ન્યુઝ પેપર વાંચવું એ દરેકનો સ્વતંત્ર અધિકાર, કોઈ સંસ્થા કે સંગઠન તેના વિતરણમાં અવરોધ નાખી ન શકે

વારંવાર સંજોગોવસાત અને સુરક્ષાના ઓઠા હેઠળ અખબાર વિતરકોને વાંચક સુધી ‘છાપુ’ પહોંચાડવા માટે અવરોધ ઉભો કરનારાઓ ચેતી જાય…!

અખબાર વાંચવું એ નાગરિકોના મૌલિક અધિકારો પૈકીના મહત્વનો અધિકાર માનવામાં આવે છે. અખબાર દરેક વ્યક્તિને મેળવવું અને વાંચવું સ્વતંત્ર અધિકારનો એક ભાગ છે ત્યારે કોઈ સંસ્થા, સંગઠન કે વ્યક્તિ અખબારનું વિતરણ વાંચકના ઘર સુધી પહોંચતા અટકાવી ન શકે. કોરોના લોકડાઉન અને આંદોલન અને સમાજમાં આપતીજનક સંજોગોની સાથે સાથે સંચારબંધી જેવા સમયમાં કેટલીક જગ્યાએ અખબારોનું વિતરણ અટકાવી દેવાની પેરવી થવાના છુટાછવાયા બનાવો બન્યા હતા. અલબત આ અંગે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવેડકરે વિસ્તૃતપણે અખબાર વિતરણનું કાર્ય હરગીજપણે કોઈ અટકાવી ન શકે તેવું જણાવ્યું હતું.

માધ્યમના એક ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે, હું દરરોજના ૨૦ છાંપા વાંચુ છું, મને ક્યારેય અખબારો સાથે કોઈ સમસ્યા નથી થઈ, તેથી જો ગૃહ વિકાસ મંડળો જેવી સંસ્થાઓ અખબારોના વિતરણ કાર્યને અટકાવતી હોય તો તે સંપૂર્ણપણે અયોગ્ય અને અવેધ છે. આવી સંસ્થા અને લોકોને કોઈ અધિકાર નથી કે, તેઓ લોકોને પોતાના પસંદગીના અખબારો વાંચવા અને મેળવવામાં રોકી શકે. સામાજિક સંસ્થાઓના આગેવાનોની વિતરકોને રોકવાની સંપૂર્ણપણે ગેરકાનૂની ગણાય. અખબાર વિતરકોની ઘેર-ઘેર અખબારોનું વિતરણ કરવાની જે જવાબદારી સોંપવામાં આવી છે તેમાં નાગરિકોના અખબારો વાંચવાના મુળભૂત અધિકારોનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર સોસાયટી વેલફેર એસોશીએટ, મહાસેવા, ઉર્જા જેવી સંસ્થાઓ સામે અખબારોને ઘર સુધી પહોંચાડનાર વિતરકોને રોકવાની પેરવી સામે ફરિયાદો ઉઠી હતી. અખબાર વિતરક વ્યવસ્થા જીવન આવશ્યક ચીજવસ્તુઓ સાથે જોડીને તેને અવિરત ચાલુ રાખવા માટે પ્રકાશ ધારેકરે અવાજ ઉઠાવી વિતરકોને અટકાવવા ગેરકાનૂની ગણાવ્યા હતા.

દિલ્હીની ઉર્જા સંસ્થાએ પણ પોતાના પ્રમુખ અતુલ ગોયલના નામજોગ એક નિવેદન પ્રસિધ્ધ કરીને જણાવ્યું હતું કે, અખબારોનું વિતરણ અટકાવી ન શકાય. કાયદાવીદોએ પણ અખબારો મેળવવા દરેક નાગરિકનો બંધારણીય કલમ ૧૯/૧-અ અને ૧૯/૧-ગ ની જોગવાઈ હેઠળ દરેક નાગરિકોને છાંપા વાંચવા અને મેળવવાનો અધિકાર હોવાનું જણાવી વિતરકોને અટકાવી ન શકાય તેમ જણશવ્યું હતું. કેટલીક સંસ્થા, સોસાયટીઓ, એપાર્ટમેન્ટ અને ચોક્કસ વિસ્તારોના સંચાલકો સામાજિક સુરક્ષાના નામે વારંવાર અખબારના વિતરણ સામે પ્રશ્ર્નો ઉઠાવે છે ત્યારે માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવેડકરે તમામ હાઉસીંગ સોસાયટી અને સંસ્થાઓને અખબાર વિતરણ વ્યવસ્થા સામે ખલેલરૂપ ન થવા સ્પષ્ટ તાકીદ કરીને આવી પ્રવૃતિને ગેરકાનૂની ઠેરવી હતી.

Loading...