ઉનામાં રાજકીય અદાવતના કારણે સામસામે ફાયરિંગ

પાલિકા પ્રમુખ અને કોંગી અગ્રણી સહિત ચાર ઘવાયા: ત્રણ વર્ષ પૂર્વેના ડખ્ખાનો બદલો લેવા જતા ધિંગાણું ખેલાયું

ઉનામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ત્રણ વર્ષ પહેલાં થયેલા ઝઘડાનો બદલો લેવા જતાં પાલિકા પ્રખુમ અને કોંગી અગ્રણી વચ્ચે સામસામે ફાયરિંગ થતા નાસભાગ મચી ગઇ છે. બંને પક્ષે ચાર ઘવાતા ત્રણને સારવાર માટે અહીંની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સશસ્ત્ર ધિંગાણું ખેલતા ઉનામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી ગયા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઉના નગરપાલિકાના પ્રમુખ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ ચનાભાઇ રાઠોડને ત્રણ વર્ષ પહેલાં કોંગી અગ્રણી મહેશભાઇ ભવાનભાઇ બાંભણીયાના ભાઇ યોગેશભાઇ સાથે થયેલા ઝઘડાના કારણે બંને પક્ષે અદાવત ચાલતી હોવાથી આજે સવારે તેનો બદલો લેવા માટે મહેશભાઇ બાંભણીયા, યશવંતભાઇ મનુભાઇ બાંભણીયા અને રવિ ઉર્ફે ગુડો બાંબણીયા રિવોલ્વર અને ઘાતક હથિયાર સાથે ઉનાની એમ.કે.પાર્ક સોસાયટીમાં પાલિકા પ્રમુખ કાળુભાઇ ચનાભાઇ રાઠોડ પર હુમલો કરવા ઘસી ગયા હતા.કાળુભાઇ રાઠોડ પર ઘાતક હથિયાર સાથે હુમલો થતાની સાથે જ તેમના ટેકેદારોએ વળતો હુમલો કર્યો હતો. હુમલામાં સામસામે ફાયરિંગ થતા મહેશભાઇ બાંભણીયા, યશવંત બાભંણીયા અને રવિ ઉર્ફે ગુડો બાંભણીયા જ્યારે સામા પક્ષે કાળુભાઇ રાઠોડ અને તેમના ટેકેદારો ઘવાતા મહેશ બાંભણીયા સહિત ત્રણને સારવાર માટે અહીંની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

ઉનામાં ભાજપ અને કોગ્રેસ વચ્ચે સામસામે ફાયરિંગની ઘટનાથી નાસભાગ સાથે તંગદીલી સર્જાતા ડીવાય. એસ. પી. વસાવા, પી.આઇ. ચૌધરી, પી.એસ.આઇ. ચુડાસમા, એલસીબી અને એસઓજીનો સ્ટાફ ઘટના સ્થળે પહોચી ફરી અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસે બંને પક્ષ સામે ગુનો નોંધી તપાસ  હાથ ધરી છે

Loading...