Abtak Media Google News

વોર્ડ નં.૧, ૯ અને ૧૦માં વિતરણ પાંચ કલાક મોડુ: ગૃહિણીઓમાં દેકારો

એક ઝોનમાંથી બીજા ઝોનમાં પાણી શીફટીંગ કરતી મહાપાલિકાની મહત્વકાંક્ષી એકસપ્રેસ ફિડર લાઈન યોજના જોઈ એવું પરિણામ આપતી ન હોય તેવું લાગી રહ્યું છે. સપ્તાહમાં બીજી વખત એકસપ્રેસ ફિડર લાઈનમાં ભંગાણ સર્જાવાનાં કારણે આજે ન્યુ રાજકોટમાં ત્રણ વોર્ડમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જવા પામી હતી. વોર્ડ નં.૧, ૯ અને ૧૦માં નિર્ધારીત સમય કરતા પાંચ કલાક મોડુ પાણી વિતરણ કરવામાં આવતા જબરો દેકારો બોલી ગયો હતો. બેડી પાસે નર્મદાલાઈનનું મેઈનટેન્સની કામગીરી ચાલતી હોય રૈયાધાર ખાતે નર્મદાનું પાણી પણ ઓછુ મળી રહ્યું છે.

આ અંગે મહાપાલિકાનાં ઈજનેરી સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ન્યારી-૧ ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાનટ તરફ જતી ૯૦૦ ડાયા મીટરની એકસપ્રેસ ફિડર લાઈનમાં આજે સવારે પ્રેશરનાં કારણે ભંગાણ સર્જાર્યું હતું જેના કારણે રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ આધારીત વોર્ડ નં.૧, ૯ અને ૧૦માં સવારે ૧૦ વાગ્યા પછી તે વિસ્તારોમાં પાણી આપવામાં આવે છે ત્યાં નિર્ધારીત સમય કરતા પાંચ કલાક મોડુ પાણી વિતરણ કરવામાં આવશે. તાત્કાલિક રીપેરીંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

વોર્ડ નં.૧માં ઉદયનગર, મારવાડ વિસ્તાર, રૈયા ગામ, ૧૦૦ વારીયા પ્લોટ, તુલસી બંગલો, ધરમનગર, ધર્મરાજ પાર્ક, વોર્ડ નં.૯નાં કૈલાસ પાર્ક, વિતરાગ સોસાયટી, રૈયા રોડ આખો, ૧૫૦ ફુટ રીંગ રોડને લાગુ વિસ્તાર, ગુણાતીક નગર, શાંતી નિકેતન પાર્ક, શિવપરા અને ભીડભંજન સોસાયટી જયારે વોર્ડ નં.૧૦નાં તિરૂપતિનગર, શિવશકિત કોલોની, આલાપ એવન્યુ ભાગ-૩, શિલ્પન બંગલો, જલારામ-૨ સહિતનાં વિસ્તારોમાં અંદાજે ૫ કલાક પાણી વિતરણ મોડુ કરવાની ફરજ પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પણ શહેરનાં અલગ-અલગ પાંચ વોર્ડમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું હતું. છેલ્લા એક સપ્તાહની જાણે શહેરમાં પાણી કાપોત્સવ ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.