Abtak Media Google News

પોલ્કા ડોટની ફેશન ઈ. સ. ૧૯૨૬થી અમેરિકામાં શરૂ થઈ હતી. મિસ અમેરિકાનો ફોટો પોલ્કા ડોટ સ્વિમસૂટમાં પ્રકાશિત થયો હતો. ત્યાર બાદ ઈ. સ. ૧૯૨૮માં ડિઝનીએ મિની માઉસને લાલ પોલ્કા ડોટ ડ્રેસમાં મેચિંગ બો સાથે રજૂ કરી હતી. ઈ. સ. ૧૯૩૦ સુધીમાં અમેરિકાભરમાં પોલ્કા ડોટ્સના ડ્રેસ ફેશન-સ્ટોરમાં ઉપલબ્ધ થઈ ગયા હતા.

અમેરિકાની અતિ લોકપ્રિય અભિનેત્રી મેરિલિન મનરોએ તેની લોકપ્રિય તસવીરમાં પોલ્કા ડોટ ડ્રેસને વધારે ખ્યાતિ અપાવી દીધી હતી. પોલ્કા ડોટ બિકિનીએ એ સમયે ધૂમ મચાવી હતી અને આજે પણ ધૂમ મચાવે છે. ભારતીય ફેશનમાં પોલ્કા ડોટની વાત કરીએ તો સૌથી પહેલાં ફિલ્મ ‘બોબી’ની ડિમ્પલ કાપડિયાનું સફેદ પોલ્કા ડોટ શર્ટ યાદ આવે અને ત્યાર બાદ એ સમયની અભિનેત્રીઓના સ્કાર્ફ ધ્યાનમાં આવે.

પોલ્કા ડોટ આમ તો સેવન્ટીઝની ફેશન છે, પણ જ્યારે પહેરો ત્યારે એકદમ ફ્રેશ લુક આપે છે. કેઝ્યુઅલ, બીચવેઅર, પાર્ટી કે બર્થ-ડે પાર્ટીમાં પણ પહેરી શકો છો. જ્યારે પણ પોલ્કા ડોટ ડ્રેસિસનું નામ પડે એટલે સૌથી પહેલાં મિડી, ફ્રોક કે ડ્રેસ જ મગજમાં આવે. પોલ્કા ડોટ્સના ડ્રેસ સાથે ઍક્સેસરીઝથી તમે સારો લુક આપી શકો છો. એની સાથે ગ્લિટરવાળી જ્વેલરી વધારે સારી લાગશે. જ્વેલરી સિવાય મોટી બેગ્સથી તમે એકદમ સેવન્ટીઝનો લુક ધારણ કરી શકો છો.

ઉંમર મુજબ પોલ્કા ડોટ ડ્રેસ પસંદ કરો. કેવી રીતે કરશો તે જાણો. ત્રીસની આસપાસની ઉંમરની મહિલાઓ એકદમ સોફિસ્ટિકેટેડ લાગે એવો મીડિયમ સાઇઝનો પોલ્કા ડોટ પસંદ કરી શકે છે. એની સાથે એકદમ ઓછી જ્વેલરી વધુ સારી રહેશે. તમે હાથમાં એકદમ લાઇટ બ્રેસલેટ પણ પહેરી શકો છો. પોલ્કા ડોટ ડ્રેસ પોતે જ એક સ્ટેટમેન્ટ છે એટલે એની સાથે બાકીની મહેનત ઓછી કરવી પડે છે.

વીસની આસપાસની ઉંમરની યુવતીઓ પોલ્કા ડોટ શર્ટને શોર્ટ્સ સાથે પહેરી શકે છે. જોકે તેમના માટે તો બધા જ વિકલ્પો ખુલ્લા છે. એક વાર શ્રદ્ધા કપૂરે સફેદ પોલ્કા ડોટ શર્ટ સાથે બ્લુ ડેનિમ શોર્ટ્સ પહેયાર઼્ હતાં. વાળ એકદમ ખુલ્લા હતા અને શૂઝ સાથે લુકને ફાઇનલ ટચ આપ્યો હતો. એકદમ સિમ્પલ, પણ બહુ જ આકર્ષક લુક આવી રીતે મેળવી શકાય.

ચાળીસની આસપાસની અથવા ચાળીસથી ઓછી ઉંમરની મહિલાઓ પણ ડ્રેસ અથવા તો સાડી પસંદ કરી શકે છે. પોલ્કા ડોટ કોઈ મર્યાદિત ઉંમરના લોકો માટે નથી જ. એ કોઈ પણ પહેરી શકે છે અને આકર્ષક દેખાઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.