Abtak Media Google News

થ્રીયોસ ફાર્માસ્યુટીકલ્સના સંચાલક અને ઝાયડસ કેડીલા કંપનીના એમઆરે વેદાંતા અને શુભમ હોસ્પિટલ ઉપરાંત અન્ય હોસ્પિટલના પણ બોગસ બીલ બનાવ્યા’તા

સિવિલ હોસ્પિટલના સ્ટાફે પાંચ ઇન્જેકશનની ચોરી કરી બારોબાર વેચી નાખ્યાની કબુલાત

કોરોના મહામારીના ચેપી રોગના ભરડામાં ફસાયેલા લાચાર દર્દી પાસેથી રેમડેસિવીર ઇન્જેકશન કાળા બજાર કરી નિયત કિંમત કરતા ઉંચી કિંમતે વેચાણ કરતા બે શખ્સો ઝડપાયા બાદ તેઓએ વેદાંત અને શુભમ હોસ્પિટલના નામે બોગસ બીલ બનાવ્યાની કબુલાત આપ્યા બાદ બંનેએ શહેરની અન્ય કેટલીક હોસ્પિટલના નામે પણ બોગસ બીલ બનાવ્યાનું સામે આવ્યું છે. બીજી તરફ સિવિલ હોસ્પિટલમાંથી નર્સિંગ સ્ટાફ દ્વારા પણ પાંચ ઇન્જેકશનની ચોરી કરી કાળા બજારમાં વેચવાના ગુનામાં મહિલા સહિત પાંચની પોલીસે ધરપકડ કરી હોસ્પિટલમાંથી વધુ ઇન્જેકશનની ચોરી કર્યાની શંકા સાથે પાંચેયની પૂછપરછ હાથધરી છે.

ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે નાના મવા રોડ પર આવેલી નિધી કર્મચારી સોસાયટીમાં રહેતા અને થ્રીયોસ ફાર્માસ્યુટીકલ્સના સંચાલક સચીન હરેશ પટેલ અને ઝાયડસ કેડિલા કંપનીના એમઆર અને મવડી બાયપાસ પર સંસ્કાર એવન્યુમાં રહેતા રજનીકાંત પરસોતમ ફળદુને રેમડેસિવીર ઇન્જેકશન છુટકમાં વેચી શકે તેમ ન હોવા છતા તેઓએ વેદાંત હોસ્પિટલના નામે ૧૧૦ ઇન્જેકશનનું વેચાણ કર્યાના અને શુભમ હોસ્પિટલના નામે ૯૬ ઇન્જેકશનનું વેચાણ કર્યાના બોગસ બીલ બનાવવાના ગુનામાં ધરપકડ કરી બંનેની પૂછપરછ કરતા તેઓએ ૨૩૩૨ ઇન્જેકશનનું કાળા બજાર કર્યાની કબુલાત આપી છે. જે પૈકી તેઓએ ૨૦૬ ઇન્જેકશનના બીલ અંગેની પોલીસને વિગત પુરી પાછી છે. બાકીના ૨૧૨૬ ઇન્જેકશનના બોગસ બીલ કંઇ હોસ્પિટલના નામે બનાવ્યા તે અંગે પોલીસ દ્વારા બંને શખ્સોની પૂછપરછ હાથધરી છે.

મવડી રોડ પર આવેલા નવલનગરમાં રહેતા જગદીશ ઇન્દ્રવદન શેઠને રેમડેસિવીર બે ઇન્જેકશન સાથે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે લક્ષ્મીનગરના નાલા પાસેથી ઝડપી લીધો હતો તેની પૂછપરછ દરમિયાન પોતાનો ભત્રીજો દિલીપ ખીમચંદ કરથીયા અને એક ઇન્જેકશન રવિ રમેશ બકરાણીયા તેમજ એક ઇન્જેકશન અંકિત મનોજ રાઠોડ પાસેથી ઇન્જેકશન ખરીદ કર્યાની કબુલાત આપી હતી.

પંચવટી સોસાયટીમાં રહેતા અંકિત મનોજ રાઠોડ નામના શખ્સની પૂછપરછ કરતા તેને ગાંધીગ્રામ વિસ્તારમાં પ્રજાપતિની વાડી પાસે રહેતી અને શાંતિ કોવિડ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી દેવ્યાની જીતેન્દ્ર ચાવડાની રેમડેસિવીર ઇન્જેકશન આપ્યાની કબુલાત આપી હતી. અંકિત રાઠોડ અને દેવ્યાની ચાવડાની તાજેતરમાં જ સગાઇ થઇ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

ચારેય શખ્સોની પૂછપરછ દરમિયાન તેઓ નાના મવા રોડ પર રહેતા અને સિવિલ હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે ફરજ બજાવતા હિમત કાળુ ચાવડા પાસેથી ખરીદ કર્યાની કબુલાત આપતા ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે તેની ધરપકડ કરી પૂછપરછ કરતા તેને સિવિલ હોસ્પિટલમાંથી છેલ્લા પંદર દિવસમાં પાંચ ઇન્જેકશનની ચોરી કરી હોવાની કબુલાત આપી છે. સિવિલ હોસ્પિટલના કોવિડમાં દાખલ દર્દીને જ‚રીયાત કરતા વધુ ઇન્જેકશન ચીઠ્ઠીમાં લખાવી હોસ્પિટલના વહીવટી વિભાગમાંથી છળકપટથી ઇન્જેકશન મેળવી કાળા બજારમાં વેચાણ કર્યાની કબુલાત આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.