Abtak Media Google News

૭૨ નગરસેવકોની ‘સેવા’ રાજકોટવાસીઓને વર્ષે દહાડે રૂા.૧.૩૦ કરોડમાં પડશે

નગરસેવક તરીકે ચૂંટાયેલા ૭૨ નેતાઓ રાજકોટવાસીઓની સમસ્યા હલ કરવા માટે કોઈ કામ કરે કે ન કરે પરંતુ તેઓને ૧૪૫૦૦ રૂપિયા ફીક્સ વેતન દર મહિને ચૂકવાશે. આ ઉપરાંત મીટીંગમાં હાજરી આપવા મીટીંગ દીઠ રૂા.૫૦૦ ભથ્થુ ચુકવવામાં આવશે. ૭૨ નગરસેવકોની સેવા રાજકોટવાસીઓને વર્ષે દહાડે રૂા.૧.૩૦ કરોડમાં પડશે. આગામી માર્ચ મહિનાથી ૭૨ નગરસેવકો ઓન પેપર કાર્યરત થઈ જતાંની સાથે જ તેઓનું માનદ વેતન, સ્ટેશનરી ભથ્થુ અને ટેલીફોન ભથ્થુ સહિત મીટીંગ ભથ્થાનો બોજ રાજકોટવાસીઓ પર ચડવા માંડશે. હાલ નગર સેવકોને દર મહિને ૧૨૫૦૦ માનદ વેતન ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત તેઓને મહિને દહાડે સ્ટેશનરી ભથ્થા પેટે રૂા.૧૫૦૦ અને ટેલીફોન માટે રૂા.૧૦૦૦ ચૂકવવામાં આવે છે. મીટીંગમાં હાજરી આપે અને મીટીંગમાં કોઈ દરખાસ્તને મંજૂરી આપવામાં આવે તો મીટીંગ દીઠ રૂા.૫૦૦ ચૂકવવામાં આવે છે અને દર મહિને વધુમાં વધુ ૫ મીટીંગનું ભથ્થુ ચુકવવામાં આવે છે. કોર્પોરેટર તરીકે ચૂંટાયા બાદ કંઈ ન કરે તો પણ નેતા દર મહિને રૂા.૧૪૫૦૦ મેળવવા માટે હક્કદાર બની જાય છે. માર્ચ મહિનાથી મહાપાલિકાની તિજોરી પર માસીક રૂા.૧૦.૪૪ લાખ અને વાર્ષિક રૂા.૧.૨૫ કરોડનો બોજ આવશે તે વાત ફાઈનલ છે અને આ બોજ એક બે મહિના માટે નહીં પરંતુ પાંચ વર્ષ સુધી રહેશે. ગત ટર્મમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરની મહાપાલિકાઓમાં કોર્પોરેટરોને અપાતા વેતનમાં વધારો કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.