Abtak Media Google News

લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનને હવે થોડા દિવસો જ બાકી છે ત્યારે ફેસબુકે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા 687 પેજ તેમના પ્લેટફર્મ પરથી હટાવી દીધા છે. સોમવારે સોશિયલ મીડિયા કંપનીએ કહ્યું કે, અપ્રમાણિક વ્યવહારના કારણે દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી સાથે જોડાયેલા પેજને હટાવવામાં આવ્યા છે. ફેસબુકે આ પ્રમાણે કોઈ મુખ્ય વિપક્ષી પાર્ટીના પેજ હટાવવાનું કામ પહેલીવાર કર્યું છે. ફેસબુકે સ્પષ્ટ કર્યું છે કે, આ પેજ પર પ્રકાશિત કરવામાં આવેલી માહિતીની જગ્યાએ તેના અપ્રમાણિક વ્યવહારના કારણે આ પેજ હટાવવામાં આવ્યા છે.

ભારતમાં દુનિયાના સૌથી વધારે 30 કરોડ ફેસબુક યુઝર્સ છે. ફેસબુકે કહ્યું કે, તેમણે તેમની તપાસમાં જાણ્યું કે, લોકોએ ફેક એકાઉન્ટસ બનાવ્યા છે અને અલગ અલગ ગ્રૂપ્સ સાથે જોડાઈને કન્ટેન્ટ ફેલાવી છે અને આ રીતે લોકોની વચ્ચે સંપર્ક વધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ફેસબુકે કહ્યું કે, આ ફેક પેજમાં લોકલ ન્યૂઝ સિવાય બીજેપી અને પીએમ નરેન્દ્ર મોદીની નિંદા પણ કરવામાં આવી છે.

 ફેસબુકના સાઈબર સિક્યોરિટી પોલિસીના હેડ નાથનેલ ગ્લેચિયરે કહ્યું કે, લોકોએ તેમની ઓળખ છુપાવીને આ કામ કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ અમે અમારી તપાસમાં જોયુ છે કે, આ પ્રમાણેના ફેસબુક પેજ કોંગ્રેસની આઈટી સેલના લોકો સાથે જોડાયેલા હતા. તેમણે કહ્યું કે, આ એકાઉન્ટ્સને તેમની કન્ટેન્ટના કારણે નહીં પરંતુ અપ્રમાણિક વ્યવહારના કારણે હટાવવામાં આવ્યા છે.

ભારતમાં 11 એપ્રિલથી 19 મે સુધી 7 તબક્કામાં લોકસભા ચૂંટણીમાટે મતદાન થવાનું છે અને 23 મેના રોજ પરિણામ આવશે. ફેસબુકે હટાવવામાં આવેલા બે પેજના સેમ્પલ પણ આપ્યા છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદીના પ્રયત્નોની નિંદા પણ કરવામાં આવી છે અને કોંગ્રેસ અને તેમના અધ્યક્ષ રાહુલ ગાંધીને સમર્થન કરવાની અપીલ પણ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.