Abtak Media Google News

ગુસ્સાની કુટેવ સંબંધોમાં તિરાડનું કારણ !!

અસ્મિતા નામની એક છોકરી હતી જે ખૂબ જ સુંદર હતી. જે પણ વ્યક્તિ તેને જોવે તે તેનાથી પ્રભાવિત થઈ જાય અને તેને જોતાં જ રહી જાય પણ એનામાં એક કુટેવ હતી. તેને ગુસ્સો ખૂબ જ આવતો. જ્યારે તેને ગુસ્સો આવતો ત્યારે તે સામેવાળાને મનફાવે તેમ બોલવા લાગતી, આસપાસની વસ્તુઓ તોડી નાખતી અને જે કાંઈ પણ હાથમાં હોય તે ફેંકી ને મારતી. નાની નાની વાતોમાં ગુસ્સો કરતી અને બધા જ તેનાથી પરેશાન હતા. તેના મિત્રો, પરિવાર, આસપાસના લોકો, જ્યાં તે જોબ કરતી ત્યાંના સહ કર્મચારીઓ બધા જ તેનાથી પરેશાન હતા.

એક દિવસ તેના મમ્મીએ તેને સમજાવવા માટે એક ઉપાય વિચાર્યો. તેણે અસ્મિતાને બોલાવી અને કહ્યું કે હું તને એક મહિનાની ચેલેન્જ આપું છું જેમાં તારે એક મહિના સુધી ગુસ્સો કરવાનો નથી અને જો તને ગુસ્સો આવી જાય કે કોઈને કંઈ પણ બોલાય જાય તો તારે એક ખીલી તારી રૂમમાં પડેલી તારી ફેવરિટ બેંચ પર હથોડાથી મારવાની અને જેમ બને તેમ ઓછો ગુસ્સો કરવો. જે દિવસે તું ગુસ્સો ના કર તે દિવસે તારે એક ખીલી બેન્ચ પરથી કાઢી લેવાની. મહિનાના અંતે આપણે જોઈએ કે કેટલી ખીલી બચે છે. અસ્મિતાએ ચેલેન્જ સ્વીકારી લીધી.

શરૂઆતના દસ દિવસમાં તેને ખૂબ જ ગુસ્સો આવ્યો. તેની બેંચ પર 20 ખીલી મારી હતી. પછીના દસ દિવસમાં તેને ગુસ્સો ઓછો થયો અને કુલ ખીલી 10 વધી. હવે છેલ્લા દસ દિવસમાં તેને ગુસ્સો સાવ આવ્યો જ નહીં અને રોજની એક ખીલી કાઢતા મહિનાના અંતે તેની બેંચ પર એક પણ ખીલી રહી નહીં. અસ્મિતા ચેલેન્જ જીતી ગઈ અને તેના મમ્મીને કહેવા લાગી કે જુઓ મમ્મી બેંચ પર એક પણ ખીલી બચી નથી. બધી જ ખીલી નીકળી ગઈ અને હું જીતી ગઇ છું.

ત્યારે તેના મમ્મીએ તેને કહ્યું કે બેન્ચ પરથી ખીલી તો નીકળી ગઈ પણ શું બેન્ચ પહેલાની જેમ સુંદર દેખાય છે ? નહીં ને ? કેટલા કાણા પડી ગયા છે બેંચ પર કેટલી ખરાબ દેખાય છે.

તેના પિતાએ તેને સમજાવ્યું કે આ જ રીતે તું જ્યારે કોઈના પર ગુસ્સો કરે છે ત્યારે તેની સાથેના તમારા સંબંધોમાં કાણા પડી જાય છે અને તેના કારણે તારા સંબંધ તૂટી જાય છે. આ વાત હવે અસ્મિતાને સમજાઈ ગઈ. તે દિવસથી તેણે ગુસ્સો કરવાનું સાવ ઓછું કરી દીધું.

ઘણીવાર આપણી સાથે પણ આવું જ થાય છે. આપણે ઘરનો ગુસ્સો બહાર અને બહારનો ગુસ્સો ઘરમાં કાઢીએ. બીજાનો ગુસ્સો બીજા પર કાઢીએ છીએ. તો જ્યારે જ્યારે આપણે કોઈના પર ખોટી રીતે ગુસ્સો કરીએ ત્યારે આપણા સંબંધમાં તિરાડ પડી જાય છે અને સંબંધ પહેલા જેવા રહેતા નથી.

– આર. કે. ચોટલીયા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.