Abtak Media Google News

લોકડાઉનમાં લોકોનાં ચુલા ચાલુ રાખવા એફસીઆઈએ મહત્વની ભૂમિકા ભજવી

દેશની કરોડરજુ સમાન ભારતીય ખાદ્ય નિગમે આ સમયગાળા દરમિયાન અનેકવિધ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને પોતાની મહત્વતાને પણ સાબિત કરી છે. ભારતીય ખાદ્ય નિગમ એક સમયે થેન્કલેશ જોબ કરતું હોવાનું સામે આવ્યું હતું પરંતુ વૈશ્ર્વિક મહામારી કોરોના બાદ જે લોકડાઉનની સ્થિતિ સર્જાય છે તેનાથી દેશનાં કરોડો લોકોનાં ચુલા ચાલુ રાખવા માટે એફસીઆઈએ મહત્વપૂર્ણ કામગીરી કરી છે. બીજી તરફ અવિરત કઠોર અને અનાજનું વિતરણ પણ સુચારુરૂપથી ચલાવ્યું છે. ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા જે જરૂરીયાતમંદ લોકો હોય તેવો પણ વિશેષરૂપથી ધ્યાન કેન્દ્રિત કરી આ તમામ ચીજવસ્તુઓને પીડીએસ કેન્દ્રો તથા ફેર પ્રાઈઝ શોપ ખાતે રાખવામાં આવ્યા છે અને તેનું વિતરણ પણ અવિરત ચાલુ રાખ્યું છે.

ભારતીય ખાદ્ય નિગમ દિવસ-રાત કામ કરી જે કોઈ જગ્યા પર અવિરત ખાદ્ય સામગ્રીની જરૂરીયાત ઉભી થાય તે જગ્યાએ તેઓ તેમની સેવા પહોંચાડી રહ્યું છે. ભારતીય ખાદ્ય નિગમ દ્વારા અનેકવિધ જગ્યાઓ પર પોતાના ગોડાઉનો સ્થાપિત કરી ખાદ્ય સામગ્રીઓને એકત્રિત કરવામાં આવી છે. વૈશ્ર્વિક મહામારી કોરોના બાદ લોકોની જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા જે ખેવના કરવામાં આવી છે તે અત્યંત સરાહનીય છે. આ તમામ મુદાઓને ધ્યાને લઈ ભારતીય ખાદ્ય નિગમ આવનારા દિવસો અને આવનારા મહિનાઓમાં લોકોને જો અનાજની જરૂરીયાત પડે કે વધારાનાં જથ્થાની જરૂરીયાત ઉભી થાય તો તે માંગને પુરી કરવા માટે એફસીઆઈ સજજ છે. હાલ સેન્ટ્રલ પુલ દ્વારા ઘઉં માટે કુલ ૩૮૨ લાખ મેટ્રીક ટનની ખરીદી કરવામાં આવી છે. એવી જ રીતે સરકારી એજન્સીઓ દ્વારા ખેડુતો પાસે ઘઉંની ખરીદીનો સાર્વત્રિક રેકોર્ડ પણ બનાવ્યો છે અને હાલનાં સાંપ્રત સમયમાં પણ આ કાર્યને યથાવત ચાલુ રાખવામાં આવ્યું છે.

દિલ્હી હાઈકોર્ટમાં થયેલી પીટીશનનાં જવાબમાં દિલ્હી સરકારે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ મહામારીનાં સમયકાળમાં ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ મહત્વપૂર્ણ કામગીરી કરી છે અને જરૂરીયાતમંદ લોકોની વ્હારે ઉભું રહી તેઓને અનાજ પણ પુરુ પાડયું છે. કોરોનાનાં કહેર વચ્ચે અને લોકડાઉનની સ્થિતિ સર્જતા કોઈ વ્યકિતનાં ચુલ્લાઓ બંધ ન રહે તે માટે ભારતીય ખાદ્ય નિગમે કમરકસી છે અને જરૂરીયાત મુજબનો અન્ન પુરવઠો પણ પુરો પાડયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.