કેટલાંકની વિદાય પછી પણ એમના ગુણ ઘંટનાદની જેમ ગૂંજતા હોય છે: નમ્રમુનિ મહારાજ

રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સા.ની પ્રેરણાથી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ – મુલુંડના ઉપક્રમે સંઘમાતા માતુશ્રી ધનવંતીબેન ગોગરીની સ્મૃતિમાં અંજલિ અવસર ઉજ્વાયો

લિંબડી અજરામર સંપ્રદાયના આચાર્ય ભગવંત પૂજ્ય ભાવચંદ્રજી મહારાજ સા. કચ્છ આઠ કોટી મોટી યક્ષના પૂજ્ય નરેશમુનિ મહારાજ સા. અને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સા.એ “માડી તારી યાદ કાર્યક્રમમાં સંઘમાતાને ગુણાંજલિ અર્પણ કરી

સમગ્ર સંઘ, સમાજ અને અનેક અનેક સંત- સતીજીઓની સેવા- વૈયાવચ્ચ કરનારા સમાન કચ્છ નાના ભાડિયાના વતની સંઘમાતા ધનવંતીબેન વલ્લભજી ગોગરીની પ્રથમ પુણ્યસ્મૃતિ નિમિત્તે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મ.સા.ની પ્રેરણાથી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ – મુલુંડના ઉપક્રમે “માડી તારી યાદ સ્મૃતિ અવસરનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુલુંડ સંઘમાં બિરાજિત લીંબડી અજરામર સંપ્રદાયના આચાર્ય ભગવંત ભાવચંદ્રજી મ.સા., પંચગની બિરાજિત વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા નરેશમુનિ મ.સા. તેમજ ગિરનાર બિરાજિત રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા.ના સાંનિધ્યે બૃહદ મુંબઈ સ્થાનકવાસી જૈન મહાસંઘ પ્રમુખ પરાગભાઈ શાહ, ગોગરી પરિવારના ચંદ્રકાંતભાઈ, રાજેન્દ્રભાઈ આદિ તેમજ મુલુંડ સંઘના દિલીપભાઈ રાંભીયા આદિ વિશેષ ઉપસ્થિતિમાં લાઈવ પ્રસારણના માધ્યમે આયોજિત આ કાર્યક્રમમાં ભારતના અનેક ક્ષેત્રોની સાથે વિદેશના સિંગાપોર, અમેરિકા, લંડન આદિ ક્ષેત્રોના ભાવિકો વિશાળ સંખ્યામાં જોડાયાં હતાં.

પૂજ્ય નરેશમુનિ મ.સા.એ આ અવસરે ગોગરી પરિવારને સંસ્કારોની સુવાસથી મઘમઘતા પરિવાર તરીકે અને માતુશ્રી ધનવંતીબેનને ચીવટ અને ચોકસાઈની કાર્યશૈલીથી શોભતાં જાજરમાન વ્યક્તિત્વ તરીકે ઓળખાવીને ફરમાવ્યું હતું કે, શૈક્ષણિક ક્ષેત્રે, મેડીકલ ક્ષેત્રે અને આર્થિક ક્ષેત્રે અનેક અનેક પ્રકારની સહાય અને માનવતાની અદભૂત સેવા કરનારા ધનવંતીબેન સંત- સતીજીઓના અમ્મા – પિયા સમાન હતાં.

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે આ અવસરે માતુશ્રી ધનવંતીબેનની ગુણ સ્મૃતિ કરતાં ફરમાવ્યું હતું કે, કેટલાંક આત્માઓ સ્મરણીય હોય છે પરંતુ કેટલાંક આત્માઓ અવિસ્મરણીય અને પ્રાત: સ્મરણીય બની જતાં હોય છે. કેટલાંક જીવો જ્યારે માત્ર પોતાના પરિવારનું જ વિચારીને જીવન વ્યતીત કરી દેતાં હોય ત્યારે માતુશ્રી ધનવંતીબેન જેવાં સમગ્ર સંઘ અને સમાજ પ્રત્યે સદભાવના રાખીને સત્કાર્યો કરીને વિદાય પામ્યાં પછી પણ એમના ગુણોનો ઘંટનાદ ગૂંજાવી જતાં હોય છે.

ચંદ્રકાંતભાઈ ગોગરીએ પોતાની અમાપ સફળતા અને પોતાના દ્વારા થઈ રહેલાં માનવતા- જીવદયા સત્કાર્યોનો સંપૂર્ણ શ્રેય માતુશ્રી ધનવંતીબેનને આપતાં કહ્યું હતું કે, અમારું જીવન અમારી માતાના સંસ્કારોથી જ જીવાઈ રહ્યું છે. એવી સંસ્કારદાત્રી મા નું ઋણ અમે કદી ન ચૂકવી શકીએ. ઉપરાંતમાં, ભગવાન મહાવીર અને ગૌતમ બુધ્ધની કર્મભૂમિ જેવા ઐતિહાસિક સ્થાનમાં હોસ્પીટલો અને નિસર્ગ કોલેજના પ્રકલ્પની ભાવિ યોજનાઓ ઘોષિત કરીને ચંદ્રકાંતભાઈએ કહ્યું હતું કે, અમે પ્રમાણિકપણે માનવતાના ક્ષેત્રમાં આગળ વધીને, ખરા અર્થમાં માનવ બનીને અમારી મા અને મહાવીરનું નામ રોશન કરીશું.

મુલુંડ સંઘના દિલીપભાઈ રાંભીયાએ મુલુંડ સંઘમાં ૨૫ વર્ષ સુધી પ્રભુત્વ ધરાવનારા માતુશ્રી ધનવંતીબેનને ૧૦૦ પુરુષશક્તિ સમોવડી એકનારી શક્તિ તરીકે ઓળખાવીને એમની ઉપકાર અભિવ્યક્તિ સાથે સ્મરણાંજલિ અર્પણ કરી હતી.

કરોડો રૂપિયાના અનુદાન અને વિશ્વ વાત્સલ્યની ભાવના સાથે અનેક ક્ષેત્રોમાં સેવા અને માનવધર્મની મહેક પ્રસરાવી રહેલાં ચંદ્રકાંતભાઈને આ અવસરે અહંમ યુવા સેવા ગ્રુપના સદસ્યો દ્વારા પરમાર્થ પુરુષ સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું. રાજેન્દ્રભાઈને પરમાર્થ પ્રેમી સન્માન અર્પણ કરીને એમની પરમાર્થ ભાવનાને બિરદાવવામાં આવી હતી.
માતુશ્રી ધનવંતીબેન જેવા આત્માને ગુણ સ્મરણાંજલિ અર્પણ કરતાં આ અવસર માટે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે કરેલી પ્રેરણા અને પુરુષાર્થ બદલ દિલીપભાઈ રાંભિયાએ કરેલી આભાર અભિવ્યક્તિ અને જિગીશાબેનના મધુર કંઠે માતૃવંદનાવલી સાથે આ અવસરનું સમાયન થયું હતું.

Loading...