રાજકોટમાં ત્રણ સ્થળે વિદેશી દારૂના દરોડા: ૬,૧૦૦ બોટલ દારૂ સાથે મહિલા સહિત બે ઝડપાયા

76

રાજસ્થાનનો ટેન્કર ચાલક દુધના વાહનમાં ચોર ખાનું બનાવી રૂા.૧૫ લાખનાં વિદેશી દારૂ સાથે કાલાવડ રોડ પરથી પકડાયો રઘુવીર પાર્કમાંથી ૨૦૪ બોટલ દારૂ સાથે મહિલા બુટલેગરની ધરપકડ: ટેન્કર સહિત રૂા.૩૨ લાખનો મુદામાલ કબ્જે

શહેરમાં ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ગઇકાલે બામણબોર પાસેથી રૂા.૨૧ લાખની કિંમતના વિદેશી દારૂ સાથે રાજસ્થાની શખ્સને ઝડપી લીધા બાદ ગતમોડી રાતે કાલાવડ રોડ પર આવેલા કટારીયા શો રૂમ પાસેની ચોકડી પાસેથી દુધના ટેન્કરમાં રૂા.૧૫ લાખની કિંમતના વિદેશી દારૂ સાથે રાજસ્થાની શખ્સને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ઝડપી લીધો છે. શહેરના ત્રણ સ્થળે વિદેશી દારૂ અંગે પોલીસે દરોડા પાડી મહિલા સહિત બેની ધરપકડ કરી રૂા.૩૨ લાખની કિંમતનો મુદામાલ કબ્જે કર્યો છે.

કાલાવડ રોડ પર આવેલા નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર કટારીયા શો રૂમ પાસેની ચોકડી ખાતે વાવડી ગામ તરફ જવાના માર્ગ પર પસાર થતા જી.જે.૧૮એયુ. ૯૩૬૬ નંબરના દુધના ટેન્કરમાં ચોર ખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના એસીપી જયદીપસિંહ સરવૈયા, પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. પી.એમ. ધાખડા, વિજયસિંહ ઝાલા અને પ્રતાપસિંહ ઝાલા સહિતના સ્ટાફે દરોડો પાડી રૂા.૧૫ લાખની કિંમતની ૫,૮૩૨ બોટલ વિદેશી દારૂ દુધના ટેન્કરમાંથી મળી આવતા પોલીસ રાજસ્થાનના ટેન્કર ચાલક બુધારામ વધારામ દેવચંદ્રજી બિન્નોઇની ધરપકડ કરી રૂા.૧૫ લાખની કિંમતનું ટેન્કર કબ્જે કર્યુ છે. ટેન્કર ચાલક બુધારામ બિસન્નોઇ વિદેશી દારૂ કયાંથી લાવ્યા અને કોને આપવા જઇ રહ્યો હતો તે અંગેની પૂછપરછ માટે રિમાન્ડ પર લેવા પોલીસે તજવીજ હાથધરી છે.

મોરબી રોડ પર આવેલા ગીરીરાજ પાર્ટી પ્લોટ પાછળ રઘુવીર પાર્ક શેરી નંબર ૧માં રહેતી આરતી પિયુશ કનેજા નામની મહિલા વિદેશી દારૂનું વેચાણ કરતી હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી સ્ટાફે સયુંકત દરોડો પાડી રૂા.૮૧,૬૦૦ની કિંમતની ૨૦૪ બોટલ વિદેશી દારૂ સાથે પી.આઇ. આર.વાય.રાવલ, પી.એસ.આઇ. એ.એસ.સોનારા, હેડ કોન્સ્ટેલ સમીરભાઇ, નિલેશભાઇ, અજીતસિંહ, મહેશભાઇ હરદેવસિંહ સહિતના સ્ટાફે આરતીબેનની ધરપકડ કરી પૂછપરછ કરતા તેણીએ વિદેશી દારૂ દુધ સાગર રોડ પર આવેલા શિવાજીનગરના હનિફ હુસેન મઘરા પાસેથી લાવી હોવાની કબુલાત આપતા પોલીસે તેની શોધખોળ હાથધરી છે.

દુધ સાગર રોડ પર આવેલી રિધ્ધી સિધ્ધી સોસાયટી શેરી નંબર ૭માં રહેતા ઘનુભા અજીતસિંહ જાડેજા નામનો શખ્સ વિદેશી દારૂ મગાવી પોતાના મકાનમાં છુપાવ્યાની બાતમીના આધારે થોરાળા પોલીસ મથકના પી.એસ.આઇ. કે.એલ.બારસીયા અને કોન્સ્ટેબલ સહદેવસિંહ સહિતના સ્ટાફે દરોડો પાડી રૂા.૨૯,૨૦૦ની કિંમતની ૫૪ બોટલ વિદેશી દારૂ અને ૭૨ નંગ બિયરના ટીન મળી આવતા કબ્જે કરી ઘનુભા જાડેજાની શોધખોળ હાથધરી છે.

Loading...