Abtak Media Google News

સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખવા સાયબર યુનિટોમાં વિશેષ ટીમોનું કરવામાં આવશે ગઠન

લોકસભા ચુંટણીનું રણશીંગુ ફુંકાઈ ચુકયું છે અને ચુંટણીપંચ દ્વારા આચારસંહિતાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે જેથી રાજય અને જિલ્લાઓની તમામ સાયબર ક્રાઈમ યુનિટો સજજ થઈ ગઈ છે અને કોઈપણ અફવાવાળા મેસેજ અને આચારસંહિતાનો ભંગ ન થાય તે માટેના સાહિત્ય ઉપર પુરતી નજર રાખી રહી છે.

લોકસભાની ચુંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે વરીષ્ઠ પોલીસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સોશિયલ મિડીયા એક એવું માધ્યમ છે જયાં અફવાઓ ખુબ જ ઝડપથી ફેલાવી શકાય છે અને લો એન ઓર્ડરની સ્થિતિની ડામાડોર ખુબ જ આસાનીથી કરી શકે છે ત્યારે આ પ્રકારની કોઈ ગેરરીતિ આચરવામાં ન આવે તેના કારણે સમગ્ર રાજયની સાયબર પોલીસ યુનિટોને સજજ કરી દેવામાં આવી છે.

૨૦૧૭ની વિધાનસભાની ચુંટણીમાં અનેક ડમી વ્યકિતઓને પકડી પાડવામાં આવ્યા હતા. કારણકે તેમના દ્વારા ફેલાવવામાં આવેલી અફવાઓના કારણે ખુબ જ ચર્ચા ઉપડી હતી તથા કોઈપણ રાજકારણી દ્વારા ખુબ જ વિવાદાસ્પદ વ્યાખ્યાનોને પણ સોશિયલ મિડીયા ઉપર મુકવામાં આવતા હતા જેનાથી તંગદિલીનો માહોલ પણ ખુબ જ આસાનીથી સર્જાતો હતો ત્યારે આ પ્રકારની ઘટના લોકસભા ચુંટણીમાં ન ઘટે તે માટે તમામ તકેદારી સાયબર યુનિટો દ્વારા રાખવામાં આવી રહી છે.

વધુમાં વરીષ્ઠ પોલીસ અધિકારીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ૨૦૧૯ની લોકસભાની ચુંટણીમાં જે કોઈ વ્યકિત ગેરરીત સોશિયલ મિડીયા ઉપર આચરશે તો તેના વિરુઘ્ધ કાયદાકીય પગલા પણ લેવામાં આવશે ત્યારે સાયબર ક્રાઈમ યુનિટોમાં એક વિશેષ ટીમનું ગઠન કરવામાં આવશે કે જે સોશિયલ મિડીયા ઉપર પોતાની ચાપતી નજર રાખશે અને જે સાહિત્યો ચુંટણીને લઈ અપલોડ કરવામાં આવતા હોય તેના ઉપર પણ પોતાની બાજ નજર રાખશે અને જોશે કે કોઈ એવી માહિતી ન મુકવામાં આવે કે જે આચારસંહિતાનો ભંગ કરતા હોય અને લોકોમાં સનસની ઉદભવિત કરતી હોય જેથી રાજયની તથા તમામ જિલ્લાઓની સાયબર ટીમોને સજજ કરી દેવામાં આવી છે અને ગેરરીતિ અટકાવવા માટે પણ તેઓને સજજ કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.