Abtak Media Google News

દેશદાઝ સામે બીસીસીઆઈ ઝૂકયું: મોટાભાગનો ફ્રેન્ચાઈઝી વિવોની સ્પોન્સરશીપથી હતા નારાજ

કહેવાય છે કે, પૈસા બોલતા હૈ. રૂપિયા કમાવવાના મુદ્દે બીસીસીઆઈએ ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી-૨૦ વિશ્ર્વકપને રદ કર્યો હતો તો તેની સામે આઈપીએલ રમાડવા માટેની મંજુરી આપવામાં આવી હતી. આઈપીએલની ૧૩મી સીઝન યુ.એ.ઈ. ખાતે ૧૯ સપ્ટેમ્બરથી ૧૦ નવેમ્બર સુધી રમાવવા પર મંજુરીની મહોર પણ લગાવી હતી. ગર્વનીંગ કાઉન્સીલની બેઠકમાં એ વાતની સ્પષ્ટતા થઈ હતી કે, આઈપીએલનાં તમામ સ્પોન્સરશીપ યથાવત રહેશે પરંતુ બેઠક બાદ ત્રણ ફ્રેન્ચાઈઝીએ નારાજગી વ્યકત કરી હતી કે ટાઈટલ સ્પોન્સર તરીકે વિવો હોવું ન જોઈએ જેને લઈ દેશદાઝ સામે બીસીસીઆઈએ નમતુ પણ મુકવુ પડયું હતું અને અંતે હવે આઈપીએલની ૧૩મી સીઝનમાં વિવો સ્પોન્સરશીપમાંથી કલીન બોર્ડ થઈ છે.

ચીનની મોબાઈલ કંપની વિવો વર્તમાન સિઝનનાં ટાઈટલ સ્પોન્સરમાંથી ઘસી ગઈ છે. દર વર્ષે વિવો બીસીસીઆઈને ૪૪૦ કરોડ રૂપિયા ચુકવે છે. સંપર્ક સુત્રોનાં જણાવ્યા મુજબ વિવો સાથેનો કરાર વર્ષ ૨૦૨૨માં જ પૂર્ણ થતો હતો પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે તેમાં હજુ એક વર્ષનો વધારો કરવામાં આવી શકે છે. આઈપીએલ ગર્વનીંગ કાઉન્સીલની બેઠકમાં વિવો સાથે કરારને ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો તેના આગામી દિવસે જ તમામ ફ્રેન્ચાઈઝીઓ સાથે બેઠક યોજાઈ હતી જેમાં મોટાભાગની ફ્રેન્ચાઈઝીએ આ વાતથી નારાજગી વ્યકત કરી છે. વિવો સાથે કરાર ચાલુ રાખવા પર આર.એસ.એસ. સાથે સંકળાયેલા સ્વદેશી જાગરણ મંચે વિરોધ દર્શાવ્યો હતો અને બોર્ડનાં નિર્ણયની ટીકા પણ કરી હતી. ગલવાન ખીણમાં ભારતનાં સૈનિકો વચ્ચે જે અથડામણ થઈ હતી તેમાં ૨૦ સૈનિકો શહિદ થયા હતા જેથી ત્યારબાદ તમામ ચીની કંપનીઓ પર ટીકા કરવામાં આવી રહી છે. કોઈપણ રમતમાં ક્રિકેટ એકમાત્ર જેન્ટલમેન ગેમ તરીકે પ્રસ્થાપિત થયું છે પરંતુ હાલ ક્રિકેટ હવે કમાવવાનું માધ્યમ બની ગયું છે ત્યારે આઈપીએલ રમાડતા બીસીસીઆઈની સાથો સાથ દેશનાં અર્થતંત્રને પણ આર્થિક રીતે ઘણો સાથ અને સહકાર પણ મળે છે જેના પરીણામરૂપે આઈસીસી અને બીસીસીઆઈએ ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી-૨૦ વિશ્વકપને રદ કર્યો હતો અને જેની સામે આઈપીએલને રમાડવાની મંજુરી પણ આપી હતી. વૈશ્વિક મહામારીના કારણે ખેલ ક્ષેત્રને તેની માઠી અસરનો સામનો કરવો પડયો છે ત્યારે આઈપીએલ તમામ બોર્ડ અને ખેલાડીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થાય છે પરંતુ હવે વર્તમાન આઈપીએલની ૧૩મી સીઝનમાં વિવો આઉટ થઈ જતા ટાઈટલ સ્પોન્સર પર પ્રશ્નાર્થ ઉભો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.