Abtak Media Google News

૧૨ દિવસ આવક બંધ રહ્યા બાદ યાર્ડ બહાર વાહનોના થપ્પા લાગ્યા

ચાલુ વર્ષ અતિવૃષ્ટિ વચ્ચે પણ મગફળીના બમ્પર ઉત્પાદન સાથે દિન પ્રતિદિન મગફળીની આવકમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. રાજકોટ બેડી યાર્ડમાં રોજરોજ મબલખ મગફળી ઠલવાઇ રહી છે. ત્યારે માલનો વધુ પડતો સ્ટોક થતા છેલ્લા દસેક દિવસથી મગફળીની આવક પર પ્રતિબંધ મુકી દેવાયો હતો.

રાજકોટ બેડી યાર્ડમા યાર્ડની ક્ષમતા બહાર મગફળીની આવક થઇ જતા આવક પર પ્રતિબંધ મુકી દેવાની નોબત આવે છે. હાલ સૌરાષ્ટ્રભરના તમામ માર્કેટીંગ યાર્ડોમાં પુષ્કળ મગફળી આવી રહી છે અને વાહનોના થપ્પા લાગેલા જોવા મળે છે વધુ પડતી આવકને કારણે તેમજ આવક પ્રમાણે હરરાજી ન થતા સ્ટોકમાં પણ સતત ભરાવો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ બેડી યાર્ડમાં આજે ૧૨ દિવસથી આવક બંધ કરાઇ છે.

આજે ૧૨ દિવસ બાદ યાર્ડમાં મગફળીનો સ્ટોક પુરો થતા આજ સાંજથી ફરી યાર્ડમાં મગફળી ઠાલવવા ખેડૂતો પોતાના વાહનો સાથે યાર્ડ બહાર આવી પહોંચ્યા છે. જો કે હજુ સુધી આવક ચાલુ કરવા પર સતાવાર જાહેર કરવામાં આવી નથી.

હાલ મબલખ ઉત્પાદન બાદ મગફળી વહેંચી નાણા છુટા કરવા ખેડૂતો પ્રયાસો કરી રહ્યા છે. આગામી દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા હોય તેમજ દિવાળીની રજામાં યાર્ડ બંધ રહેતા ખેડૂતો તહેવારો પૂર્વે જ મગફળી વહેચી નાખવા મથામણ કરી રહ્યા છે.

20201105 101941

દિવાળી બાદ પણ લગ્નસરાની સીઝન અને શિયાળુ પાકના વાવેતરમાં ખેડૂતો જોતરાવાના હોય જે કારણે પણ ખેડૂતો હાલ પોતાની મગફળી વહેંચી નાખવા તલપાપડ બની રહ્યા છે.

૧૨ દિવસ બાદ આજે બેડી યાર્ડ બહાર રસ્તા પર ૪થી ૫ કિલોમીટરની મગફળી ભરેલા વાહનોની લાંબી લાઇનો લાગી છે. આશરે ૧૦૦૦થી વધુ વાહનો યાર્ડ બહાર ખડકાર્યાં છે.

ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની આવક ત્રણ દિવસથી બંધ કરાઇ

સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની ભારે આવક થતા યાર્ડ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી આવક બંધ કરાઇ છે. હજુ બેથી ત્રણ દિવસ આવક બંધ રહે તેવી શકયતા છે. ગોંડલ યાર્ડમાં સિઝન ની શરૂઆતથી અત્યાર સુધીમાં અંદાજે નવલાખથી વધુ મગફળીની ગુણીઓની આવક થઇ છે. જે ગતવર્ષથી ડબલગણી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.