Abtak Media Google News

નવા વર્ષના પ્રારંભે તસ્કરોએ કરી બોણી

અમદાવાદમાં  સાઢુભાઈના ઘરે પરસાણા પરિવાર ગયો ને  બંધ મકાનમાં બે તસ્કરોએ ત્રાટકી રૂ. ૧૦ લાખની રોકડ- રૂ.૧૫ લાખના ૩૦ તોલાના ઘરેણાં ચોરી કરી પલાયન ; સીસીટીવી ફૂટેજમાં બે તસ્કરો કેદ

શહેરના રામકૃષ્ણ નગર શેરી નંબર ૧૧ માં વેપારીના બંધ મકાનને તસ્કર ટોળકીએ નિશાન બનાવી રૂ.૧૦ લાખની રોકડ અને અંદાજીત રૂ. ૧૫ લાખની કિંમતના સોનાના દાગીના મળી કુલ રૂ.૨૫  લાખની ચોરી કરી નવા વર્ષની ઉજવણી કરતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે બે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

ચોરીના બનાવ અંગે રામકૃષ્ણ નગરમાં રહેતા ગોંડલના ભોજપરામાં કોલ્ડ સ્ટોરેજનું કારખાનું ધરાવતા જીતેન્દ્ર વાલજીભાઈ પરસાણા ( ઉ.વ ૫૧) ની ફરિયાદ પરથી એ ડિવિઝન પોલીસે અજાણ્યા બે તસ્કરો સામે રોકડ – સોનાના દાગીના  રૂ. ૪૦ લાખની ચોરી કર્યા અંગેનો ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે શોધખોળ હાથ ધરી છે.વેપારી  જીતેન્દ્રભાઈ પરસાણા દિવાળીના તહેવારો નિમિતે અમદાવાદમાં રહેતા સાઢું ભાઈના ઘરે કારમાં પત્ની રૂપલબેન ,પુત્ર ખુશ સાથે ગયા હતાં.જ્યાં એક દિવસ માટે ટૂંકું રોકાણ કર્યું હતું. તે અરસામાં બંધ મકાનમાં રાત્રીના સમયે બાઇકમાં આવેલા બે તસ્કરોએ ત્રાટકી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

Img 20201119 Wa0032

એક તસ્કરે ઘર પાસે ઉભા રહી મકાનની ચોકીદારી કરી હતી.તો બીજા તસ્કરે મકાનની દીવાલ ઠપીને ઘરમાં પ્રવેશ કરી દરવાજાની ગ્રીલ અને બારીની ગ્રીલ તોડી નાખી બે માળના કબાટના લોક તોડી સામાન વેર વિખેર કર્યા બાદ  અંદાજીત  રૂ. ૧૫ લાખના  ૩૦  તોલા સોનાના દાગીના, રોકડ રૂ. ૧૦ લાખ મળી કુલ રૂ. ૨૫ લાખની મતા ચોરી નાશી છૂટ્યા હતા.અમદાવાદમાંથી એક દિવસ ટૂંકું રોકાણ કરી પરત ફરેલા  પરસાણા પરિવારને જાણ થતા એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. ચોરીના બનાવ અંગે જાણ થતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ સી.જે.જોશી, પી.એસ.આઈ જે.એમ.ભટ ,એ.એસ.આઈ રાજુભાઇ સોલંકી સહિત ડોગ સ્કોડ અને એફ.એસ.એલની ટિમ દોડી ગઈ હતી. મકાનના અને પડોશીના સીસીટીવી ફુટેજના આધારે બે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.