરિયા અંદાજિત ૪૦ ચો.મી. રહેશે. જેમાં એક રૂમ, એક સ્ટડી રૂમ, એક હોલ, રસોડું, વોશ, બાથરૂમ-ટોઇલેટની સુવિધા આપવામાં આવશે. આ આવાસની તથા આવાસના સ્થળની ફાળવણી કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો દ્વારા થશે.આ ફલેટમાં  લાભાર્થીઓને કિચનમાં પ્લેટફોર્મ નીચે કેબિનેટ અને એક બેડરુમમાં કબાટ જેવું ફર્નિચર આપવામાં આવશે.જ્યારે પંખા અને એલ.ઈ.ડી.ની સુવિધા આપવામાં આવશે.

સિટી સિવિક સેન્ટર પરથી ઓફીસ સમય દરમ્યાન ફોર્મનું વિતરણ કરવામાં આવશે. આવાસ યોજનાના ફોર્મમાં જરૂરી માહિતી ભરીને  ૨૨મી જાન્યુઆરી સુધીમાં નાગરિકોએ ફોર્મ પરત કરવાના રહેશે. મૂદત વિત્યા પછી નાગરિકોના ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ. તેથી લોકોને અપીલ  કરવામાં આવ્યું છે કે સમયસર ફોર્મ ભરીને સિવિક સેન્ટર અને આઈસીઆઈસીઆઈ બેંકમાં પરત કરી શકાશે.

સામાન્ય રીતે આ પ્રકારનું આવા લાભાર્થીઓને રૂ.૫ ૫૦ લાખમાં આપવામાં આવે છે.પરંતુ ટેકનોલોજી ઇનોવેશન માટે કોર્પોરેશનને કેન્દ્ર સરકાર દ્વારા ચાર લાખની વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવી હોય લાભાર્થીને ફર્નિચર સાથે ફ્લેટની સુવિધા વાળો આવાસ માત્ર રૂ.૩.૪૦ લાખમાં આપવામાં આવશે.

Loading...