ગરીબોની ‘કસ્તુરી’ના ભાવને કાબુમાં રાખવા નિકાસ અટકાવાઈ

મહારાષ્ટ્ર સહિત દક્ષિણના રાજ્યોમાં વરસાદને કારણે ડુંગળીના પાકને ભારે નુકસાની

ચાલુ વર્ષે વરસાદ ખુબ સારો રહ્યો હોવાથી લોકોમાં હર્ષનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ ભારે વરસાદને કારણે ગરીબોની કસ્તુરી સમાન ડુંગળીના પાકને માઠી અસર પહોંચી છે. ડુંગળીનો જે પાક ખેતરમાં તૈયાર થયેલો હતો તે પાકને ભારે નુકશાની સર્જાતા ફરી એકવાર ડુંગળીના ભાવ આસમાને પહોંચવાના આરે આવ્યા છે. તેવા સંજોગોમાં સરકાર દ્વારા ડુંગળીની નિકાસને અટકાવવાનો નિર્ણય કરાયો છે.

ભારે વરસાદને કારણે અનેકવિધ રાજ્યોમાં ડુંગળીના પાકને ભારે નુકશાની સર્જાઈ હોવાથી ડુંગળીના ભાવ ફરીવાર આસમાને પહોંચવાના આરે હતા. પાકને થયેલ નુકશાનીના કારણે ડુંગળીમાં ભાવ વધારાની શરૂઆત પણ થઈ ચૂકી હતી. રાજ્યના એપીએમસીમાં પણ આ તંગી વર્તાઈ રહી છે. ભારે વરસાદના પગલે ખેતરમાં તૈયાર થયેલો પાક પણ બગડ્યો હોય તેવા અહેવાલ સામે આવી રહ્યાં છે. જેના કારણે જગતના તાતને ભારે નુકશાની પણ સર્જાઈ છે. ભારે વરસાદથી નવો પાક બળી ગયો છે. જેથી દોઢ મહિના પહેલા જે ભાવ હતો તેનાથી હાલના ભાવમાં ઘણો મોટો વધારો જોવા મળી રહ્યો છે. ગયા વર્ષે બધા રાજ્યમાં પુષ્કળ વરસાદને લીધે ડુંગળીનો પાક નાશ પામતા રૂા.૧૫૦૦ થી ૨૨૦૦ સુધી ભાવ પહોંચ્યો હતો. હાલના સમયમાં પ્રાપ્ત વિગત અનુસાર દરરોજ ૨૫૦૦ થી ૩૦૦૦ કટ્ટાની આવક થઈ રહી છે. જો નવો માલ ઉત્પન્ન થઈ બજારમાં આવે તો હકારાત્મક અભિગમ આવવાની શકયતા છે. અન્યથા જો પાકને વરસાદની આડઅસર થાય તો ભાવમાં વધુ ઉછાળો નોંધાવાની શકયતા સેવાઈ રહી છે. આશરે ૧ મહિના અગાઉની જો વાત કરવામાં આવે તો ડુંગળીના ભાવ પ્રતિકીલો રૂા.૧૫ થી ૨૦ની કિંમતે રિટેલ બજારમાં ઉપલબ્ધ હતી. પરંતુ હાલ પ્રતિ કિલો ભાવ રૂા.૫૦ થી ૭૦ સુધી પહોંચવા પામ્યા છે. જેને ધ્યાને રાખી નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

વધતા ભાવને કાબુમાં રાખવા કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. નિકાસની જો વાત કરવામાં આવે તો પ્રાપ્ત આંકડા મુજબ ગત વર્ષે રૂા.૪૪ કરોડની કિંમતની ડુંગળી નિકાસ થઈ હતી. યુએઈ, શ્રીલંકા, બાંગ્લાદેશ સહિતના દેશોમાં ભારતથી ડુંગળીની નિકાસ કરવામાં આવે છે. પરંતુ પરિસ્થિતિ નબળી બનતા વધતા ભાવને નિયંત્રણમાં રાખવા હાલ આ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય બાબત છે કે, મહારાષ્ટ્ર સહિત દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદના પરિણામે ડુંગળીના પાકમાં ખુબ મોટુ નુકશાન જોવા મળી રહ્યું છે. જેથી આશરે ૨ મહિના સુધી નવા પાકની આવક થવી અશકય બન્યું છે. મહત્વપૂર્ણ બાબત છે કે, ભારત એ સમગ્ર વિશ્વમાં સૌથી મોટો નિકાસકાર દેશ છે. બાંગ્લાદેશ, નેપાળ, મલેશીયા, શ્રીલંકા, યુએઈ સહિતના દેશોમાં ભારત નિકાસ કરતું આવ્યું છે. પરંતુ મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોમાં ઉનાળુ પાક સ્વરૂપે લેવાયેલ ડુંગળીને ભારે વરસાદના અસર થતાં  હાલ ભાવમાં ગગનચૂંબી વધારો થવાની શકયતાઓ પ્રબળ બની છે.

ડુંગળીની પરિસ્થિતિ અંગે મુંબઈ સ્થિત નિકાસકાર એસો.ના પ્રમુખ અજીત શાહે કહ્યું હતું કે, ભારે વરસાદના કારણે દક્ષિણના રાજ્યો જેવા કે, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ઉનાળુ પાક સ્વરૂપે જે ડુંગળીનું વાવેતર થયું હતું. તેમાં ખુબ મોટી નુકશાની સર્જાઈ છે. તે ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ વરસાદન કારણે  પાકને નુકશાની સર્જાતા ઉનાળુ પાક બજારમાં આવતા લાંબો સમય લાગી શકે છે. જેથી ભાવ આસમાને પહોંચવાની શકયતા હતા. જેથી તેને ધ્યાનમાં રાખીને જ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જે નિર્ણય હાલ આવકારદાયક છે.

Loading...