Abtak Media Google News

મોડીરાતે ઓટોમેટિક પ્લાનમાં થયેલા સ્પાર્કના કારણે ત્રણ ધડાકા સાથે ભયાનક આગ ભભૂકી: ત્રણ વ્યક્તિ લાપતા

પાઇપ લાઇનમાં રહેલો ગેસ સળગી જતા આગ કાબુમાં આવી ગઇ

સુરત નજીક આવેલા હજીરા ખાતેની ઓએનજીસી કંપનીના ગેસ ટર્મિનલમાં મોડીરાતે અચાનક ત્રણ ધડાકા સાથે આગ ભભૂકી ઉઠતા થોડી જ મિનીટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતુ. ત્રણ વ્યક્તિઓ લાપતા બનતા તેઓ આગની લપેટમાં આવી ગયાની શંકા સાથે શોધખોળ હાથધરવામાં આવી છે. પાઇપ લાઇનમાં ગેસનો પુરવઠો પુરો થતા આગ ઓટોમેટિક કાબુ થઇ ગઇ હતી. આગના કારણે મોટુ નુકસાન થયાનું સુત્રો જણાવી રહ્યા છે.

હજીરા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલી ઓએનજીસી કંપનીના ગેસ ટર્મિનલમાં મોડીરાતે ઓટોમેટિક પ્લાનની ચેમ્બરમાં સ્પાર્ક થવાના કારણે ગેસ લિકેજ થતા ઉપરા ઉપર ત્રણ વિસ્ફોટ થયા હતા. વિસ્ફોડ સાથે જ ભયાનક આગ ભભૂકી ઉઠી હતી. ધડાકાના કારણે આજુ બાજુનો વિસ્તાર ધણધણી ઉઠયો હોવાથી ત્યાંથી રહીશોમાં નાસભાગ મચી ગઇ હતી.

ધડાકા સાથે લાગેલી આગ થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. જોકે પ્લાન પર ફરજ બજાવતા કર્મચારીઓએ ગેસ સપ્લાય બંધ કરી દીધી હતી. આગ બુઝાવવા ફાયર બ્રિગેડ ટીમ ફાયર ફાયટર સાથે ઓએનજીસી ખાતે દોડી આવ્યા હતા. આ ઉપરાંત ઓએનજીસી કંપનીના અને રિલાયન્સ કંપનીના ફાયર ફાયટરની પણ મદદ લેવામાં આવી હતી.

ગેસની પાઇપ લાઇન ગેસ સપ્લાય બંધ થતાની સાથે જ આગ ઓટોમેટિક રીતે બંધ થઇ ગઇ હતી. આ દુર્ઘટનાથી ઓએનજીસી કંપનીમાં ફરજ બજાવતા લાઇનમેન, સિકયુરીટીમેન અને એક કર્મચારી લાપતા બનતા તેઓ આગની લપેટમાં આવી ગયાની શંકા સાથે તપાસ ચાલી રહી છે. જો કે આ અંગે સુરત જિલ્લા કલેકટર ધવલ પટેલે કોઇ જાનહાની ન થયાનું જણાવ્યું છે. ઓએનજીસી કંપનીમાં રાહત બચાવ કામગીરી ઝડપથી ચાલી રહી છે. આગની ઘટનાના કારણે ૫૦ ટકા પ્લાન બંધ કરવામાં આવ્યો છે.

ઓએનજીસી પ્લાન્ટમાંથી હજીરા ફલ્ટીલાયઝર કંપની, પાવર એન્ડ પેટ્રોલિયમ કંપની, સીએનજી ઉત્પાદક કંપનીઓ અને સિરામિક કંપનીઓને ગેગેસ સપ્લાય થાય છે. આગના કારણે ઓએનજીસી કંપનીને કરોડોનું નુકસાન થયાનું સુત્રો જણાવી રહ્યા છે.

ઓએનજીસી કંપની દ્વારા દેશના છ રાજયમાં ગેસ પુરવઠો પુરો પાડે છે. હજીરા ખાતેની ઓએનજીસી કંપની ૧૯ કીલોમિટર વિસ્તારમાં પથરાયેલી છે. કંપની દ્વારા એલપીજી, નેપ્થા, એસકેઓ, એટીએફ અને એચએસડીએન પોપરેનનું ઉત્પાદન કરે છે.

આગની ઘટના બાદ મોટી જાનહાની ન થાય તે માટે પોલીસ અને ફાયર બ્રિગેડ ટીમ દ્વારા સ્થાનિકના રહીશો તેમજ કંપનીના કર્મચારીઓને સલામત સ્થળે ખસેડવાની તાત્કાલિક કામગીરી કરી હતી તેમજ સુરક્ષાના ભાગ રૂપે પ્લાનમાં જવાના તમામ માર્ગ બંધ કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.