Abtak Media Google News

રાજયમાં પીરોટન, આલિયાબેટ સહિતના ટાપુઓને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં સરકારી બાબુઓનો ઇગો વિલનની ભુમિકામાં

વિકાસની હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં સરકારી તંત્ર વચ્ચે સંકલનને અભાવે કલ્ચસર યોજના, સચાણા શિમ્પ બ્રેકીંગ યાર્ડ, જોડીયા બંદર સહીતના પ્રોજેકટો હાંસિયામાં ધકેલાઇ ગયા છે. ત્યારે નીતી આયોગની ભલામણ વાળા આઇલેન્ડ ડેવલોપમેન્ટ પ્રોજેકટમાં પણ સરકારી બાબુઓની અહંમ ભરી નીતીને કારણે પીરોટન ટાપુ, આલિયા બેટ અને પિરમ બેટ જેવા ટાપુઓને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની યોજના પાછળ કરોડો રૂપિયાના ખર્ચે વગર આ પ્રોજેકટ અભેરાઇએ ચડી ગયા હોવાનું બહાર આવ્યું છે.

૧૬૦૦ કિલોમીટરનો સમૃઘ્ધ દરિયાકાંઠો ધરાવતા ગુજરાતમાં પિરોટન ટાપુ, પિરમ બેટ, અને આલિયાબેટ સહીતના સાતેક ટાપુઓને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા ટુરીઝમ ડીપાર્ટમેન્ટ દ્વારા નીતી આયોગને કરાયેલ ભલામણ બાદ આયલેન્ડ ડેવલોપમેન્ટ ઓથોરીટી દ્વારા ફિઝીબીલીટી રીપોર્ટ અને ટુરિઝમની તકોને લઇ અત્યાર સુધીમા દશેક કરોડ રૂપિયાનો ખર્ચ કરી નાખવામાં આવ્યો છે. પરંતુ સકારના જુદા જુદા વિભાગો વચ્ચે સંકલનનાં અભાવે સરકારને કરોડો રૂપિયા રળી આપનારા આ પ્રોજેકટમાં જવાબદારીની ફેકા ફેકી અને સરકારી બાબુઓના અહમને કારણે આ યોજના અભેરાઇએ ચડી ગઇ છે.

ઉલ્લેખનીય છે કે રાજયમાં ટાપુઓને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની આ મહત્વાકાંક્ષી યોજનાની જેમ જ સૌરાષ્ટ્રના પીવાના પાણીના કાયમી ઉકેલ તેમજ ટ્રાન્સપોર્ટશન માટેની કલ્ચસર યોજનામાં પણ આવું જ થયું છે.  રાજકીય નેતાઓની દુરદેશીના અભાવ વચ્ચે અટકાવી અમલદારો ઉંધા ચશ્મા પહેરાવી આવી અનેક યોજનાઓને ટલ્લે ચડાવી રહ્યા છે. કલ્ચસરની જેમ જ હજારો કુટુંબોને રોજગારી આપનાર જામનગરનાં સચાણ શિવ બ્રેકીંગ યાર્ડને પણ ગુજરાત મેરીટાઇન બોર્ડ અને પર્યાવરણ વિભાગના ટકરાવને કારણે સહન કરવાનો વારો આવ્યો છે. એજ રીતે બંદર ધમધમતું હતું પરંતુ સરકારી બાબુઓની ભ્રષ્ટનીતીને પાપે જોડીયા બંદર વિકસાવવાની યોજનાને અમલદારો ભરખીગયા છે.

દરમિયાન પીરોટન, પિરમ બેટ અને આલિયાબેટ સહીતના ટાપુઓને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાના પ્રોજેકટમાં જીઆઇડીસીના સીઇઓ અશ્ર્વિતી કુમારે જણાવ્યું હતું કે આ મામલે ગુજરાત મેરી ટાઇમ બોર્ડને નવેસરથી ભલામણ કરવા જણાવાયું છે, તો બીજી તરફ ગુજરાત મેરીટાઇમ બોર્ડના સીઇઓ અજય ભાદુએ જણાવ્યું હતું કે આવી કોઇ સુચના કે ભલામણ અમને મળી જ નથી.

એક તરફ આઇસલેન્ડ ડેવલોપમેન્ટ ઓથોરીટી ૧૦ કરોડથી વધુના ખર્ચ ટાપુઓની પર્યટન સ્થળ તરીકે વિકસાવવા પ્રોજેકટ લાવી રહી છે. ત્યારે બીજી તરફ જુદીા જુદો વિભાગો જવાબદારીની ફેકાફેકી કરી ગુજરાતના વિકાસને રુંધી રહ્યા હોવાનું આ બાબત પરથી સ્પષ્ટ બની રહ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.