ખેતી સિવાય ઉધ્ધાર ન હોવા છતાં ખેતી “બેહાલ”!!!

એક કપ ચા કરતા ૨૦ કિલો શાકભાજી સસ્તા!

માણખાગત સુવિધાઓ ઉભી કરી ખેત ઉત્પાદન થકી અર્થતંત્રનો વિકાસ વેગવંતો બનાવવા કેન્દ્ર સરકારે પ્લાન ઘડી કાઢયો

ભારત ખેતી પ્રધાન દેશ હોવાની હકીકત બાળપણથી જ ભારતીયોને જણાવવામાં આવે છે. ભારતનું સમગ્ર અર્થતંત્ર ખેત ઉત્પાદનોને આધારીત હોવાની વાત વાસ્તવિક છે. સરકાર પણ આ બાબત સારી રીતે જાણે છે. છતાં પણ દર વર્ષે ખેત ઉત્પાદનો બગાડ ૩૫ ટકા જેટલો તોતીંગ છે. વિકસીત દેશોમાં આ પ્રમાણ માત્ર ૨ ટકા જેટલું હોય છે ત્યારે ભારતમાં કરોડો રૂપિયાના ખેત ઉત્પાદનો વેડફાય છે. આ વેડફાટ અટકાવવા માટે ઈન્ફાસ્ટ્રકચર-લોજીસ્ટીક ક્ષેત્રને મજબૂત બનાવવાની વાત છે. હવે કેન્દ્ર સરકાર સમજી છે અને બજેટમાં ઈન્ફાસ્ટ્રકચર-લોજીસ્ટીક માટે ખાસ ભંડોળની જોગવાઈ કરી છે.

વર્તમાન સમયનું ઉદાહરણ જોઈએ તો ખેતીની હાલત ઈન્ફાસ્ટ્રકચર વગર કેટલી ખરાબ છે તે હાલના ગગડેલા ભાવ પરથી ફલીત થાય. વર્તમાન સમયે લીલોતરી શાકભાજીના ભાવ એક કપ ચા કરતા પણ સસ્તા છે. ૨૦ કિલો શાકભાજી ખરીદવા ચૂકવવા પડતા નાણા એક કપ ચા જેટલા થાય છે. ચિક્કાર આવકના કારણે ભાવ એકદમ તળીયે બેસી ગયા છે. લીલા શાકભાજીના ભાવ તળીયે બેસવા પાછળ ઈન્ફાસ્ટ્રકચરનો અભાવ કારણભૂત ગણી શકાય. આવી જ રીતે ઘણી વખત એવી સ્થિતિ ઉભી થાય છે જ્યારે ભાવ આસમાને પહોંચી જાય છે. ગરીબ કે મધ્યમ વર્ગને લીલા શાકભાજી લેવા મુશ્કેલ બને છે. ડુંગળીની હાલત પણ આવી  જ છે. ડુંગળી ક્યારેક ગ્રાહકને તો ક્યારેક ખેડૂતને રડાવે છે. આ વાસ્તવિકતા હવે કેન્દ્ર સરકાર પારખી ગઈ છે અને ખેત ઉત્પાદનો માટે રૂા.૨.૮૩ લાખ કરોડનું ભંડોળ ફાળવ્યું છે.

ખેત ઉત્પાદન ક્ષેત્રે મેકેનીઝમનું પ્રમાણ ચીન અને બ્રાઝીલ કરતા ભારતમાં ખુબજ ઓછું છે. ચીનમાં આ પ્રમાણ ૬૦ ટકા જ્યારે બ્રાઝીલમાં ૭૫ ટકાનું છે. જ્યારે ભારતમાં મેકેનીઝમનું પ્રમાણ ૪૦ ટકાનું છે. પરિણામે પડતર કિંમતમાં અને બજાર ભાવમાં ખાસ્સો તફાવત જોવા મળે છે. આ સાથે જ ક્ષેત્રફળમાં ટૂંકી જમીનો ધરાવતા ખેડૂતોની સંખ્યા વધારે હોવાથી એકંદરે માર્જીન ઓછુ રહે છે. આ સાથે પાકને બજારમાં પહોંચાડવા લાગતો સમય પણ ભાવમાં ખાસ્સો તફાવત સર્જે છે. સરકારે ખેડૂતો સરળતાથી ઝડપી પાક બજારમાં પહોંચાડી શકે તે માટે ઈન્ફાસ્ટ્રકચર ઊભુ કરવાનું નક્કી છે. ખેત ઉત્પાદનોની સાથો સાથ દૂધ, માંસ, ઈંડા, માછલી સહિતના ઉત્પાદનો પણ બજારમાં ઝડપથી પહોંચે તે માટે સરકારે વેરહાઉસીંગ કોલ્ડ સ્ટોરેજ જેવી સુવિધાઓ ઉભી કરવાનું નક્કી કર્યું છે. સરકારે પ્રધાનમંત્રી કિશાન ઉર્જા સુરક્ષા એવમ્ ઉતન મહા અભિયાનનો પ્રારંભ કર્યો છે. આ સાથે રૂરલ બેંકો ઝડપી ધીરાણ કરી શકે તે માટેની વ્યવસથા પણ ગોઠવવાનું નક્કી કર્યું છે. નોંધનીય છે કે, ભારતના અર્થતંત્રમાં ખેત ઉત્પાદનોનો ફાળો ખુબજ મોટો છે. દર વર્ષે કરોડો-અબજો રૂપિયાનો વ્યાપાર ખેત ઉત્પાદનને કારણે થાય છે પરંતુ ખેડૂતો અને સામાન્ય લોકોને ખેત ઉત્પાદનોને લઈ ખુબજ મુશ્કેલી પહોંચે છે. ક્યારેક ભાવ ઉંચા રહેતા સામાન્ય લોકોની હાલત કફોડી બની છે અને ભાવ તળીયે બેસી જાય તો ખેડૂતોને મુશ્કેલી સર્જાય છે. માટે યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં ભાવ ઝળવાઈ રહે તેવું સંકલન સાધવું સરકાર માટે જરૂરી છે. જેને લઈ  ખેત ઉત્પાદન ક્ષેત્રે કેપીટલ ફોર્મેશન થાય અને ખાનગી મુડી રોકાણ વધે તેવા પગલા સરકાર લઈ રહી છે.

અહીં નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૨-૧૩માં ખેતીમાં ગ્રોસ કેપીટલ ફોર્મેશન અને ગ્રોસ વેલ્યુએડેડનું પ્રમાણ ૧૬.૫ ટકાનું હતું. આ પ્રમાણ ૨૦૧૭-૧૮માં ઘટીને ૧૫.૨ ટકા જેટલું રહ્યું હતું. કેપીટલ ફોર્મેશનમાં આવેલા ઘટાડા પાછળ ખાનગી મુડી રોકાણ ઓછુ રહ્યું હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત જમીન નાની હોવાથી માર્જીન પણ ઓછુ રહેતું હોય ખેડૂતોને ઉત્પાદન બહુ જ મોંઘુ પડે છે. એગ્રીકલ્ચર ક્ષેત્રે ગણતરીના આંકડા મુજબ દેશમાં ૮૬ ટકા જેટલા ખેડૂતો નાની અથવા માર્જીનલ જમીન ધરાવે છે. ૨૦૧૦-૧૧માં ખેડૂત દીઠ જમીનની સરેરાશ ૧.૧૫ હેકટરે પહોંચી ગઈ હતી. એકંદરે જમીનના ટૂકડા થવાથી ઉત્પાદનને અસર પહોંચે છે. જેની સીધી અસર દેશના અર્થતંત્રને થતી હોવાનું સામે આવે છે. આવું થાય ત્યારે વર્તમાન સમયે જેમ ૧ કપ ચાની કિંમતે ૨૦ કિલો શાક મળે છે તેવી સ્થિતિ સર્જાય છે.

Loading...