Abtak Media Google News

ટાઉન પ્લાનીંગ એકટ ૧૯૭૬ હેઠળ ટીપીના તમામ અધિકારો રાજકોટ મહાનગરપાલિકાને આપવા રૂડામાં શનિવારે બોર્ડ બેઠક : ચાર ગામોમાં કુલ ૧૩ ટીપી સ્કીમોનો સમાવેશ

રાજકોટ મહાનગરપાલિકાની હદમાં માધાપર, મુંજકા, મોટામવા, ઘંટેશ્ર્વર એમ ચાર ગામોનો સમાવેશ કરવા માટે રાજય સરકારનાં શહેરી વિકાસ વિભાગ દ્વારા મંજુરીની મહોર મારવામાં આવી છે જોકે આ ચારેય ગામોનો ભલે કોર્પોરેશનની હદમાં સમાવેશ થઈ ગયો હોય પરંતુ હજી બિલ્ડીંગ પ્લાન મંજુરી અર્થે તો રૂડામાં જ મુકવા પડશે. ટીપીનાં તમામ અધિકારો મહાપાલિકાને સુપ્રત કરવા માટે આગામી શનિવારે રૂડા ખાતે એક બોર્ડ બેઠક બોલાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ચાર ગામોમાં રૂડા દ્વારા કુલ ૧૩ ટીપી સ્કીમ બનાવવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજકોટ મહાપાલિકાની હદમાં માધાપર, મુંજકા, મોટામવા અને ઘંટેશ્ર્વરનો સમાવેશ કરવા માટે ગત ડિસેમ્બર માસમાં કોર્પોરેશનમાં જનરલ બોર્ડમાં ઠરાવ કરી રાજય સરકારમાં મોકલવામાં આવ્યો હતો. શહેરી વિકાસ વિભાગ દ્વારા ગત ૧૮મી જુનનાં રોજ ચારેય ગામોનો રાજકોટમાં સમાવેશ કરવા માટે મંજુરીની મહોર મારી દેવામાં આવી હતી. દરમિયાન રાજય સરકાર દ્વારા ૨૬મી જુનનાં રોજ સતામંડળને એક પત્ર દ્વારા એવો આદેશ આપવામાં આવ્યો છે કે, ટાઉન પ્લાનીંગ એકટ ૧૯૭૬ હેઠળ રૂડાને જે અધિકારો મળ્યા છે તે ટીપીનાં તમામ અધિકારીઓ રાજકોટ મહાનગરપાલિકાને ડેલીગેટ કરવા માટે જનરલ બોર્ડમાં એક ઠરાવ કરી શહેરી વિકાસ વિભાગમાં મોકલવાનો રહેશે ત્યારબાદ શહેરી વિકાસ વિભાગની મંજુરી મળ્યા પછી ટીપીનાં તમામ અધિકારો કોર્પોરેશનને ફાળવવાના રહેશે.

રૂડાનાં મુખ્ય કારોબારી અધિકારી ચેતન ગણાત્રાએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, મોટામવા, મુંજકા, માધાપર અને ઘંટેશ્ર્વરનો સમાવેશ રાજકોટ મહાનગરપાલિકામાં કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા એવી સુચના આપવામાં આવી છે કે, આ ચારેય ગામોનાં ટીપીનાં રેકોર્ડ અને અધિકારો કોર્પોરેશનને સોંપવા માટે રૂડાએ બોર્ડ બેઠકમાં ઠરાવ પસાર કરવાનો રહેશે. સરકારનાં આદેશ મુજબ ઉપરોકત અધિકારો મહાપાલિકાને સોંપવા માટેનાં ઠરાવ કરવાનાં એકમાત્ર એજન્ડા સાથે આગામી ૪થી જુલાઈનાં રોજ રૂડામાં બોર્ડ બેઠક બોલાવવામાં આવી છે.

આ બોર્ડ બેઠકમાં ચાર ગામોનાં ટીપીનાં રેકોર્ડ અને અધિકારો કોર્પોરેશનને સોંપવાનો ઠરાવ પસાર કરાયા બાદ તેને રાજય સરકારનાં શહેરી વિકાસ વિભાગમાં મોકલવામાં આવશે ત્યારબાદ શહેરી વિકાસ વિભાગની મંજુરી મળ્યા પછી વિધિવત રીતે તમામ ટીપી રેકોર્ડ, અનામત પ્લોટનાં કબજા સહિતનાં અધિકારો કોર્પોરેશનને સોંપવામાં આવશે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આ માત્ર રાજકોટ પુરતો નહીં પરંતુ રાજયનાં અલગ-અલગ મહાપાલિકા વિસ્તારમાં સતામંડળનાં જે ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેના માટે નિયમ લાગુ કરાયો છે.

શહેરી વિકાસ વિભાગ સમક્ષ તમામ સતા મંડળનાં ઠરાવો આવ્યા બાદ અંતિમ મંજુરી આપવામાં આવશે જેમાં અંદાજે એકાદ પખવાડિયા જેવો સમય પસાર થવાની સંભાવના છે.

માધાપર, મોટામવા, મુંજકા અને ઘંટેશ્ર્વરનો સમાવેશ જયારે રાજકોટ મહાનગરપાલિકામાં કરવામાં આવ્યો ન હતો ત્યારે રૂડા દ્વારા આ ચારેય ગામોનાં બિલ્ડીંગ પ્લાન મંજુર કરવાની કામગીરી ચાલી રહી હતી તે કામગીરી ૧૮મી એટલે કે ૪ ગામોને રાજકોટમાં ભેળવવાનાં સરકારનાં નિર્ણય બાદ પણ હજુ ચાલુ જ છે અને જયાં સુધી સરકાર દ્વારા ટીપીનાં અધિકારો કોર્પોરેશનને સોંપી દેવા માટે રૂડાને કોઈ સુચના આપવામાં નહીં આવે કે ઠરાવને મંજુરી આપવામાં નહીં આવે ત્યાં સુધી અગાઉની માફક બિલ્ડીંગ પ્લાન મંજુર કરવામાં આવશે. તેઓએ ઉમેર્યું હતું કે, આ ચાર ગામોમાં રૂડા દ્વારા કુલ ૧૩ ટીપી સ્કીમ બનાવવામાં આવી છે જેમાં મોટામવા અને મુંજકા વિસ્તારની ચાર ટીપી સ્કીમો ફાઈનલ થઈ ગઈ છે. જયારે મુંજકાની એક ટીપી સ્કીમ પ્રિલીમીનરી છે અને ચાર ગામોની ૮ ટીપી સ્કીમ ડ્રાફટેડ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.