Abtak Media Google News

હાલમાં ઘૂડખર અભયારણ્ય બર્ડ ફ્લુના પગલે પ્રવાસીઓ માટે અનિશ્ચિત મુદત માટે બંધ છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાના ગોરીયાવાડ ગામે બર્ડ ફ્લુની દહેશત વચ્ચે ૬૦થી વધુ હોલા ટપોટપ મરવા લાગતા અફડાતફડી મચી જવા પામી હતી. જેમાં મૃત હોલા ખાવાથી ૧૦થી વધુ ગલુડીયાના મોતથી પણ સન્નાટો મચી જવા પામ્યો છે.

માનવીય ખલેલથી પર એવા સુરક્ષિત સ્થળ સમા એવા વેરાન રણમાં હજારો કિ.મી.દૂર આવેલા સાઇબેરીયા, યુરોપ અને લદાખથી સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર પક્ષીઓ, ફ્લેમીંગો સહિતના વિદેશી નયનરમ્ય પક્ષીઓના ઝુંડ શિયાળો ગાળવા આવે છે જેમાં સુરખાબ પક્ષીઓ તો રણમાં લાઇનબધ્ધ માળા વસાહત બનાવી સંવનન બાદ બચ્ચાઓને જન્મ આપી ઉનાળાની શરૂઆત થતા પોતાના માદરે વતન પરત ફરે છે. પરંતુ બર્ડ ફ્લુના પગલે ઘૂડખર અભયારણ્ય અનિશ્ચિત મુદત માટે બંધ કરવામાં આવ્યું છે.

ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાના ગોરીયાવાડ ગામે ગામના ચબુતરા પાસે ૬૦થી વધુ હોલા ટપોટપ મરવા લાગતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાવા પામ્યો હતો. એમાં મૃત હોલા ખાવાથી ૧૦થી વધુ ગલુડીયાના મોતથી પણ સન્નાટો મચી જવા પામ્યો છે. આ અંગે ગોરીયાવાડ ગામના લાલભા ચૌહાણે જણાવ્યું કે, છેલ્લા બે ત્રણ દિવસમાં ગોરીયાવાડ ગામના ચબુતરા પાસે દાણા ખાવા આવતા કબુતર અને હોલામાંથી ૫૦થી ૬૦ જેટલા હોલાના ગળામાં સોજા આવી ગયા બાદ પળવારમાં ટપોટપ મરવા લાગ્યા હતા. અને આ મૃત હોલા ખાવાથી ૧૦થી વધુ ગલુડીયા પણ મોતને ભેટ્યા બાદ આ અંગે બજાણા અભયારણ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી.આ ઘટનાની જાણ થતા બજાણા ઘૂડખર અભયારણ્ય વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અનિલભાઇ રાઠવાની સુચનાથી ફોરેસ્ટર દલસુખભાઇ કમેજડીયા અને રોજમદાર નશીબખાન સહિતના ફોરેસ્ટ વિભાગના સ્ટાફ દ્વારા ૪ મૃત હોલાને બજાણા કેર સેન્ટર ખાતે લાવી ધ્રાંગધ્રા વેટરનિટી ડોક્ટર પ્રિતેષ પટેલ પાસે લઇ જવામાં આવ્યા હતા. આ મૃત હોલાના નમુના લઇ રીપોર્ટ માટે ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. મૃત પેરાગ્વીન ફાલ્ગનના નમુના આણંદ અને અમદાવાદ મોકલવામાં આવ્યા હતા.

ફોરેસ્ટર બી.જે. પાટડીયાએ જણાવ્યું કે, રણમાં ટુંડી તળાવ, ભીમકા ખારી, ઓડું ખારી ડેમ અને વચ્છરાજબેટ પાછળ મહારાજા બેટમાં ૨૦૦૦૦થી ૨૫૦૦૦ની સંખ્યામાં લેસર અને ગ્રેટર ફેલ્મીંગો, પેલીગન સહિતના પક્ષીઓ છે. આથી આ ઘૂડખર અભયારણ્ય બર્ડ ફ્લુના પગલે હાલમાં બંધ રાખવાની સુચના મળી છે. બીજી બાજુ દેગામ રણમાંથી એક પેરાગ્વીન ફાલ્ગન પક્ષી મૃત હાલતમાં મળી આવ્યું હતુ. બર્ડ ફ્લુના પગલે એના સેમ્પલ આણંદ અને અમદાવાદ લેબોરેટરીમાં મોકલી અપાયા છે. જેનો રીપોર્ટ હજી સુધી આવ્યો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.