Abtak Media Google News

માત્ર બે દિવસમાં જ રૂ.૪૦૦નો ઘટાડો થતા ખેડૂતો વિફર્યા : હરરાજી અટકાવી

સૌરાષ્ટ્રના પ્રથમ હરોળમાં ગણાતા હળવદ માર્કેટીંગ યાર્ડ પાછલા થોડા સમયથી કોઈને કોઈ ચર્ચાના ચકડોળે રહેતું હોય છે ત્યારે આજે હળવદ માર્કેટીંગ યાર્ડમાં વરિયાળી વેચવા આવેલા ખેડૂતોને માત્ર બે જ દિવસમાં ૪૦૦ રૂપિયા જેટલો ભાવ ગગડી જતા ખેડૂતોમાં ભારે રોષ ભભુકી ઉઠયો હતો અને ૧૦૦૦થી વધુ ખેડૂતો દ્વારા હળવદ – માળિયા હાઈવે ચક્કાજામ કરી દીધો હતો. જેના પગલે વાહનોની બે – ત્રણ કિ.મી.ની લાંબી કતારો જાવા મળી હતી.

ઓણસાલ પાક વીમાના પ્રશ્ને લડતા ખેડૂતોને પડયા પર પાટુ પડયું હોય તેમ તેઓની વિવિધ જણસોના યોગ્ય ભાવ પણ મળતા નથી. તેના કારણે ખેડૂતોમાં ભારે નિરાશા પ્રસરી જવા પામી છે. ત્યારે બે દિવસ પૂર્વે હળવદ માર્કેટીંગ યાર્ડમાં વરિયાળીનો ભાવ ૧૩પ૦થી ૧૪૦૦ બોલાતો હતો.

જે આજે અચાનક ભાવ ગગડી જતા અને માત્ર રૂ.૯૦૦નો ભાવ બોલાતા ખેડૂતોમાં ભારે રોષ ભભુકી ઉઠયો હતો. અને ૧૦૦૦થી વધુ ખેડૂતોએ હળવદ – માળિયા હાઈવે પર ચક્કાજામ કરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. અને આ વિરોધ દરમિયામ હળવદ હાઈવે પર વાહનોના થપ્પા લાગી ગયા હતા. ઉપરાંત આશરે એકાદ કલાક હાઈવે ચક્કાજામ કર્યા બાદ પોલીસની સમજાવટ બાદ હાઈવે ખુલ્લો કરાયો હતો

પરંતુ ખેડૂતોએ વરિયાળીની હરરાજી અટકાવી દીધી હોય અને ખેડૂતોને પૂરતો ભાવ મળે તેવી માંગ ઉચ્ચારી છે. તો સાથો સાથ ખેડૂતોએ જણાવ્યું હતું કે, યાર્ડના સત્તાવાળાઓ પોલીસને આગળ કરી ખેડૂતોને ધમકાવી કોઈપણ કારણોસર વરિયાળીની હરરાજી કરવા ખેડૂતોને અટકાવાતું હોવાનું પણ સામે આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.