કૃષ્ણનગરી દ્વારકામાં પણ ભુમાફિયાઓનો ડોળો

જામનગર રોડ ઉપર હોસ્પિટલ, બહુમાળી સહિતના ગેરકાયદેસર બાંધકામો ખડકાતા મુખ્યમંત્રી સુધી રાવ પહોચી

કૃષ્ણનગરી દ્વારકામાં પણ ભુમાફીયાઓનો ડોળો જામ્યો છે. જામનગર રોડ ઉપર હોસ્પિટલ, બહુમાળી સહિતના ગેરકાયદેસર બાંધકામો ખડકાય ગયા છે. જેની રાવ છેક મુખ્યમંત્રી સુધી પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. દ્વારકા શહેરની મઘ્યમાં આવેલા અને ઓખા-જામનગર રોડ ઉપર વિશાળ હોસ્પિટલ તથા શોરૂમ સહીતના ગેરકાયદે મસમોટું દબાણ કર્યા અંગે જાગૃત નાગરીક દ્વારા રાજયના મુખ્યમંત્રી, રાજયપાલ સહીત ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે. પ્રાપ્ત વિગત અનુસાર દ્વારકાના જામનગર-ઓખા હાઇવે પર રામેશ્ર્વર મંદિર પાસેના વિસ્તારમાં રહેતા કિશોર નાથાલાલ બારાઇ નામના જાગૃક નાગરીકે પોતાના રહેણાંક મકાન પાસે કબીર આશ્રમ પાસે કરોડો રૂપિયાની જમીન પર અમુક શખ્સો દ્વારા ગેરકાયદેસર રીતે વિશાળ જમીન દબાવી હાઇરાઇઝ બાંધકામ કરી હોસ્પિટલ તેમજ શોરૂમ વિગેરે બનાવવા અંગે રાજયના રાજયપાલ આચાર્ય દેવદત્ત, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, જીલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના તેમજ સ્થાનીક નગરપાલિકા કચેરીના પ્રમુખ તથા ચીફ ઓફીસરને લેખીત રજુઆત કરી ગેરકાયદે દબાણને દુર કરવા કાર્યવાહી કરવાની રજુઆત કરાઇ છે. તેમના દ્વારા રજુ કરાયેલ ફરીયાદ મુજબ તેઓના રહેણાંકનું મકાન પાસેની જગ્યામાં અગાઉ સ્વ. ઉદમસીંગ લોહાનીવાલનું એક નાનું વર્કશોપ તથા રહેણાંક મકાન હતું જયાં અત્યારે દિપ હોસ્પિટલ નામની એક બહુમાળી બિલ્ડીંગ તથા એક મોટા શોરુમ કમ ઓફીસનું બાંધકામ થઇ ગયું છે. મોટાભાગનું બાંધકામ ગેરકાયદે દબાણ કરીને ઉભું કરવામાં આવેલ છે. જેના કારણે આસપાસમાં રહેતા લોકોને ખુબ અગવડતા ઉભી થાય છે. આ ગેરકાયદે બાંધકામનો વ્યાપ પણ ધીમે ધીમે વધતો જાય છે. પરંતુ દબાણકર્તા સુભાષસીંગ લોહાનીવાલ વગદાર વ્યકિત હોવાના કારણે લોકો તેમના વિરુઘ્ધ આગળ રજુઆત કરવામાં ભય અનુભવે છે. આ અંગે અગાઉ પણ તેઓએ નગરપાલિકામાં લેખીત ફરીયાદ કરવામાં ભય અનુભવે છે. આ અંગે અગાઉ પણ તેઓએ નગરપાલિકામાં લેખીત ફરીયાદ આપવા છતાં પાલીકાએ આ અંગે કોઇ કાર્યવાહી કરી ન હોવાનો પણ તેમણે આક્ષેપ કરી આખરી ઉપાય તરીકે આવા ભૂમાફિયાઓના દબાણને દ્વારકાની પવિત્ર ભૂમિ પરથી દુર કરવા રાજયપાલ તેમજ મુખ્યમંત્રી સહિતનાઓને રજુઆત કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે પવિત્ર એવી મેલીમુરાદ સામે કડક હાથે કાર્યવાહીની તાતી જરુરીયાત ઉભી થઇ છે. છેલ્લા ઘણા સમયથી ભુમાફીયાઓ જમીનો ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરી સરકારી જમીનો ચાઉ કરી રહ્યા છે. ત્યારે જામનગરમાં જેમ જયેશ પટેલની ગેંગ ઉપર પોલીસે જે રીતે કાર્યવાહી કરી છે તેવી રીતે દ્વારકાનગરીમાં પણ ભુમાફીયાઓ સામે કાર્યવાહી કરવાની પ્રબળ માંગ ઉઠી છે.

Loading...