Abtak Media Google News

૧૯૩૦માં આઝાદીની લડત વખતે અમદાવાદ સ્થિત ઐતિહાસિક સાબરમતી જેલના સરદાર યાર્ડ ખાતે ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાથે રખાયેલા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, મૂક સેવક રવિશંકર વ્યાસ ‘મહારાજ’ અને સ્વાતંત્ર્ય સેનાની અબ્બાસ તૈયબજીના સ્મૃતિ-સ્થળની સ્થાપના ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ‘ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન’ તથા જેલ પ્રશાસન દ્વારા થઈ છે. તે સમયે અહિ રખાયેલા મહાદેવભાઈ દેસાઈ, દેવદાસભાઈ ગાંધી, મણિલાલ કોઠારી, દરબાર ગોપાળદાસ દેસાઈ, ‘સૌરાષ્ટ્રના સિંહ’ અમૃતલાલ શેઠ, બળવંતરાય મહેતા અને અન્ય મહાનુભવોની તસ્વીરો પણ સ્મૃતિરૂપે પ્રદર્શિત કરાઈ છે. ૧૯૪૫માં પ્રગટ થયેલ રવિશંકર મહારાજના જીવન અને કાર્યને આલેખતી કૃતિ ‘માણસાઈના દીવા’ને ઝવેરચંદ મેઘાણીએ સરદાર વલ્લભભાઈ પટેલને સાદર અર્પણ કરી હતી.     

ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર સ્થિત ક્રાંતિકારી લોકસંત જૈન મુનિશ્રી સંતબાલજી પ્રેરિત તથા આર્થિક-સામાજિક રીતે વંચિત સમાજની બહેનોને સ્વરોજગારી આપવાનું ઉમદા કાર્ય કરતી અગ્રગણ્ય ખાદી સંસ્થા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ખાતે પિનાકી મેઘાણીનું ભાવભર્યું અભિવાદન કરાયું હતું. ગુજરાત રાજ્યના જેલ અને સુધારાત્મક વહીવટના તત્કાલીન પોલીસ મહાનિર્દેશક મોહન ઝા (આઈપીએસ), નાયબ પોલીસ મહાનિરીક્ષક એસ. કે. ગઢવી (આઈપીએસ), અમદાવાદ મધ્યસ્થ જેલના અધિક્ષક ડો. એમ. કે. નાયક (આઈપીએસ) અને નાયબ અધિક્ષક પી. બી. સાપરા પ્રત્યે પણ આભાર વ્યક્ત થયો હતો. જૈન મુનિશ્રી સંતબાલજી દ્વારા જ પ્રેરિત ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘ (ગુંદી આશ્રમ)ના પ્રથમ પ્રમુખ રવિશંકર મહારાજ હતા જે ખાસ ઉલ્લેખનીય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.