૭૬ વર્ષથી અન્ન-જળ ન લેનાર ચુંદડીવાળા માતાજી પ્રહલાદભાઇ જાનીની ચિર વિદાય

મોડી રાત્રે ચરાડા ખાતે અંતિમ શ્વાસ લીધા: ગુરૂવારે સમાધિ, ભકતોના દર્શન માટે બે દિવસ નશ્વરદેહને અંબાજીમાં રખાશે

ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આવેલ અને ચુંદડીવાળા માતાજીના નામે ઓળખાતા પ્રહલાદભાઇ જાનીએ ગઇ મોડી રાત્રે ચરાડા ખાતે અંતિમ શ્વાસ લીધા છે. ચુંદડીવાળા માતાજીનું મહત્વ એટલું હતું કે લોકો દૂર દૂરથી તેમના દર્શન માટે આવતા હતા. ચુંદડીવાળા માતાજીના નિધનના સમાચાર સાંભળી ભકતોમાં દુ:ખની લાગણી પ્રસરી છે. તેમના નશ્ર્વર દેહને કાલ સુધી અંબાજી ખાતે દર્શનાર્થે મુકવામાં આવશે  અને તા.ર૮ મેના રોજ અંબાજી ખાતે સમાધિ અપાશે.

ચુંદડીવાળા માતાજી છેલ્લા ૭૬ વર્ષથી અન્ન, પાણી લેતા ન હતા. જે વિજ્ઞાન માટે પણ એક કોયડો સમાન હતું. ચુંદડીવાળા માતાજી ઉપર અનેક સંશોધનો પણ થઇ ચુકયા છે. માર્ચમાં સોશ્યલ મિડિયા પર ચુંદડીવાળા માતાજી દેવલોક પામ્યાની અફવા ફેલાઇ હતી. પરંતુ તેઓએ ગત મોડી રાત્રે બનાસકાંઠાના ચરાડા ખાતે દેહત્યાગ કર્યો છે.

મૂળ ચરાડા ગામના વતની પ્રહલાદભાઇ જાની ચુંદડીવાળા માતાજી તરીકે સમગ્ર દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. તેઓએ છેલ્લા ૭૬ વર્ષથી કંઇ ખાધુ કે પીધું ન હતું. આજ કારણથી સમગ્ર દેશના ડોકટરો અને વૈજ્ઞાનિકો પણ હેરાન હતા. ચુંદડીવાળા માતાજીની વેશ ભુષાથી જાણવા મળે છે કે તે એક સંન્યાસી હતા. સફેદ દાઢી, નાકમાં નથણી અને લાલ કપડામાં સજજ ચુંદડીવાળા માતાજીનો પહેરવેશ હતો. ચુંદડીવાળા માતાજીને પુજવાથી બધા દુ:ખો દૂર થાય છે તેવી લોકોમાં માન્યતા છે.

Loading...