Abtak Media Google News

રહેણાંક મિલકતમાં પ્રતિ ચોરસ મીટર રૂ.૧૧ને બદલે રૂ.૧૦ અને કોમર્શીયલ મિલકતમાં પ્રતિ ચોરસ મીટર રૂ.૨૨ને બદલે રૂ.૨૦નો દર નકકી કરાય તેવી સંભાવના

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી ૧લી એપ્રિલથી કારપેટ એરીયા આધારીત મિલકત વેરા પઘ્ધતિની અમલવારી કરવામાં આવનાર છે. આ માટે મ્યુનિ.કમિશનરે રહેણાંક અને વાણિજય હેતુની મિલકતો માટે સુચવેલા દર ફાઈનલ કરવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મોકલી હતી જે સ્ટેન્ડિંગે પેન્ડીંગ રાખી છે. દરમિયાન કમિશનરે સુચવેલા દરમાં ૧૦ ટકા સુધીનો ઘટાડો કરવા શાસકોએ કસરત આરંભી દીધી છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કારપેટ એરીયા આધારીત મિલકત વેરાની આકારણીની પઘ્ધતિમાં મ્યુનિ.કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ જે દરખાસ્ત મોકલવામાં આવી હતી તે રહેણાંક હેતુ માટેનો મિલકત વેરાનો દર પ્રતિ ચોરસ મીટર રૂ.૧૧ અને વાણીજય હેતુ માટેની મિલકતમાં વેરાનો દર પ્રતિ ચોરસ મીટર રૂ.૨૨ રાખવા દરખાસ્ત કરવામાં આવી હતી. અમદાવાદ, સુરત અને બરોડાએ જયારે કારપેટ એરીયાની અમલવારી કરી ત્યારે આ દરથી શ‚આત કરી હતી. સરકારના નિયમાનુસાર કારપેટ એરીયામાં રહેણાંક હેતુ માટેનો દર રૂ.૧૦ થી રૂ.૪૦ સુધી નિયત કરવામાં આવ્યો છે અને વાણીજય હેતુ માટેની મિલકતમાં રૂ.૨૦ થી ૮૦ સુધીનો દર નકકી કરાયો છે. આ સ્લેબથી કોઈપણ નાની સ્વરાજયની સંસ્થા ઓછો કે વધારે દર વસુલી શકે તેમ નથી. કમિશનરે સુચવેલા દરમાં ઘટાડો કરવામાં આવે તો મહાપાલિકાની આવક પર શું અસર થાય તે સહિતના અભ્યાસ માટે સ્ટેન્ડિંગમાં દરખાસ્ત પેન્ડીંગ રાખી છે.

દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ હાલ અલગ-અલગ દર અને તેનાથી થનારી સુચિત આવક પર વિસ્તૃત અભ્યાસ કરી રહ્યા છે. હાલ જે દર સુચવવામાં આવ્યો છે તે મંજુર કરવામાં આવે ત્યારે માંડ મહાપાલિકાની ટેકસ આવક રૂ.૨૩૦ કરોડે પહોંચી શકે તેમ છે.

આકારણી દરમિયાન વધારાની મળી આવેલી મિલકતોની આવક ઉમેરવામાં આવે તો આ આંક ૨૪૦ થી ૨૪૫ કરોડ સુધી પહોંચી શકે તેમ છે. જો સુચિત દરમાં ૧૦ ટકાનો ઘટાડો કરવામાં આવશે તો ટેકસની આવકમાં પણ સીધો જ ૧૦ ટકાનો ઘટાડો નોંધાય તેવી દહેશત જણાઈ રહી છે. બીજી તરફ હાલ એવો પણ અભ્યાસ થઈ રહ્યો છે કે જે દર સુચવવામાં આવ્યા છે તેમાં સીધો ૧૦ ટકાનો ઘટાડો કરવાના બદલે ૫ ટકા સુધીનો ઘટાડો કરી શકાય તો આવકમાં કેટલો ફેર પડે ? એવી પણ ચર્ચા ચાલી રહી છે કે કારપેટ એરીયા આધારીત મિલકત વેરાની આકારણીની પઘ્ધતિમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રહેણાંક હેતુ માટેની મિલકતનો દર પ્રતિ ચોરસ મીટર રૂ.૧૦.૫૦ અને વાણિજય હેતુ માટેની મિલકતનો દર પ્રતિ ચોરસ મીટર રૂ.૨૧ રાખવામાં આવે તેવી સંભાવના જણાઈ રહી છે. ચાલુ નાણાકીય વર્ષમાં ટેકસ બ્રાંચનેરૂ.૨૫૦ કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આજ સુધીમાં ૧૭૮ કરોડની વસુલાત થઈ છે.

ચાલુ વર્ષે ટેકસ બ્રાંચ ટાર્ગેટ પુરો કરી શકે તેવી સંભાવના ખુબ જ ઓછી છે. બીજી તરફ નવા નાણાકીય વર્ષથી કારપેટ એરીયાની અમલવારીના કારણે પણ પ્રથમ વર્ષે આવકમાં ઘટાડાે નોંધાય તેવી સંભાવના જણાઈ રહી છે. જો સ્ટેન્ડિંગ સુચિત દરમાં ૧૦ ટકાનો ઘટાડો કરશે તો મહાપાલિકાની આર્થિક સ્થિતિ વધુ કંગાળ બની જવાની ભીતિ પણ વર્તાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.