મુળી પાસે ફસાયેલા ટ્રકમાંથી રૂા.૨૭.૪૭ લાખનો વિદેશી દારૂ પકડાયો

આને કહેવાય પાપ છાપરે ચડી પોકાર્યુુ!

જેસીબીની મદદથી ફસાયેલો ટ્રક કાઢવા જતાં વિદેશી દારૂનો જંગી જથ્થો મળ્યો

૮,૮૦૦ બોટલ દારૂ, ટ્રક અને જેસીબી મળી રૂા.૫૭.૬૦ લાખનો મુદામાલ કબ્જે

વિદેશી દારૂ ભરેલો ટ્રક રાજકોટ પહોચે તે પહેલાં જ અકસ્માત સર્જાતા ભાંડો ફુટ્યો: બે શખ્સો ઝડપાયા: ચારની શોધખોળ

મુળી નજીક રસ્તા નીચે ઉતરી જતા ફસાયેલા ટ્રકને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી ત્યારે ટ્રકમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો હોવાનું બહાર આવતા પોલીસે બે શખ્સોની ધરપકડ પૂછપરછ કરતા વિદેશી દારૂનો જંગી જથ્થો રાજકોટના બુટલેગરને પહોચતો કરવાનો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે રૂા.૨૭.૪૮ લાખની કિંમતનો ૭,૮૦૦ બોટલ દારૂ, ટ્રક અને જેસીબી મળી રૂા.૫૭.૬૦ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. દારૂના ગુનામાં સંડોવાયેલા રાજકોટના બુટલેગર સહિત ચાર શખ્સોની પોલીસે શોધખોળ હાથધરી છે.

મુળી નજીકના સોમાસર રોડ પર આવેલા વિરમદેવના વિસામા પાસે આર.જ.૧૯જીએ. ૫૫૨૯ નંબરનો ટ્રક રોડ નીચે ઉતરી જતાં ફસાયેલા ટ્રકને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી તે દરમિયાન ટ્રકમાં વિદેશી દારૂનો જંગી જથ્થો હોવાનું બહાર આવતા મુળી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

પોલીસને જોઇ ચાર શખ્સો ભાગી છુટયા હતા. ટ્રકમાંથી રૂા.૨૭.૪૮ લાખની કિંમતની ૭,૮૦૦ બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે જેસીબી, ટ્રક અને દારૂ મળી રૂા.૫૭.૬૦ લાખનો મુદામાલ કબ્જે કરી રાજસ્થાનના ટ્રક ચાલક બંસીલાલ પુનારામ બિશ્ર્નોય અને જેસીબીના ચાલક પ્રવિણ યાસુદીન મેવ નામના શખ્સોની ધરપકડ કરી છે. બંને શખ્સોની પૂછપરછ દરમિયાન રાજસ્થાનના રાજુ નામના શખ્સે વિદેશી દારૂ રાજકોટના ધમેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો જયુભા પરમાર, હિતુભા બાપાલાલ પરમાર અને ક્રિપાલસિંહ માનુભા પરમારને પહોચડાવાનો હોવાની ટ્રક ચાલક બંસીલાલ બિશ્ર્નોયએ કબુલાત આપી હતી. પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

Loading...