કપાસના અપૂરતા ભાવના વિરોધમાં ખેડૂતોએ હળવદ-માળીયા હાઈવે બંધ કર્યો

ખેડૂતોની રજૂઆત સાંભળવાને બદલે યાર્ડ દ્વારા હરરાજી બંધ કરી દેવાય: રજૂઆત કરવા આવેલા ખેડૂતને પોલીસની હાજરીમાં વેપારીએ તતડાવી ચેમ્બર બહાર કાઢ્યો

હળવદ માર્કેટ યાર્ડ માં આજે ખેડૂતોને કપાસ ના યોગ્ય ભાવ નહીં મળતા હરરાજી અટકાવી થોડીવાર માટે હળવદ માળીયા હાઇવે ચક્કાજામ કર્યો હતો સાથે જ ખેડૂતોની માંગણીને ધ્યાને લેવાને બદલે યાર્ડના કર્મચારીઓ દ્વારા સોમવાર સુધી હરરાજી બંધ કરવાનો નિર્ણય કર્યો છે જેની સામે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો.

આપણા દેશને ખેતીપ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ અહીં ખેડૂતોની વેદના સાંભળવા વાળુ કોઈ નથી.! હળવદ માર્કેટયાર્ડમાં કપાસ વેચવા આવેલા ખેડૂતોને કપાસનો યોગ્ય ભાવ નહીં મળતા વિરોધ કર્યો હતો અને હરાજી અટકાવી હાઈવે રોડ ચક્કાજામ કરી કપાસનો યોગ્ય ભાવ આપવા માંગ કરી હતી જો કે થોડીવાર હાઈવે રોડ ચક્કાજામ કરતાં હાઇવે પર વાહનોના થપ્પા જામી ગયા હતા ત્યારબાદ પોલીસ દોડી આવી ખેડૂતોને સમજાવી હાઇવે ખુલ્લો કરાવ્યો હતો.

જોકે યાર્ડમાં રજૂઆત કરવા આવેલા ખેડૂતો ની માંગ સંતોષવા ને બદલે સોમવાર સુધી હરરાજી બંધ કરી દેવાતા દૂર  દુર ગામડેથી કપાસ વેચવા આવેલા ખેડૂતો માં ભારે રોષ ફેલાયો હતો ખેડૂતોના જણાવ્યા મુજબ વહેલી સવારના વાહનો ભાડે બાંધી હળવદ યાર્ડ માં કપાસ લાવવામાં આવ્યો હતો પરંતુ અમારી માંગ સંતોષવા ને બદલે યાર્ડ દ્વારા સોમવાર સુધી હરાજી બંધ કરી દેવાતા પડ્યા પર પાટું મારવા જેવું થયું છે.

ઉલ્લેખનીય છે કે હળવદ માર્કેટ યાર્ડ માં પાછલા થોડા સમયથી ખેડૂતો કપાસ અને મગફળી નો યોગ્ય ભાવ ન મળતો હોવાથી વિરોધ નોંધાવતા હોય છે ત્યારે આજે પણ ભાવ નહીં મળતા ખેડૂતોએ વિરોધ કર્યો હતો.

Loading...