Abtak Media Google News

જામનગર વકીલ મંડળમાં સર્જાયેલો ગજગ્રાહ ચરમસીમાએ પહોંચ્યો છે. અગાઉ ખજાનચીને બરખાસ્ત કરવાનો કારોબારી સમિતિએ ઠરાવ કર્યા પછી આખી કારોબારીને જ પ્રમુખે બરખાસ્ત કરી નાખતા ચર્ચા જાગી હતી. તે પછી ગઈકાલે કારોબારી સમિતિની બેઠકમાં વર્તમાન પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજુ થતાં ચકચાર જાગી છે. આ દરખાસ્ત ગુજરાત બાર કાઉન્સીલ સમક્ષ રજુ કરતા હવે દડો રાજ્યની બાર કાઉન્સીલની કોર્ટમાં છે.

જામનગરના વકીલ મંડળમાં થોડા દિવસોથી ભારે તરખાટ મચ્યો છે. ગયા સપ્તાહે વકીલ મંડળની કારોબારી સમિતિની મળેલી બેઠકમાં પ્રમુખ ભરતભાઈ એસ. સુવા તથા ઉપપ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા ગેરહાજર હતાં ત્યારે કારોબારી સમિતિએ વકીલ મંડળના ખજાનચીને બરખાસ્ત કરવાનો ઠરાવ કર્યા પછી બીજા જ દિવસે પ્રમુખ, ઉપપ્રમુખ વિગેરે હોદ્દેદારોની ઉપસ્થિતિમાં મળેલી મંડળની બેઠકમાં કારોબારી સમિતિના અગિયારએ અગિયાર સદસ્યોને બરખાસ્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ વેળાએ કારોબારી સમિતિ મનસ્વી રીતે કાર્યવાહી કરતી હોવાનું પ્રમુખે જણાવ્યું હતું તેમજ તેના કારણે અને પ્રમુખ સહિતના હોદ્દેદારોને વિશ્વાસમાં લીધા વગર ખજાનચીને બરખાસ્ત કરવાનો ઠરાવ કરાયો હોવાનું તમામ કારોબારી સભ્યોને બરખાસ્ત કરાયા છે તેમ ઉમેર્યું હતું.

ત્યારપછી વકીલ મંડળની કારોબારી સમિતિએ ગઈકાલે બેઠક બોલાવી હતી જેમાં કારોબારી સભ્યો નરેન્દ્રસિંહ જે. સોઢા, અમિત જે. પરમાર, વનરાજ પી. મકવાણા, કિશોર બી. મકવાણા, ભરત એચ. જોશી, મનિષ સી. પંડ્યા, ઉમર એ. લાકડાવાલા, ધીરેન અંકલેશ્વરીયા, હિતેશ લાખાણી, હિતેન્દ્ર એન. ગોહિલ તથા ગીતાબેન ડી. નકુમે કારોબારી સમિતિના હોદ્દાની વિરૃધ્ધ પ્રમુખ ભરતભાઈ સુવા તથા ઉપપ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા સામેનો કોન્ફીડન્સ મોશન (અવિશ્વાસની દરખાસ્ત) રજુ કરતા જામનગર વકીલ મંડળનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે.

આજે વકીલ મંડળની કારોબારી સમિતિએ ’નોબત’ કાર્યાલયની રૃબરૃ મુલાકાત લીધી હતી. તેઓએ જણાવ્યા મુજબ પ્રમુખ-ઉપપ્રમુખે રાગદ્વેષ રાખી પોતાનો મલીન ઈરાદો સિદ્ધ કરવા કોઈપણને જાણ કર્યા વગર કોઈપણ કારોબારી સમિતિને બરખાસ્ત કરવાનો ઠરાવ ગુજરાત બાર કાઉન્સીલના નિયમ ૪૪ની વિરૃદ્ધનું કૃત્ય છે. તેથી તે ઠરાવ ગેરબંધારણીય હોવાની સાથે ગેરલાયક ઠરવાને પાત્ર છે. કારોબારીએ બાર કાઉન્સીલર ગુજરાતના હિતનું રક્ષણ કરવા માટે બેઠક યોજવા અને તેના અધ્યક્ષસ્થાને મંડળના પ્રમુખ મંત્રીને નિમંત્રીત કર્યા હોવા છતાં તેઓ જાણી જોઈને કોઈ બેઠકમાં ઉપસ્થિત રહ્યા નથી તેમજ પ્રમુખનો સમગ્ર વકીલ મંડળમાં ઉગ્ર દબદબો હોય હાલની કારોબારી તેમની વિરૃદ્ધ કોઈ પગલાં ભરે તો કારોબારી સભ્યોએ મોટી કિંમત ચૂકવવાની રહે તે હેતુથી ગઈકાલે સમિતિએ ચર્ચા કરી હતી.

ગુજરાત બાર કાઉન્સીલે અગાઉ કરેલા આદેશ મુજબ રાજ્યના તમામ વકીલ મંડળોમાં કારોબારી સમિતિ દ્વારા દેખરેખ રાખવા આવે તેવું જણાવ્યું હતું. પરંતુ જામનગર વકીલ મંડળમાં કારોબારી સમિતિ આ પ્રકારની કામગીરી કરે તો સમિતિ દ્વારા જણાવ્યા મુજબ તે કામગીરી પ્રમુખ અને ઉપપ્રમુખને હજમ થતી નથી. તેથી તેઓની સામે અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી છે અને તેની નકલ ગુજરાત બાર કાઉન્સીલ તેમજ કાઉન્સીલના સદસ્ય મનોજ અનડકટ, પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજને સુપ્રત કરવામાં આવી છે.

કારોબારી સમિતિના જણાવ્યા મુજબ અગાઉ એક બેઠકમાં કોઈ પ્રશ્ન વેળાએ કારોબારી સભ્યો અમિત જે. પરમાર સામે ઉગ્ર બની ગયેલા પ્રમુખે કોર્ટની બહાર નીકળ તેમ કહી ધમકી આપી હતી. આ વેળાએ મંડળના અન્ય સભ્યોએ મંડળની તેમજ પ્રમુખપદની ગરિમા જાળવી રાખવા માટે સમજાવટ કરી હતી. જે-તે વખતે મામલો થાળે પડ્યો હતો પરંતુ હવે વકીલ મંડળની કારોબારીને જાતે જ બરખાસ્ત કરવાની ગતિવિધિથી પ્રમુખ-ઉપપ્રમુખે મામલો સ્પષ્ટ કર્યો છે. વકીલ મંડળના એકઠા થયેલા અંદાજે રૃા. બાવીસેક લાખના ભંડોળનું સંચાલન હાલમાં પ્રમુખની સૂચના મુજબ થઈ રહ્યું છે ત્યારે પ્રમુખ-ઉપપ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત આગામી દિવસોમાં કેવા પડઘા પાડે છે તે જોવાનું રહ્યું. હાલમાં ઉપરોક્ત સમગ્ર મામલો ગુજરાત બાર કાઉન્સીલ સમક્ષ રજુ કરવામાં આવ્યો છે ત્યારે દડો તેઓની કોર્ટમાં પહોંચી જવાથી કયો ટર્ન આવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.