Abtak Media Google News

ગીર-સોમનાથ જિલ્લામાં સરકારી કચેરીઓ સામે સંસ્થાઓ લોકો તેમની માંગણીઓ કારણો દર્શાવી ઉપવાસ, ધરણા, દેખાવો, સુત્રોચાર કરે છે અને સરકારી કચેરીના પરિસર તેમજ તેની આસપાસ બેસી જવાથી સફાઇના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. અવાજ થાય છે. જેનાથી સરકારી કચેરીઓમાં રોજીંદી કાર્યવાહીમાં રૂકાવટ ઉભી થતી હોય છે. તેમજ સરકારી કચેરીઓને બાનમાં લઇ સરકારી મિલ્કતને નુકશાન પહોંચાડવાની શક્યતા પણ રહે છે. આવા સંજોગોમાં કાયદો વ્યવસ્થાના પ્રશ્નો ઉભા થાય ત્યારે પોલીસ દ્વારા બળ પ્રયોગ કરવાની ફરજ પડે છે. આ બધી બાબતોને ધ્યાને લઇ ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ની કલમ ૧૪૪ અન્વયે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ગીર-સોમનાથ દ્વારા પ્રતિબંધાત્મક આદેશ જારી કરેલ છે.

એ મુજબ જિલ્લા મેજીસ્ટ્રેટ કચેરી, જિલ્લા સેવા સદન, ઇણાજ તેમજ પ્રાંત અધિકારી કચેરી, વેરાવળ અને પ્રાંત અધિકારી કચેરી ઉનાની પ્રિમાઇસીસની ૨૦૦ મીટરની ત્રિજયામાં કોઇએ ઉપવાસ તથા ધરણા પર બેસવું નહીં.

ઉપરાંત જાહેર સુલેહ શાંતિ જોખમાઇ તેવા સુત્રો પોકારવા નહીં. કોઇપણ વ્યક્તિએ લાઠી અગર ઇજા થાય તેવા હથિયાર સાથે રાખીને કચેરીમાં પ્રવેશ કરવો નહીં. કોઇ વિસ્ફોટક પદાર્થ અથવા આગ લાગે તેવા પદાર્થ સાથે રાખવા નહીં. અસામાન્ય સંજોગો તથા સુલેહશાંતિ ભંગ કરવાના ઇરાદાપૂર્વકના આશયથી ચાર કે તેથી વધુ માણસોએ ભેગા થવું નહીં કે અતિક્રમણ કરવું નહીં. સદરહુ કચેરીઓની આસપાસ કે પરિસરમાં ગંદકી / કચરો કરવો નહીં. આ હુકમ તાત્કાલીક અસરથી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતિય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.