Abtak Media Google News

બળવાખોર કમાન્ડર હફતાર અને નાટોના સૈન્ય વચ્ચે ત્રિપોલી કબ્જે કરવા આંતરીક યુધ્ધ ચરમસીમાએ

વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ભારતીયોને યુધ્ધગ્રસ્ત લીબીયામાંથી સલામત રીતે સ્વદેશ પરત આવી જવા જણાવી દીધું છે. લીબીયાના ત્રિપોલીમાંભારે હિંસા અને તોફાનોની પરિસ્થિતિને લઈને આગોતરી સાવચેતીનાં ભાગરૂપે સુષ્મા સ્વરાજે ભારતીયોને ટવીટ કરીને અપીલ કરી હતી કે તમામ સગાસંબંધી અને મિત્રોને તાત્કાલીક ત્રિપોલી છોડીને વતનમાં બોલાવી લેવા જોઈએ યુધ્ધની પરિસ્થિતિમાં પાછળથી તેમને આપણે સલામત રીતે વતનમાં ન પણ બોલાવી શકીએ. છેલ્લા બે અઠવાડીયાથી લીબીયાના પાટનગર ત્રિપોલીમાં હિંસક વાતાવરણ વચ્ચે કેટલાક જુથો ત્રિપોલી પર પૂરો કબ્જો કરી લેવા પ્રયાસો કરી રહ્યા છે.

વ્યાપક પ્રમાણમાં હિંસા અને સ્થળાંતરની પરિસ્થિતિમાં પ્રવાસીઓ પર પ્રતિબંધ વચ્ચે હજુ ૫૦૦ જેટલા ભારતીયો ત્રિપોલીમાં ફસાયા હોવાનું જાણવા મળ્યું છે તેઓને તાત્કાલીક ત્રિપોલી છોડી દેવા જણાવી ઉમેર્યું હતુ કે હજુ વિમાન સેવા ચાલુ છે. ત્યાં સુધીમાં ભારતીયોએ વતન આવી જવું જોઈએ પરિસ્થિતિ બગડશે પછી આપણે કંઈ જ નહી કરી શકીએ.

ગઈકાલે યુનોના અધિકારીએ જણાવ્યું હતુ કે ૧૬૩ શરણાર્થીને લીબીયાથી નાઈઝર મોકલી દેવામાં આવ્યા છે. બંને જુથો વચ્ચે ચાલી રહેલા સામસામે અથડામણની પરિસ્થિતિ વચ્ચે યુરોપ સાથેનું વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યું છે. લિબીયામાં હિજરત અને સલામત સ્થળાંતરની પ્રક્રિયા ઝડપી બની હોવાનું સંસ્થાના મુખ્ય ફીલીયો ગ્રાન્ડીએ જણાવ્યું હતુ હજારો શરણાર્થીઓને જીઓપારડીમા રાખવામાં આવ્યા છે. ૩ હજાર જેટલા હિજરતીઓને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે.

વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ભારતીય સમુદાયને અપીલ કરી હતી કે આંતરીક યુધ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે હજુ વિમાન સેવા ચાલુ છે ત્યાં સુધીમાં ભારતીયોને સલામત રીતે વતન બોલાવી લેવા જોઈએ.ત્રિપોલીમા ચાલી રહેલા સંઘર્ષને લઈને રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા બે અઠવાડીયામાં ૨૦૫ના મૃત્યુ અને ૯૧૩ જેટલા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો મળ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.