પાક ક્રિકેટ બોર્ડે માનસિક ત્રાસ આપ્યાના આક્ષેપ સાથે ફાસ્ટ બોલર આમિરે નિવૃત્તિ જાહેર કરી !

ટેસ્ટ મેચમાં નિવૃત્તિ જાહેર કર્યા બાદ આમિર અને બોર્ડ વચ્ચે ચાલી રહી હતી ખેંચતાણ

પાકિસ્તાનના સ્ટાર અને ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અનિશ્ચિતકાળ માટે અલવિદા કહી દીધું છે. ૨૮ વર્ષીય આમિરે આ પાછળનું કારણ જણાવતા કહ્યું છે કે, મેં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના હાલના મેનેજમેન્ટ સાથેના તણાવના લીધે આ નિર્ણય લીધો છે. મને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. હું આ મેનેજમેન્ટ હેઠળ રમી શકું તેમ નથી.

૨૮ વર્ષીય મોહમ્મદ આમિરે ખેલ – શેલ વેબસાઈટના ઇનયરવ્યુ દરમિયાન ઘટસ્ફોટ કરતા કહ્યું હતું કે, હું છેલ્લા ૧૦ વર્ષથી પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના માનસિક ત્રાસનો ભોગ બની રહ્યો છું. સતત મારી અવગણના કરાઈ રહી છે. ધીમેધીમે મને તમામ ફોર્મેટ્સમાં સ્થાન આપવા અંગે ઇનકાર કરવામાં આવી રહ્યો છે. મને કોઈ પણ કારણ વિના શિક્ષા કરાઈ રહી છે જેનો ભોગ હું બની રહ્યો છું. મારી ઉપર મેચ ફિક્સિંગનો પણ આરોપ મુકવામાં આવ્યો છે.

પાકિસ્તાનને ૨૦૧૭ માં ચેમ્પિયન ટ્રોફી જિતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર આમિર ઝિમ્બાબ્વે અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમમાં સિલેક્ટ ન થતા નિરાશ થયો હતો. તેણે વીડિયોમાં કહ્યું કે, હું ક્રિકેટથી દૂર નથી જઈ રહ્યો, પરંતુ પાકિસ્તાન ક્રિકેટનું વર્તમાન મેનેજમેન્ટ મને ક્રિકેટથી દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

આમિરે ટીમના કોચ મિસ્બાહ ઉલ હક અને બોલિંગ કોચની ટીકા કરી અને તેમના દ્વારા તેની કરવામાં આવેલી આલોચનાને ખોટી ગણાવી હતી. આમિરે ૨૦૧૯માં ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધા પછી તેને ગદ્દાર કહેવામાં આવ્યો હતો. જો કે, આમિરે ટેસ્ટમાંથી વર્ક લોડને કારણે નિવૃત્તિ લીધી હોવાનું જણાવ્યું હતું.

આમિરના નિવેદન બાદ વસીમ ખાને નિવેદન આપવાનું ટાળ્યું હતું. વસીમ ખાને કહ્યું હતું કે, હાલના તબક્કે કોઈ પણ જાતનું નિવેદન આપવું તે યોગ્ય ગણી શકાય નહીં. આ નિર્ણય આમીરનો વ્યક્તિગત નિર્ણય છે જેમાં પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ હસ્તક્ષેપ કરી શકે નહીં.

ગત એક સપ્તાહથી પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપટન અને હાલના બોલિંગ કોચ વકાર યુનુસ અને આમિર વચ્ચે આક્ષેપ – પ્રતિઆક્ષેપ ચાલી રહ્યો હતો. આમિરે ટેસ્ટ ફોર્મેટમાંથી વર્ક લોડને કારણે નિવૃતિ જાહેર કરી હતી જ્યારે વકાર યુનુસે કહ્યું હતું કે, વર્ક લોડ નહીં પરંતુ આમિર ટેસ્ટ ફોર્મેટમા રમવા ઈચ્છા ધરાવતો ન હતો તેથી નિવૃત્તિ જાહેર કરી છે.

Loading...