Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં લેવાયો નિર્ણય

રાજય સરકાર દ્વારા ગૃહવિભાગ હસ્તકની લોકરક્ષક દળ (એલ.આર.ડી.)ની ભરતીમાં આદિવાસીઓના જાતિ પ્રમાણપત્ર અંગે ઉભા થયેલા પ્રશ્નો સંદર્ભે આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે એલ.આર.ડી.ની ભરતીમાં એકપણ ઉમેદવારનું એલ.આર.ડી. કેસમાં જઝ માટેનું ખોટું પ્રમાણપત્ર ચલાવી લેવામાં આવશે નહી અને આ અંગે જો કોઇને પણ વાંધો હોય તો તે તમામ વ્યકિતઓ સાથે રાજય સરકાર ખુલ્લા મને ચર્ચા કરવા તત્પર છે. તેમ આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું.

મંત્રી વસાવાએ ઉમેર્યુ કે, ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર આદિવાસીઓના હિતોના રક્ષણ માટે સતત ચિંતિત છે, ત્યારે આજરોજ મળેલ  કેબિનેટની બેઠકમાં ખોટા આદિવાસીઓ સામે કડક કાર્યવાહી કરીને એક પણ ખોટા આદિવાસીના જાતિ પ્રમાણપત્ર માન્ય નહી કરવાનો નિર્ણય રાજય સરકાર દ્વારા કરવામાં આવેલ છે અને મુખ્ય સચિવને આ અંગે મુખ્યમંત્રી દ્વારા સુચનાઓ આપી દેવાયેલ છે.

તેમણે ઉમેર્યુ કે, ગુજરાત રાજયમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે વર્ષોથી કોગ્રેસની સરકારો વખતે અપાતા અનુસુચિત જનજાતિના ખોટા પ્રમાણપત્ર આપવાનું અને ખોટા લાભ લેવાનું બંધ કરાવ્યું જે આદિવાસી સમાજના અધિકારોના રક્ષણ માટેની મોટી ઘટના સમાન છે. કોંગ્રેસની સરકારના ખોટા નિર્ણયોના કારણે આજે આદિવાસી સમાજની જાતિઓ વચ્ચે વિવાદ ઉભો થયો છે, આ માટે કોંગ્રેસ ભાગલા પાડો અને રાજ કરોની વોટ બેંકની રાજનીતિ કરી રહી છે ત્યારે કોંગ્રેસ બે મોઢાની વાતો કરીને આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહી છે, તે બંધ કરવું જોઇએ.

મંત્રીએ ઉમેર્યુ કે, અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કમિશનના વર્ષ ૧૯૫૫ (પાંચમાં રીપોર્ટમાં) માલધારીના જે કુટુંબો અનુસૂચિત જનજાતિમાં સમાવવાની ભલામણ મુજબ ભારત સરકારના ગૃહ મંત્રાલયનાં તા.૨૯/૧૦/૧૯૫૬ના જાહેરનામાનાથી ગીર, બરડા અને આલેચના જંગલ વિસ્તારમાં આવેલા નેસોમાં વસવાટ કરતા રબારી, ભરવાડ અને ચારણને અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર મળવાપાત્ર છે. આમ, ગીર, બરડા, આલેચના જંગલ વિસ્તારમાં આવેલી નેસમાં વસવાટ કરતાં રબારી, ભરવાડ અને ચારણ જાતિનો અનુસૂચિત જનજાતિની યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે.

વસાવાએ ઉમેર્યુ કે, ગુજરાતના કેટલાક ભાગોમાં બનેલ ખોટા જાતિના દાખલાઓ અંગેની ધટનાઓ સરકારના ધ્યાને આવેલ, જાતિના ખોટા પ્રમાણપત્રને આધારે અનામત પ્રથાનો લાભ લેનારાઓ સાચા લોકોના બંધારણીય અધિકારો પર તરાપ મારતા હતા. જેથી સાચા લોકોના બંધારણીય અધિકારોનું રક્ષણ કરવાના ઉમદા હેતુથી ભાજપાની સરકાર અનુસૂચિત જાતિ, આદિજાતિ અને અન્ય પછાત વર્ગ (જાતિ પ્રમાણપત્ર કાઢી આપવાનું અને તેની ખરાઇ કરવાનું નિયમન કરવા) બાબત વિધેયક-૨૦૧૮ (સને ૨૦૧૮નું ગુજરાત વિધેયક ક્રમાંક:ર૪) વિધાનસભામાં તા.૨૮-૦૩-૨૦૧૮ના રોજ પસાર કરવામાં આવેલ. જેને મહામહીમ રાષ્ટ્રપતિ દ્વારા તા.૦૫-૧૦-૨૦૧૮ના રોજ મંજુરી આપતાં તે કાયદો બનેલ છે જે હાલમાં લાગુ થયેલ છે. આ કાયદો બનાવીને આદિવાસી સમાજના હકક અને બંધારણીય અધિકારોનું રક્ષણ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની વિજયભાઇ રૂપાણીની આગેવાનીમાં ભાજપ સરકારે કર્યું છે.

રબારી સમાજ અને આદિવાસી સમાજની રજુઆતો અંગે રાજય સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર આપવા બાબતે સમય-સમય પરની ભારત સરકારની સુચનાઓ, નામદાર સુપ્રિમ કોર્ટ અને નામદાર હાઇકોર્ટના ચુકાદાઓ મુજબ સાચા આદિવાસીઓને અન્યાય ન થાય અને ખોટા વ્યકિતઓ લાભ લઇ ન  જાય તે અંગેનો નિર્ણય કરવા માટે રાજય સરકાર કટીબધ્ધ છે. ત્યારે કોંગ્રેસ આ મુદ્દો આદિવાસી વિસ્તારોમાં ચલાવી ભોળી પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે. પોતે જ કરેલા પાપોને કોંગ્રેસ છુપાવીને પ્રજાને ગેરમાર્ગે દોરવામાં કોગ્રેસ કયારેય સફળ નહી થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.