Abtak Media Google News

છેલ્લા ૨૪ કલાકમાં ૧૬ તાલુકાઓમાં મેઘમહેર: અમરેલી-ભાવનગરમાં ૧ થી દોઢ ઈંચ સુધી વરસાદ

રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા અને રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટવાની શક્યતા છે. જો કે પાંચ દિવસ છુટોછવાયો સામાન્ય વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે. રાજયમાં સીઝનનો ૧૩૪ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. રાજયમાં સત્તાવાર રીતે ચોમાસુ પૂર્ણ થયાની હજી સુધી કોઈ જાહેરાત કરવામા આવી નથી. છેલ્લા ૨૪ કલાકના વરસાદની વાત કરીએ તો ૧૬ તાલુકાઓમાં મેઘમહેર થઈ છે અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ૧ થી દોઢ ઈંચ જેટલો વરસાદ  નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદમાં વરસાદ પડી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ સહીતમાં વરસાદની શક્યતા છે.

જોકે આવતીકાલથી વરસાદનું જોર ઘટી શકે છે. જેથી આવતીકાલથી રાજયમાં સામાન્ય વરસાદી ઝાપટા પાડવાની શક્યતા છે. આ વર્ષે ચોમાસાના વિદાયમાં હજી વિલબ થશે એવું હવામાન વિભાગનું અનુમાન છે.

બીજા બાજુ થોડા દિવસથી પડી રહેલ વરસાદને પગલે ભાવનગરના મહુવાનો માલણ ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો છે. મહુવા તાલુકામાં સારા વરસાદના પગલે માલણ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને ફાયદો થશે.

બીજીબાજુ વાત કરીએ તો, સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના ઘણાખરા જિલ્લાઓમાં સૂર્યદાદાએ દર્શન દીધા હતા અમુક જિલ્લામાં ધાબડીયું વાતાવરણ પણ જોવા મળ્યું હતું.

જો કે ચોમાસુ હવે વિદાય લઈ રહ્યું છે અને બીજી બાજુ ગરમીનું પ્રમાણ પણ વધવા પામ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.