શહેરભરમાં પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓની ફલેગ માર્ચ

90

કોરોના મહામારીના પગલે લોકડાઉનની કડક અમલવારી કરવા અને લોકોને ઘરમાં રહો, સુરક્ષિત રહોની પ્રતિતિ કરાવવા આજે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન-૧ રવિ મોહન સૈની, ડીસીપી ઝોન-૨નાં મનોહરસિંહ જાડેજા તથા તમામ ઝોનના એસીપી અને પીઆઈ સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા શહેરનાં કાલાવડ રોડ પર કેકેવી હોલથી ફલેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, હાલ લોકડાઉન સંપૂર્ણપણે સફળ બને તે માટે પોલીસ વિભાગ સતત પ્રયત્નશીલ છે જે લોકો બિનજરૂરી ઘરની બહાર નીકળતા હોય તેમની ઉપર લાલ આંખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. તમામ પોલીસ મથકોમાં દરરોજ મોટી સંખ્યામાં લોકડાઉનનો ભંગ કરનારા તત્વોની અટકાયત કરાઈ રહી છે.

ઉપરાંત ગીચ વિસ્તારોમાં ડ્રોન મારફતે બાજ નજર રાખવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જીવન જરૂરીયાતની ચીજ-વસ્તુઓ માટે ઘરની બહાર નીકળતી પ્રજા કોઈ પણ જાતની હાલાકી ન ભોગવે તેની કાળજી પણ પોલીસ તંત્ર લઈ રહ્યું છે અને હું સમગ્ર રાજકોટની જનતાને અનિવાર્ય સંજોગો સિવાય ઘરની બહાર નહીં નિકળવા અપીલ કરી રહ્યો છું. ઉપરાંત તેમણે કહ્યું હતું કે, રાજકોટમાં લોકડાઉન સંપૂર્ણપણે સફળ બને તે માટે પોલીસ, અધિકારી, કર્મચારી રાઉન્ડ ધી કલોક ફરજ બજાવી રહ્યા છે.

જેના ભાગરૂપે હાલ રાજકોટ શહેરમાં ફલેગ માર્ચ યોજી પરિસ્થિતિની સમીક્ષા કરાઈ રહી છે. લોકડાઉનના પગલે શહેરનાં વિવિધ માર્ગો પર પોલીસના બંદોબસ્તની સમીક્ષા કરી હતી અને લોકોને ઘરની બહાર નહીં નીકળવા તથા ઘરમાં રહી સુરક્ષિત રહેવા અનુરોધ કર્યો હતો.

Loading...