Abtak Media Google News

અવારનવાર વર્તમાનપત્રો, ટીવી અને સોશ્યલમીડિયા મારફત હેકિંગ અને ફ્રોડના  કિસ્સાઓ  સામે આવી રહ્યા છે. દિનપ્રતિદિન હેકિંગ દ્વારા લૂંટના બનાવો વધી રહ્યા છે ત્યારે હેકિંગ એ ડિજિટલ યુગનું સૌથી મોટું નકારાત્મક પાસું કહી શકાય.

ડિજિટલ યુગનો જન્મ ન હતો એ સમયે માણસનો શારીરિક શ્રમ વધુ હતો. નાના-મોટા દરેક કામો માણસ જાતે જે-તે સ્થળે જઈને કરતો. જેમકે, લાઇટબીલ, મકાનવેરો અને બેંકની લેવડદેવડના વહીવટો. આ તમામ કર્યો પાછળ શારીરિક શક્તિ અને સમય બન્નેનો આમતો બિનજરૂરી વેડફાટ થતો. કલાકો લાઈનમાં ઉભા રહીને આ તમામ વહીવટો પતાવવા માટે દરેક ઘરમાં એક સભ્ય તદ્દન ફાજલ હોવો જરૂરી હતો.

પરંતુ બદલાતા સમય અને ટેકનોલોજીના વિકાસ સાથે આ બધાજ કર્યો એકદમ સરળ બન્યા. એતો સ્વીકારવું જ પડે કે ટેકનોલોજીના વિકાસ સાથે માણસના સમય,શક્તિ અને બધુંજ સચવાયું છે. ટેકનોલોજીએ દુનિયા બહુ નાની કરી નાખી. આજે દેશ-વિદેશના અંતરો માત્ર એક ક્લિક જેટલા જ દૂર છે. આ ટેકનોલોજી ક્યાંકને ક્યાંક દેશના વિકાસમાં ઉપયોગી થઈ છે. સાથે સાથે સોશ્યલમીડિયાની એક નવી દુનિયાએ જન્મ લીધો. વોટ્સએપ અને ફેસબુક જેવા માધ્યમોથી દેશ-વિદેશના લોકો વચ્ચે કનેક્ટિવિટી વધી.

ધીમેધીમે સરકારની નવી નીતિઓ અને નવા નિયમો મુજબ ’કેશલેશ ઇન્ડિયા’ અને ’ડિજિટલ ઇન્ડિયા’નો યુગ શરૂ થયો. આ નિયમો મુજબ દરેક નાણાકીય લેવડદેવડ ઈન્ટરનેટ દ્વારા જ કરવાની  વાતનો પ્રચાર થયો. લગભગ તમામ નાણાકીય વહીવટ માટે અલગ અલગ ઘણાં ઓપ્શન છે કે જેના દ્વારા હાથ પર રોકડ રાખ્યા વગર સીધાજ બેન્કમાંથી ટ્રાન્સફર કરી શકાય. બેંક માંથી નાણાં ઉપાડવાથી લઈને તમામ બિલો ભરવાનું પણ હવે એક જ ક્લિકથી શક્ય બન્યું છે. ડિજિટલ યુગની આ સૌથી મોટી સિદ્ધિ કહી શકાય.

ઈન્ટરનેટના ઉપયોગ સાથે જ એના દ્વારા ઉભી થનારી મુશ્કેલીના નિવારણ માટેનો અભ્યાસ પણ શરૂ થયો અને આમ  શરૂ થયું  હેકિંગ. હેકિંગ વિશે એક એવી માન્યતા છે કે હેકર્સ માત્ર આ અભ્યાસનો દુરુપયોગ જ કરે છે. એ વાત હજી પણ ઘણા લોકો નથી જાણતા હોતા કે હેકર્સ પણ બે પ્રકારના હોય છે  જેમ કાળું અને ધોળું નાણું હોય છે એમ જ વ્હાઇટ કેપ અને બ્લેક કેપ એમ બે પ્રકારે હેકર્સ હોય છે.કોઈપણ કારણસર  સિક્યુરિટીમાં કોઈપણ સમસ્યા આવી અને કોઈ કારણસર આઈડી લોક થયું હોય અને ન ખુલે એવા સંજોગોમાં વ્હાઇટ કેપ એટલે કે એથિકલ હેકર આપણી પરવાનગીથી એ લોક ખોલી આપવાનું કામ કરે છે.

મોટી મોટી કંપનીઓ પોતાના ખાનગી ડેટા અને માહિતીને સિક્યોર રાખવા માટે આવા હેકર્સની મદદ લેતી હોય છે. ટૂંકમાં આ પ્રકારના હેકર્સ સારા હેતુથી કાયદેસર રીતે  માલિકની પરવાનગીથી હેકિંગ કરે છે. કોઈની ખાનગી માહિતીની ચોરી, ઇ-મેઈલ હેકિંગ, બેંક ફ્રોડ જેવા ગેરકાયદે ઉદ્દેશ પર પાડવાના ઈરાદાથી હેકિંગ કરનાર હેકર્સ બ્લેક કેપ હેકર્સથી ઓળખાય છે.

મનોરંજનથી લઈને બ્લેકમેઇલિંગ અને ઉચાપત સહિતની પ્રવૃત્તિથી હેકિંગ કરનાર ભેજાબાજોની સંખ્યા નાનીસૂની નથી. એક તરફ મોટાભાગની આર્થિક લેવડદેવડ  માટે નેટ બેન્કિંગનો ઉપયોગ કરવાની હિમાયત થઈ રહી છે ત્યારે બીજી તરફ આ પ્રકારે છેતરપિંડી દ્વારા લાખોની રકમની ઉચપતના સમાચારે લોકોને ભયભીત કરી દીધા છે. માણસ એટીએમ કે કાર્ડ સ્વાઇપનાં નામથી એક પ્રકારનો ડર અનુભવે છે. ક્યારે અને કઈ રીતે કાર્ડ હેક થશે અને  પૈસા ઉપડી જશે એ ડરથી નેટ બેંકિંગ ને પૂરતો પ્રતિસાદ નથી સાંપડી રહ્યો.

ઈન્ટરનેટ આધારિત બેન્કિંગની વ્યવસ્થામાં અલગ અલગ કડી છે  ક્યાંય કોઈ ચૂક રહી જાય ત્યારે જ હેકિંગનો શિકાર બની જવાતું હોય છે. આપણાં મોબાઈલ કે પીસી માંથી બેન્કિંગને લગતી એપ માંથી આપણે તમામ બેંકિંગના કામકાજ કરી શકીએ છીએ. આ એપ્લિકેશનમાં સિક્યોરિટીના ઑપ્શન તરીકે યુઝરનેમ,પાસવર્ડ અને ઓટીપીની  બાબતમાં સંભાળ એ જ મુખ્ય વાત છે. થોડી જાણકારી અને થોડી સંભાળથી હેકિંગ દ્વારા નાણાંની ઉચાપત રોકી શકાય છે. જો કે હેકર્સ પણ બેન્કિંગ જેવી જ ખોટી અને બનાવતી વેબસાઇટ્સ બનાવી મેઈલ મોકલી એ દ્વારા  તમામ માહિતી મેળવવા માં ક્યારેક કામિયાબ થઈ જતા હોય છે.

કેટલાક હેકર્સ  આપણી  અને બેન્ક વચ્ચે થતું કોમ્યુનિકેશન આંતરી લઈને પણ માહિતી મેળવી લેતા હોય છે.  કેટલાક હેકર્સ બેન્કિંગ જેવી જ અલગ અલગ એપ પણ તૈયાર કરતા હોય છે. આ સિવાય હવે હેકર્સ વધુ જોખમી એપ પણ તૈયાર કરતા થયા છે. આ બધું જોતા નેટ બેન્કિંગ એ જોખમી જણાય છે પરંતુ મજબૂત પાસવર્ડ અને થોડી સાવચેતી જેવી કે,  બેન્કિંગ ને લગતી એપ્લીકેશનના ઉપયોગ માટે એકજ નેટવર્કનો ઉપયોગ કરવો. જાહેર સ્થળોએ બેન્કિંગ એપ ની જરૂર પડે તો ત્યાંના વાઈફાઈનો કે અન્ય વ્યક્તિના મોબાઈલ ડેટાનો ઉપયોગ ન કરવાથી આ જોખમ ટાળી શકાય છે.

આતો વાત થઈ હેકિંગ વિશેની અને હેકર્સની કરામતની પરંતુ હેકર્સ પણ સમાજની જ કોઈ વ્યક્તિ છે. હેકિંગના અભ્યાસ દ્વારા કાયદેસર રીતે ઉપયોગ કરી લોકોને પડતી મુશ્કેલીઓ માં મદદરૂપ થનાર હેકર્સ તો ઈન્ટરનેટ યુગમાં અનિવાર્ય જ છે પરંતુ હેકિંગ દ્વારા ગેરમાર્ગે દોરાઈને ખોટી પ્રવૃત્તિએ ચડી ગયેલા યુવાનો દેશ માટે જોખમ સમાન છે. બાળક થોડું સમજણું થાય ત્યારથી એના મિત્રો, એની પ્રવૃત્તિ અને એના મોબાઈલ વપરાશ પર સતત નજર રાખી જાણકારી મેળવતા રહેવાની માતાપિતાની ફરજ છે.

આજની દેખાદેખી અને મોજમજાથી  ભરપૂર લાઈફસ્ટાઈલમાં ઘણી વખત બાળકોની ઉંચી માગણી માતાપિતા પુરી ન કરી શકતા હોવાના કારણે ,ખોટી સંગતના કારણે કે પછી કુતૂહલવશ બાળકો મોબાઈલ પર સર્ચ કરીને હેકિંગ ટ્રિક શીખતાં હોય છે. જેમજેમ સફળતા મળતી જાય એમ એમ એનો નશો ચડતો જાય છે અને માત્ર મનોરંજન ખાતર આદરેલી આ પ્રવૃત્તિમાં કમાણીનો સ્કોપ દેખાયા પછી બાળક સારાસારનું ભાન ભૂલી હેકિંગના રવાડે ચડી જાય છે. હેકિંગ દ્વારા સીધી રીતે ન કમાઈ શકવા પછી આઈડી હેક દ્વારા બ્લેકમેઇલિંગ જેવા હથિયારો અપનાવીને પણ આ પ્રકારે કમાઈ ખાવાનું વ્યસન થઈ જાય છે.

હેકિંગનું નોલેજ  એ આ યુગની પાયાની જરૂરિયાત છે જ પરંતુ જ્યારે એ કોઈને ફસાવવા કે છેતરવા માટે વપરાય છે ત્યારે લોકોનો ભરોસો  ઈન્ટરનેટ પરથીજ ઉઠી જાય છે. હેકિંગ વિશે સાચી સમજણ ફેલાવી, જૂઠ અને છેતરપિંડી ધ્યાને ચડે તો એને ખુલ્લી પાડી ગેરરીતિ અને બદીઓથી સમાજને બચાવવામાં આપણે પણ આપણું યથાશક્તિ યોગદાન આપીએ.

મિરર ઇફેક્ટ :

નેટ બેન્કિંગ દ્વારા ’કેશલેશ ઇન્ડિયા’નું મિશન પાર પાડવામાં અવરોધરૂપ ગેરકાયદે હેકિંગ ખરેખર ઇન્ડિયાને ’કેશલેશ’ કરશે??

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.