પ્લાનીંગ અને સ્ટાફની મહેનતથી ચૂંટણી બની ‘એરર ફ્રિ’

જિલ્લા ચૂંટણી અધિકારી ડો.વિક્રાંત પાંડેએ ચૂંટણી ફરજ બજાવનાર કર્મચારીઓ અને અધિકારીઓની કામગીરીની સરાહના કરી આભાર માન્યો

શાંતિપૂર્ણ વાતાવરણમાં રાજકોટ જિલ્લાની આઠેય બેઠકોની ચૂંટણી પૂર્ણ થઈ છે ત્યારે ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા અધિકારીઓનો અને કર્મચારીઓનો જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ આભાર વ્યકત કર્યો હતો.

જિલ્લા ચૂંટણી અધિકારી ડો.વિક્રાંત પાંડેએ જણાવ્યું કે, જિલ્લાની આઠ બેઠકોની ચૂંટણીમાં સરકારી કર્મચારીઓ તેમજ અધિકારીઓએ ઉત્સાહપૂર્વક કામ કર્યું હતું. સતત બે મહિના સુધી તેઓ પોતાના કામ પ્રત્યે કમીટેડ રહ્યા હતા. ચૂંટણી સ્ટાફે નિષ્પક્ષતા અદભુત અને અભૂતપૂર્વ કામગીરી બજાવી છે. રાષ્ટ્રીય ફરજ ગણાતી ચૂંટણી કામગીરીમાં સરકારી કર્મચારીઓ હોંશભેર જોડાયા હતા.

વધુમાં તેઓએ જણાવ્યું કે, સંવેદનશીલ અને હાઈ ટેન્શનવાળી એવી આ ચૂંટણી એરર ફ્રી યોજાઈ તે માટે અગાઉથી જ તખ્તો ઘડી રાખવામાં આવ્યો હતો. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મિતેશ પંડયા, ‚ડાના પરિમલ પંડયા, અધિક જિલ્લા કલેકટર હર્ષદ વોરા તેમજ મોજીત્રા અને ઈવીએમનો કાર્યભાર સંભાળનાર પ્રજાપતિએ અદભુત કામગીરી બજાવી હતી. જેનો હું આભાર માનું છું. વધુમાં જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ ૬૮ રાજકોટ પૂર્વના રીટર્નીંગ ઓફિસર એમ.કે.પટેલ તેમજ ૬૯ રાજકોટ પૂર્વના પ્રજ્ઞેશ જાની, ૭૦ રાજકોટ દક્ષિણના એ.ટી.પટેલ, ૭૧ રાજકોટ ગ્રામ્યના પ્રભવ જોશી, ૭૨ જસદણના એ.એચ.ચૌધરી, ૭૩ ગોંડલના આર.એમ.રાયજાદા, ૭૪ જેતપુરના ધર્મેશ મકવાણા અને ૭૫ ધોરાજીના ટી.એચ.જોશીની સરાહનીય કામગીરીને બિરદાવી હતી.

જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ ઉમેર્યું હતું કે, કોઈપણ જાતનો પ્રશ્ર્ન થાય તે પહેલા જ સોલ થઈ જાય તેવું બેકઅપ પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. વધુમાં આ ચૂંટણીના આઠ આસિસ્ટન્ટ રીટર્નીંગ ઓફિસરમાંથી પાંચ એવા હતા કે જેને પ્રથમવાર રાષ્ટ્રીય ફરજ ગણાતી ચૂંટણીની કામગીરી કરી હતી. આ ઉપરાંત બે રીટર્નીંગ ઓફિસરો પણ એવા હતા જેને પ્રથમવાર ચૂંટણી ફરજ બજાવી હતી. માઈક્રો પ્લાનીંગ અને સંકલનના લીધે ચૂંટણી પ્રક્રિયામાં કોઈપણ જાતની અડચણ આવી ન હતી.

વધુમાં જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ રાજકીય પક્ષોનો પણ આભાર માન્યો હતો અને કહ્યું કે, રાજકીય પક્ષોએ જોશ અને ઉત્સાહથી ચૂંટણી લડી છે. મહત્વની વાત એ છે કે રાજકીય પક્ષોએ ચૂંટણી દરમિયાન પોતાની સ્પોર્ટસમેનશીપ જાળવી રાખી હતી. સરઘસ, રેલી અને સભાઓમાં રાજકીય પક્ષો દ્વારા પુરતો સહકાર મળ્યો હતો અને કોઈ અનિચ્છનીય બનાવો બન્યા ન હતા.

Loading...