Abtak Media Google News

સાંજે લેસરશો બાદ શિવતાંડવ અને શિવ ઉપાસનાના કાર્યક્રમમાં સ્થાનિક કલાકારો બોલાવશે રમઝટ, કૃષિમંત્રી આર.સી.ફળદુ અને યાત્રાધામ વિકાસ મંત્રી દિલીપ ઠાકોર રહેશે ઉપસ્થિત

જુનાગઢ ખાતે મહાશિવરાત્રીના મેળાનો ગઈકાલથી આરંભ થયો છે. આજે બીજા દિવસે આ મીનીકુંભ મેળામાં ભાવિકોનો જમાવડો જામ્યો છે. આજે ડમરુયાત્રા, શિવઆરાધના સહિતના મુખ્ય કાર્યક્રમો યોજાવાના છે. આ સાથે સાંજે લેસર-શો બાદ શિવતાંડવ અને શિવ ઉપાસનાના કાર્યક્રમમાં સ્થાનિક કલાકારો રમઝટ બોલાવશે. આજના આ કાર્યક્રમમાં કૃષિમંત્રી આર.સી.ફળદુ અને યાત્રાધામ વિકાસ મંત્રી દિલીપ ઠાકોરની વિશેષ ઉપસ્થિતિ રહેવાની છે.

જુનાગઢના ભવનાથમાં રાજયપાલ ઓ.પી.કોહલી તેમજ સંતો-મહંતો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઘ્વજારોહણ સાથે મીની કુંભ મેળાનો આરંભ થયો છે ત્યારબાદ પ્રવેશદ્વારનું નામકરણ તેમજ ૫૧ લાખ રૂદ્રાક્ષથી બનેલા શિવલીંગની પુજન પણ કરવામાં આવ્યું હતું. ભજન, ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ પ્રથમ દિવસે જોવા મળ્યો હતો. આ તકે ઠેક-ઠેકાણેથી મોટી સંખ્યામાં ભાવિકોનું ઘોડાપુર ઉમટી પડયું હતું.Img 20190228 Wa0027

ભવનાથમાં ચાલી રહેલા મીની કુંભ મેળામાં આજે બીજા દિવસે બપોરે ૩:૦૦ કલાકે ગિરનાર તળેટીમાં પાર્કિંગમાં રોપ-વે સાધનોની પ્રદર્શની યોજાશે ત્યારબાદ બપોરે ૪:૦૦ કલાકે ભુતનાથ મહાદેવ મંદિરથી ભવનાથ તળેટી સુધી વિશાળ ડમરુયાત્રા યોજાશે.

આ ડમરુયાત્રામાં સંતો-મહંતોની સાથે મોટી સંખ્યામાં ભાવિકો પણ જોડાશે ત્યારબાદ ૬:૩૦ કલાકે લાઈટ એન્ડ લેસર-શો યોજાશે બાદમાં રાત્રે ૮ થી ૧૧ દરમિયાન પ્રકૃતિધામ ખાતે શિવતાંડવ અને શિવઉપાસનાનો ભવ્ય કાર્યક્રમ યોજાશે જેમાં સ્થાનિક ગાયક કલાકારો ભરત બારૈયા અને શિતલ બારોટ પોતાની કલાની પ્રસતુતિ રજુ કરશે. આ તકે કૃષિમંત્રી આર.સી.ફળદુ તેમજ યાત્રાધામ વિકાસ મંત્રી દિલીપ ઠાકોર સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહેશે.Img 20190228 Wa0030

ગઈકાલથી આરંભ થયેલા મીની કુંભ મેળામાં ચા-પાણી તથા ૨૫૦ જેટલા અન્નક્ષેત્રો ધમધમતા થઈ ગયા છે. ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ધાર્મિક સ્થાનકો તેમજ સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. નોંધનીય છે કે, આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઉપસ્થિતિમાં ધર્મસભા તેમજ સંત સંમેલન યોજાનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.