લાલપુરમાં બે જુથ વચ્ચે બઘડાટી: ચાર રાઉન્ડ ગોળીબાર

જૂની અદાવતમાં ખાટકી, સુમરા જૂથ સામસામે આવી ગયા

બંને જુથના સાત ઘવાયા: તલવાર, ધોકા, પાઈપ ઉડ્યા: પોલીસે ગામમાં, હોસ્પિટલે બંદોબસ્ત ગોઠવ્યો

જામનગર જિલ્લાના લાલપુરમાં ઉગમણા ઝાપા વિસ્તારમાં બપોરે ખાટકી તેમજ સુમરાના બે જૂથ વચ્ચે બબાલ સર્જાઇ હતી જૂની અદાવતના કારણે બન્ને જૂથ સામસામે આવી ગયા હતા, અને ધોકા પાઈપ જેવા હથિયારો વડે હુમલા કરાયા હતા. જેમાં પાંચ વ્યક્તિઓ ઘાયલ થઈ છે. આ ઉપરાંત એક જૂથ દ્વારા ખાનગી હથિયાર વડે હવામાં ગોળીબાર કરી ચાર રાઉન્ડ છોડવામાં આવ્યા હોવાનું જાણવા મળતાં પોલીસ ટુકડી ઘટના સ્થળે તેમજ જામનગરની જી.જી હોસ્પિટલ દોડી ગઇ છે, અને બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

લાલપુરમાં ઉગમણાં ઝાપા વિસ્તારમાં રહેતા અને કસાઈ નાતના પૂર્વ પ્રમુખ એવા ઓસ્માણભાઈ ઇશાકભાઇ સમા અને તેના જૂથ દ્વારા સામા પક્ષના ગુલમામદ જુસબ આખાણી અને તેના પરિવારના સભ્યો પર જૂની અદાવતના કારણે હુમલો કરાયો હતો.જ્યારે આખાણી પરિવાર દ્વારા પણ વળતો હુમલો કરાયો. હતો અને બંને પક્ષે ધોકા-પાઇપ તલવાર જેવા હથિયારો ઉડયા હતા. જે મારામારીમાં બંને પક્ષના મળી પાંચ વ્યક્તિઓ ઘાયલ થઈ છે, અને તેઓને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં ગુલમામદભાઇ અખાણી ને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી જીજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન આઠ ટાંકા લેવા પડ્યા છે. ઉપરાંત શબ્બીર હુસેન અખાણી  વગેરે નાની-મોટી ઇજા થઇ છે. ઉપરાંત સામા જૂથના બે વ્યક્તિઓ પણ ઘાયલ થયા છે.

ઘટના સમયે  ઓસ્માણભાઈ સમા દ્વારા પોતાની પાસે રહેલા ખાનગી હથિયારમાંથી ચાર જેટલા ફાયર કરાયાનું પણ જાણવા મળ્યું હતું. સમગ્ર બનાવ મામલે પોલીસ કાફલો ઘટનાસ્થળે તેમજ જામનગરની જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો છે અને બંને પક્ષે સામસામી ફરિયાદ લેવા કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવને લઇને લાલપુર પંથકમાં ભારે દોડધામ મચી ગઇ છે.

Loading...